મુંબઈ: ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ અને ટી-20માં જોરદાર પ્રદર્શન કરી વિજય મેળવ્યા બાદ હવે ટીમ ઇન્ડિયા (Team India)નું સમગ્ર ધ્યાન વન-ડે સિરીઝ પર કેન્દ્રિત થયું છે. ભારત અત્યારે વન ડે (One day)માં બીજા નંબરની ટીમ છે. જ્યારે ઈંગ્લેન્ડ (England)નો ક્રમ પ્રથમ છે. આ બંને ટીમની ટક્કર 23 માર્ચથી થશે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચની વન ડે શ્રેણી રમાશે. કોહલી એન્ડ કંપની પોતાની વિજયકુચ અવિરત રાખવા મથામણ કરશે. જ્યારે ટીમ ઈંગ્લેન્ડ ડામાડોળ સ્થિતિને નિયંત્રણમાં લાવવા પ્રયાસ કરશે.
ટીમ ઇંગ્લેન્ડના રેન્કિંગ પર ખતરો
ભારત સામેની મેચમાં ટીમ ઈંગ્લેન્ડની રેન્કિંગ દાવ ઉપર લાગી છે. માટે આ તેમના માટે ખરાખરીની સિરીઝ રહેશે. પ્રથમ વન-ડે પહેલા બંને ટીમોની વાત કરીએ તો બંનેની પ્લેઇંગ ઈલેવનમાં ફેરફાર થાય તેવી શકયતા ઓછી છે.
ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યા પર નજર
ભારતીય ટીમમાં અત્યારે ઓપનર કેએલ રાહુલ સિવાય તમામ બેટ્સમેન રન બનાવી રહ્યા છે. કે એલ રાહુલનું પ્રદર્શન નબળું રહ્યું છે. તે ચાર ટી-20 મેચમાં માત્ર 15 રન બનાવી શક્યો છે. અલબત્ત તેણે ઓસ્ટ્રેલિયા સામે જોરદાર રમત દર્શાવી હતી. તેનું વિકેટ કિપિંગ પણ શ્રેષ્ઠ હતું.
બીજી તરફ વિજય હજારે ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કર્યા બાદ કૃણાલ પંડ્યાને ઇંગ્લેન્ડ સામેની મેચમાં તક મળી શકે છે. તેણે ગોવા સામે 71, ત્રિપુરા સામે 127, હૈદરાબાદ સામે 55 અને છત્તીસગઢ સામે શાનદાર 133 રન બનાવ્યા હતા.
ઈંગ્લીશ ટીમમાં જોફ્રા આર્ચરના સ્થાને માર્ક વુડને તક મળી શકે છે. અત્યારે જોફ્રા ઇજાગ્રસ્ત હોવાથી વન-ડે ટીમમાંથી બહાર રખાયો છે. જેના રિપ્લેસમેન્ટ તરીકે ટી-20માં જોરદાર પ્રદર્શન કરનાર માર્ક વુડને તક મળી શકે છે.