ટીમ ઇન્ડિયાએ ટેસ્ટ ક્રિકેટમાં નવો ઇતિહાસ લખ્યો, 142 વર્ષમાં પ્રથમ વખત આવું બન્યું

News18 Gujarati
Updated: November 24, 2019, 3:53 PM IST

ભારતના ફાસ્ટ બોલરોએ કોલકાતા ટેસ્ટમાં બાંગ્લાદેશની બીજી ઇનિંગને ત્રીજા દિવસે પ્રથમ કલાક 195 રનમાં પૂરી કરી દીધી હતી.

  • Share this:
કોલકાતા : ભારતે બાંગ્લાદેશને (India Vs Bangladesh) કોલકાતા ટેસ્ટમાં અઢી દિવસની અંદર જ હાર આપીને ટેસ્ટ શ્રેણી પર 2-0થી કબજો કરી લીધો છે. બંને દેશની પ્રથમ પિંક બૉલ ટેસ્ટ (Pink Ball Test)માં ભારતના ફાસ્ટ બોલરોએ બાંગ્લાદેશની ઇનિંગને ત્રીજા દિવસે પ્રથમ કલાકમાં જ સમાપ્ત કરી દીધી હતી. બાંગ્લાદેશે બીજી ઇનિંગમાં 195 રન બનાવ્યા હતા. ભારતે આ ટેસ્ટ મેચ એક ઇનિંગ અને 46 રનથી જીતી લીધી હતી. બાંગ્લાદેશ પ્રથમ ઇનિંગમાં 106 રન બનાવી શક્યું હતું. ભારતે પોતાનો પ્રથમ દાવ 347 રન બનાવીને ડિક્લેર કરી દીધો હતો. ભારત તરફથી વિરાટ કોહલીએ 136 રન બનાવ્યા હતા. કોલકાતા ટેસ્ટ જીતવાની સાથે જ ભારતે એવું પરાક્રમ કરી બતાવ્યું છે, જે ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં પહેલા ક્યારેય નથી થયું.

ભારત ચોથી સતત વખત ઇનિંગથી ટેસ્ટ મેચ જીત્યું

ભારતે સતત ચોથી વખતે ટેસ્ટ મેચમાં એક ઇનિંગના તફાવતથી જીત મેળવી છે. ટેસ્ટ ક્રિકેટના 142 વર્ષના ઇતિહાસમાં આજ દિવસ સુધી કોઈ ટીમ આવું કરી શકી નથી. ભારતને બાંગ્લાદેશને સતત બીજી ટેસ્ટમાં એક ઇનિંગથી હાર આપી છે. આ પહેલા ભારતે દક્ષિણ આફ્રિકાને સતત બે ટેસ્ટ મેચમાં એક ઇનિંગથી હાર આપી હતી.

ભારતે સતત સાતમી ટેસ્ટ જીતી

જ્યારે ભારતે સતત સાતમી ટેસ્ટ મેચ જીતી છે, જે ટીમનું આ ફોર્મેટમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. કોલકાતા ટેસ્ટમાં ભારતને તમામ વિકેટ ફાસ્ટ બોલરોએ અપાવી હતી. આ ટેસ્ટમાં બાંગ્લાદેશની 19 વિકેટ પડી હતી, કારણ કે મહમુદુલ્લાહ ઈજાગ્રસ્ત થવાથી રિટાયર્ડ હર્ટ થયો હોવાથી રમી શક્યો ન હતો. ભારતમાં પ્રથમ વખત એવું બન્યું જ્યારે ટીમ ઇન્ડિયાના ફાસ્ટ બોલરોએ એક ટેસ્ટમાં સૌથી વધારે વિકેટ ઝડપી હોય. આ પહેલા 2017માં ભારતના ફાસ્ટ બોલરોએ શ્રીલંકા વિરુદ્ધ 17 વિકેટ ઝડપી હતી.

કોલકાતા ટેસ્ટમાં રવિચંદ્રન અશ્વિન અને રવિન્દ્ર જાડેજાએ ફક્ત સાત ઓવર બોલિંગ કરી હતી, જે ભારતના ફાસ્ટ બોલરોનો દબદબો બતાવે છે.

સૌથી વધારે ટેસ્ટ જીતવામાં પાંચમાં નંબર પર કોહલી

કોલકાતા ટેસ્ટમાં જીતની સાથે જ વિરાટ કોહલી હવે સૌથી વધારે ટેસ્ટ જીતનારા કેપ્ટનની યાદીમાં પાંચમો નંબર પર પહોંચી ગયો છે. કોહલીની કેપ્ટનશીપ હેઠળ ભારતે 33 ટેસ્ટ જીતી છે. દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ગ્રીમ સ્મિથના નામે સૌથી વધારે ટેસ્ટ મેચ જીતવાનો રેકોર્ડ છે. તેણે પોતાની કેપ્ટનશીપમાં 53 ટેસ્ટ મેચ જીતી છે. બીજા નંબર પર ઓસ્ટ્રેલિયાનો રિકી પોન્ટિંગ (48) છે, ત્રીજા નંબર પર સ્ટીવ વૉ (41) અને ચોથા નંબર પર વેસ્ટ ઇન્ડીઝનો ક્લાઇવ લૉઇડ (36) છે.

સૌથી વધારે વખત ઇનિંગથી ટેસ્ટ જીતવામાં વિરાટ કોહલી ચોથા નંબર પર આવી ગયો છે. વિરાટની કેપ્ટનશીપ હેઠળ ભારતે 11 વખત ઇનિંગથી જીત મેળવી છે. વિરાટ કોહલીએ ક્લાઇવ લૉઇડ, સ્ટીફન ફ્લેમિંગ અને એન્ડ્રૂ સ્ટ્રોસની બરાબરી કરી છે. આ મામલે ગ્રીમ સ્મિથના નામે રેકોર્ડ છે. સ્મીથે 22 વખત ઇનિંગથી મેચ જીતી છે. સ્મીથ પછી સ્ટીવ વૉ (14) અને પીટર (12)નું નામ આવે છે.
Published by: Vinod Zankhaliya
First published: November 24, 2019, 2:50 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading