ડરબનમાં ઐતિહાસિક જીતઃ વિરાટે રહાણેની પ્રશંસામાં કહ્યું આવું

Vinod Zankhaliya | News18 Gujarati
Updated: February 2, 2018, 12:44 PM IST
ડરબનમાં ઐતિહાસિક જીતઃ વિરાટે રહાણેની પ્રશંસામાં કહ્યું આવું
ડરબનમાં જીત બાદ કોહલીએ રહાણેની કરી પ્રશંસા

ડુ પ્લેસીએ કહ્યું, 'અમારો સ્કોર ખરેખર સારો ન હતો. અમે સારી બેટિંગ કરી ન હતી. મને લાગે છે કે અમે 50-60-70 ઓછા રન બનાવ્યા હતા.'

  • Share this:
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ દક્ષિણ આફ્રિકા સામે રમાયેલી પ્રથમ વન-ડેમાં છ વિકેટથી મળેલી જીતને ખાસ ગણાવતા કહ્યું કે ટીમ છેલ્લી ટેસ્ટમાં મળેલી જીતને આગળ ધપાવવા માટે પ્રતિબદ્ધ હતી.

ભારતે ટેસ્ટ શ્રેણીમાં પ્રથમ બંને ટેસ્ટમાં હાર મેળવ્યા બાદ જોહાનિસબર્ગમાં ત્રીજી ટેસ્ટ મેચમાં કપરી પરિસ્થિતિમાં પણ જીત મેળવી હતી.

કોહલીએ કહ્યું, 'આ જીત ખાસ છે. શ્રેણીની પ્રથમ મેચ હંમેશા ખાસ હોય છે. અમે ટેસ્ટ મેચમાં મળેલી જીતને આગળ ધપાવવા માંગતા હતા. સામેની ટીમને આ પીચ પર 270 રન પર જ અટકાવીને અમે ખૂબ ખુશ હતા.'

આ મેચમાં દક્ષિણ આફ્રિકાએ પ્રથમ બેટિંગ કરતા ફાફ ડુ પ્લેસીના 120 રનની મદદથી આઠ વિકેટ પર 269 રન બનાવ્યા હતા. ભારત તરફથી કોહલી (112) અને રહાણે (79) વચ્ચે ત્રીજી વિકેટ માટે 189 રનની ભાગીદારીથી જીત સરળ બની હતી.

કોહલીએ કહ્યું, ' હું જિંક્સ (અજિંક્ય રહાણે'ને લઈને ખૂબ ખુશ છું. તે વર્લ્ડ લેવલનો ખેલાડી છે. તેણે ફાસ્ટ બોલરોનો ખૂબ જ હિંમતથી સામનો કર્યો હતો.' કોહલીએ બંને સ્પીનર કુલદીપ યાદવ અને યુજવેન્દ્ર ચહલની પણ પ્રશંસા કરી હતી. બંનેએ મળીને પાંચ વિકેટ ઝડપી હતી.

કોહલીએ કહ્યું, 'ફાસ્ટ બોલિંગ માટે ટીમ બુમરાહ અને ભુવનેશ્વર પર નિર્ભર છે. પ્રથમ 10 ઓવરમાં અમે તેમની પાસેથી એક કે બે વિકેટની આશા રાખીએ છીએ. બાદમાં બંને સ્પીનરોએ ખૂબ સારી બોલિંગ કરી હતી. બંને ટીમ માટે ખૂબ જ મહત્વની ભૂમિકા નિભાવી રહ્યા છે. તેઓ પ્રથમ વખત દક્ષિણ આફ્રિકામાં રમી રહ્યા છે પરંતુ તેમણે હિંમતની સાથે વિકેટ ઝડપી હતી.'કોહલીને તેની શાનદાર રમત માટે મેચ ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો હતો. દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ફાફ ડુ પ્લેસી ફિલ્ડિંગ કરતી વખતે કોહલીનો કેચ પકડવા જતા ઈજાગ્રસ્ત થઈ ગયો હતો.

ડુ પ્લેસીએ કહ્યું, 'અમારો સ્કોર ખરેખર સારો ન હતો. અમે સારી બેટિંગ કરી ન હતી. મને લાગે છે કે અમે 50-60-70 ઓછા રન બનાવ્યા હતા.'
First published: February 2, 2018, 12:44 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading