સેન્ચુરિયન: દક્ષિણ આફ્રિકા (India vs South Africa) સામે સેન્ચુરિયન ટેસ્ટનો (Centurion Test)પ્રથમ દિવસ ભારતના નામે રહ્યો છે. પ્રથમ ટેસ્ટમાં (IND vs SA first Test)પ્રથમ દિવસના અંતે ભારતે 3 વિકેટ ગુમાવી 272 રન બનાવી લીધા છે. કેએલ રાહુલ 122 અને અજિંક્ય રહાણે 40 રને રમતમાં છે. બંનેએ ચોથી વિકેટ માટે 73 રનની ભાગીદારી નોંધાવી દીધી છે. પ્રથમ દિવસે ભારતની બધી વિકેટો લુંગી એનગિડીએ ઝડપી હતી.
વિરાટ કોહલીએ (Virat Kohli)ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. રોહિત શર્માની ગેરહાજરીમાં કેએલ રાહુલ (KL Rahul)અને મયંક અગ્રવાલે (Mayank Agarwal)ઇનિંગ્સની શરૂઆત કરી હતી. આ જોડીએ સંભાળીને બેટિંગ કરી હતી. જેનો ટીમ ઇન્ડિયાને ફાયદો થયો હતો. પ્રથમ વિકેટ માટે 117 રન જોડ્યા હતા. 11 વર્ષ પછી દક્ષિણ આફ્રિકામાં ભારતની ઓપનિંગ જોડીએ 100થી વધારે રન બનાવ્યા છે. આ પહેલા 2010માં વીરેન્દ્ર સેહવાગ અને ગૌતમ ગંભીરે પ્રથમ વિકેટ માટે 137 રન બનાવ્યા હતા.
મયંક અગ્રવાલ 60 રને આઉટ થયો હતો. મયંકની આ છઠ્ઠી અડધી સદી છે. તેણે 9 ફોર ફટકારી હતી. મયંકના આઉટ થયા પછી ચેતેશ્વર પૂજારા આવ્યો હતો. પૂજારા પ્રથમ બોલે જ ગોલ્ડન ડક થયો હતો. બીજી વખત પૂજારા દક્ષિણ આફ્રિકા સામે ગોલ્ડન ડક થયો છે. આ પહેલા 2018માં પ્રથમ બોલે આઉટ થયો હતો.
બે વિકેટ ઉપરા-ઉપર પડતા ભારતીય ટીમ મુશ્કેલમાં જોવા મળી હતી. જોકે અહીંથી કેએલ રાહુલ અને વિરાટ કોહલીએ સમજદારીભરી બેટિંગ કરી હતી. બન્નેએ ત્રીજી વિકેટ માટે 82 રન બનાવ્યા હતા. ભારતનો સ્કોર 199 રન હતો ત્યારે વિરાટ આઉટ થયો હતો. વિરાટે 94 બોલમાં 34 રન બનાવ્યા હતા. વિરાટના આઉટ થયા પછી કેએલ રાહુલે શાનદાર બેટિંગ યથાવત્ રાખતા 217 બોલમાં સદી પુરી કરી હતી. કેએલ રાહુલે ટેસ્ટમાં 7મી અને દક્ષિણ આફ્રિકામાં પ્રથમ સદી ફટકારી છે. રાહુલે 7 માંથી 6 સદી ઘરની બહાર ફટકારી છે. અજિંક્ય રહાણે 81 બોલમાં 8 ફોર સાથે 40 રન બનાવી રમતમાં છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર