ઑકલેન્ડ : બોલરોના શાનદાર પ્રદર્શન પછી લોકેશ રાહુલ (57*)ની અણનમ અડધી સદીની મદદથી ભારતે ન્યૂઝીલેન્ડ સામેની બીજી ટી-20માં 7 વિકેટે વિજય મેળવ્યો હતો. ન્યૂઝીલેન્ડે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 132 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે 17.3 ઓવરમાં 3 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો. આ જીત સાથે ભારતે પાંચ મેચની શ્રેણીમાં 2-0થી લીડ મેળવી લીધી છે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 29 જાન્યુઆરીએ હેમિલ્ટનમાં ત્રીજી ટી-20 રમાશે.
133 રનના પડકાર સામે રોહિત શર્મા 8 રને આઉટ થતા ભારતની શરુઆત ખરાબ રહી હતી. વિરાટ કોહલી 11 રને આઉટ થતા ભારતે 39 રનમાં 2 વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી લોકેશ રાહુલે 43 બોલમાં 3 ફોર અને 2 સિક્સર સાથે 50 રન ફટકારી બાજી સંભાળી હતી. ઐયરે પણ રાહુલને સારો સાથ આપ્યો હતો. ઐયરે 33 બોલમાં 1 ફોર અને 3 સિક્સર સાથે 44 રન બનાવ્યા હતા. રાહુલ અને ઐયરે ત્રીજી વિકેટ માટે 86 રનની ભાગીદારી નોંધાવી હતી. રાહુલ 57 રન બનાવી અણનમ રહ્યો હતો.
આ પણ વાંચો - 12 વર્ષની ઉંમરમાં મજૂરી કરી ક્રિકેટ એકેડમી બનાવી, હવે વર્લ્ડ કપમાં મચાવી રહ્યો છે ઘૂમ
આ પહેલા ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ગુપ્ટિલ (33) અને મુનરા (26)એ પ્રથમ વિકેટ માટે 6 ઓવરમાં 48 રન બનાવ્યા હતા. ગુપ્ટિલ 33 રન બનાવી શાર્દુલનો શિકાર બન્યો હતો. મુનરો 26 રન બનાવી શિવમ દુબેનો શિકાર બન્યો હતો. ગ્રાન્ડહોમી 3, વિલિયમ્સન 14 રને આઉટ થતા ન્યૂઝીલેન્ડ મુશ્કેલીમાં મુકાયું હતું. ટેલર સંઘર્ષ કરતો જોવા મળ્યો હતો. તેણે 24 બોલમાં માત્ર 18 રન બનાવી શક્યો હતો. શેફર્ટ અણનમ 33 રન બનાવી સ્કોર 132 સુધી પહોંચાડ્યો હતો.
ભારત તરફથી રવીન્દ્ર જાડેજાએ 18 રનમાં 2 વિકેટ ઝડપી હતી. જ્યારે શાર્દુલ, બુમરાહ અને દુબેએ 1-1 વિકેટ ઝડપી હતી.
Published by:Ashish Goyal
First published:January 26, 2020, 15:36 pm