રોહિત શર્માની સદી (104) અને લોકેશ રાહુલની અડધી સદી (77) બાદ જસપ્રીત બુમરાહ (4 વિકેટ) અને હાર્દિક પંડ્યાના ચુસ્ત બોલિંગ પ્રદર્શન (3 વિકેટ)ની મદદથી ભારતે આઈસીસી વર્લ્ડ કપમાં બાંગ્લાદેશ સામે 28 રને વિજય મેળવ્યો હતો. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારતે 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવી 314 રન બનાવ્યા હતા. જવાબમાં બાંગ્લાદેશ 48 ઓવરમાં 286 રન બનાવી ઓલઆઉટ થઈ ગયું હતું.
આ જીત સાથે ભારતે 13 પોઇન્ટ સાથે વર્લ્ડ કપની સેમિ ફાઇનલમાં સ્થાન બનાવી લીધું છે. બીજી તરફ પરાજય સાથે બાંગ્લાદેશના અભિયાનનો અંત આવ્યો છે. ભારત હવે અંતિમ લીગ મેચમાં 6 જુલાઈએ શ્રીલંકા સામે રમશે.
બાંગ્લાદેશ તરફથી શાકિબ અલ હસને સૌથી વધારે 66 રન બનાવ્યા હતા. મોહમ્મદ સૈફુદ્દીને 51*, સૌમ્યા સરકારે 33, તમિમ ઇકબાલે 22, મુશ્ફિકુર રહીમે 24, લિટ્ટન દાસે 22 રન બનાવ્યા હતા.
અગાઉ ભારતનો રોહિત શર્મા 92 બોલમાં 7 ફોર અને 5 સિક્સર સાથે 104 રન બનાવ્યા હતા. લોકેશ રાહુલ 77, રિષભ પંત 48, ધોની 35, વિરાટ કોહલી 26 અને હાર્દિક પંડ્યા 00 રને આઉટ થયા હતા.
બાંગ્લાદેશ તરફથી મુશ્તાફિઝુર રહેમાને સૌથી વધારે 5 વિકેટ ઝડપી હતી. શાકિબ અલ હસન, રુબેલ હુસૈન અને સૌમ્યા સરકારને 1-1 વિકેટ મળી હતી.
બાંગ્લાદેશ સામેના મુકાબલામાં ભારતના કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે.ભારતની ટીમમાં બે ફેરફાર કરવામાં આવ્યા છે. કુલદીપ યાદવ અને કેદાર જાધવના સ્થાને ભુવનેશ્વર કુમાર અને દિનેશ કાર્તિકનો સમાવેશ કરાયો છે.