ધર્મશાળા : વેસ્ટ ઈન્ડિઝના સફળ પ્રવાસ બાદ વિરાટ કોહલી (Virat Kohli)ની આગેવાનીવાળી ટીમ ઈન્ડિયા (Team India) આત્મવિશ્વાસથી ભરપૂર છે. ભારતીય ક્રિકેટ ટીમ હવે રવિવારે સાઉથ આફ્રિકા (South Africa)ની વિરુદ્ધ પોતાના અભિયાનનો પ્રારંભ કરશે. બંને ટીમોની વચ્ચે ત્રણ ટી20 મેચોની સીરીઝની પહેલી મેચ ધર્મશાળામાં રમાશે, જેને આવતા વર્ષે યોજનારા વર્લ્ડ કપની તૈયારી રૂપે જોવામાં આવી રહી છે.
માનવામાં આવી રહ્યું છે કે, આ મેચમાં મેદાન પર અનેક યુવા ચહેરા જોવા મળી શકે છે. ટીમ ઈન્ડિયાની નજર અભિયાનની વિજયી શરૂઆત કરવા પર છે, પરંતુ કાળા વાદળો આશાઓ પર પાણી ફેરવી શકે છે. છેલ્લા થોડાક દિવસોમાં ધર્મશાળાનું હવામાન ખરાબ છે. સતત વરસાદ પડી રહ્યો છે અને આકાશમાં આજે પણ કાળા વાદળ ઘેરાયેલાં છે. બપોર સુધી સૂરજ અને વાદળો વચ્ચે સંતાકૂકડી જોવા મળી શકે છે, પરંતુ સાંજ પડતા સુધીમાં કાળા વાદળ ઘેરાવાની સાથે જ વરસાદની પણ શક્યતા વર્તાઈ રહી છે.
હવામાનમાં ઠંડક અને ભેજનું પ્રમાણ રહેશે. રમતાં ઝાકળ પણ પોતાની મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી શકે છે. તાપમાન લઘુત્તમ 17 ડિગ્રી સેલ્સિયસ સુધી જઈ શકે છે.
ધર્મશાળામાં શનિવારે પ્રેસ કોન્ફરન્સ કર્યા બાદ જતો ભારતીય કેપ્ટન વિરાટ કોહલી
બંને કેપ્ટનો સામે પડકાર
ભારતીય કેપ્ટન વિરાટ કોહલીની સામે સૌથી મોટો પડકાર યુવા ટીમની સાથે પોતાના વિજયી ક્રમને ચાલુ રાખવાનો છે. તો બીજી તરફ મહેમાન કેપ્ટન ક્વિટ્ટન ડિ કોક (Quinton de Kock)ની સામે ફાફ ડૂ પ્લેસી, ડેલ સ્ટેન, હાલમાં નિવૃત્તિ લેનારો હાશિમ અમલા અને ક્રિસ મોરિસ જેવા અનુભવી ખેલાડીઓની ગેરહાજરીમાં ટીમને ટ્રેક પર લાવવાનો પડકાર છે. આવતા વર્ષે ઓસ્ટ્રેલિયામાં ટી20 વર્લ્ડ કપ યોજાવાનો છે. એવામાં બંને ટીમ માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ સીરીઝ છે. સાઉથ આફ્રિકા પરિવર્તનના દોરમાંથી પસાર થઈ રહી છે અને તે વહેલી તકે વર્લ્ડ કપ માટે પોતાની ટીમ સંયોજિત કરવાના પ્રયાસ કરી રહી છે.