ટીમ ઇન્ડિયાની પ્રેક્ટિસ મેચ ઘટાડીને ત્રણ દિવસની કરી દેવામાં આવી, આવું છે કારણ

 • Share this:
  ઇંગ્લેન્ડમાં સખત ગરમીના કારણે પાંચ મેચની ટેસ્ટ શ્રેણી પહેલા બુધવારે અસેક્સ સામે રમાનાર ચાર દિવસીય વોર્મઅપ મેચને ત્રણ દિવસની કરી દીધી છે. પહેલા આ મેચ ચાર દિવસ રમાવાની હતી. જોકે ભારતે અસેક્સ કાઉન્ટી સાથે વાત કરીને મેચને ત્રણ દિવસની કરાવી દીધી છે. વેબસાઇટ ઇએસપીએન ક્રિકઇન્ફોના રિપોર્ટ પ્રમાણે ઇંગ્લેન્ડમાં પડી રહેલી ગરમી તેનું મુખ્ય કારણ છે. મોસમ વિભાગના મતે મેચના શરૂઆતના દિવસે તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસ રહેવાનો અંદાજ છે. આ કારણે ભારતીય ટીમ મેનેજમેન્ટે ત્રણ દિવસની મેચ કરાવવાની વાત કરી હતી. આ માટે અસેક્સની ટીમ રાજી થઈ ગઈ છે.

  અસેક્સે મેચની ટિકિટો ચાર દિવસના હિસાબે વેચી હતી. જેથી તેમણે પોતાની વેબસાઇટ પર જાણકારી આપી છે કે જેમણે ચોથા દિવસની ટિકિટ ખરીદી છે તેમને રકમ રિફંડ કરવામાં આવશે, કાઉન્ટીએ પોતાની વેબસાઇટ પર લખ્યું છે કે અસેક્સ ક્રિકેટ અને ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડે બીસીસીઆઈની ત્રણ દિવસની મેચ કરાવવાની વિનંતીને માની લીધી છે. જેથી જેમણે ચોથા દિવસની મેચની ટિકિટો ખરીદી હતી તેમના પૈસા પાછા આપી દેવામાં આવશે.

   આ પ્રેક્ટિસ મેચ પછી ટીમ ઇન્ડિયા 1 ઓગસ્ટથી પાંચ મેચની ટેસ્ટ શ્રેણી રમશે. ટેસ્ટ ક્રિકેટમાં નંબર-1 રહેલી ટીમ ઇન્ડિયા માટે આ શ્રેણીમાં જીત સુકાની વિરાટ કોહલી માટે ખાસ મહત્વ ધરાવે છે. કારણે 21મી સદીમાં અત્યાર સુધી 4 પ્રવાસમાંથી ફક્ત એક જ સુકાની (રાહુલ દ્રવિડ) ઇંગ્લેન્ડમાં શ્રેણી જીતીને પરત ફર્યો છે.ટીમ ઇન્ડિયાએ સૌ પ્રથમ 1932માં ઇંગ્લેન્ડનો પ્રવાસ કર્યો હતો. ત્યારથી લઈને અત્યાર સુધી ઇંગ્લેન્ડમાં કુલ 57 ટેસ્ટ રમાઈ છે. જેમાં છ ટેસ્ટમાં જીત મળી છે. ટીમ ઇન્ડિયાએ વર્ષ 2000થી લઈને અત્યાર સુધી ઇંગ્લેન્ડના ચાર પ્રવાસ કર્યા છે. જેમાં સૌરવ ગાંગુલી અને એમએસ ધોની જેવા દિગ્ગજ સુકાનીના નસીબમાં પણ શ્રેણી જીત મળી નથી.
  Published by:Ashish Goyal
  First published: