નાગપુર : શ્રેસય ઐયર (62) અને લોકેશ રાહુલ (52)ની અડધી સદી પછી દીપક ચાહર (6 વિકેટ) અને શિવમ દુબે (3 વિકેટ)ની શાનદાર બોલિંગની મદદથી ભારતે બાંગ્લાદેશ સામેની ત્રીજી અને અંતિમ ટી-20 મેચમાં 30 રને વિજય મેળવ્યો હતો. ભારતે 20 ઓવરમાં 5 વિકેટે 174 રન બનાવ્યા હતા. જવાબમાં બાંગ્લાદેશ 19.2 ઓવરમાં 144 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. આ જીત સાથે ભારતે ત્રણ મેચની શ્રેણી 2-1થી પોતાના નામે કરી લીધી છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે હવે 14 નવેમ્બરથી બે ટેસ્ટ મેચની શ્રેણી રમાશે. દીપક ચાહરે હેટ્રિક ઝડપી તરખાટ મચાવ્યો હતો. દીપકે ફક્ત 7 રનમાં 6 વિકેટ ઝડપી હતી. દીપકે ટી-20માં બેસ્ટ પ્રદર્શનનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. દીપકે શ્રીલંકાના મેન્ડિસનો રેકોર્ડ તોડ્યો છે. મેન્ડિસે 2012માં ઝિમ્બાબ્વે સામે 8 રનમાં 6 વિકેટ ઝડપી હતી. દીપક ચાહર આંતરરાષ્ટ્રીય ટી-20માં હેટ્રિક ઝડપનાર પ્રથમ ભારતીય બોલર બન્યો છે.
બાંગ્લાદેશનો લિટ્ટન દાસ 9 રને આઉટ થતા શરુઆત ખરાબ રહી હતી. સૌમ્યા સરકાર પ્રથમ બોલે જ આઉટ થતા બાંગ્લાદેશે 12 રનમાં 2 વિકેટ ગુમાવી દીધી હતી. મોહમ્મદ નઇમે અડધી સદી ફટકારી બાજી સંભાળી હતી. નઈમે મિથુન (27) સાથે 98 રનની ભાગીદારી કરી સ્થિતિ મજબૂત કરી હતી. જોકે આ પછી મુશ્ફિકુર રહીમ (00), મહમુલ્લાહ (8) સસ્તામાં આઉટ થયા બાંગ્લાદેશ સંકટમાં મુકાયું હતું. મોહમ્મદ નઈમ 48 બોલમાં 10 ફોર અને 2 સિક્સર સાથે 81 રન બનાવી આઉટ થતા બાંગ્લાદેશની જીતવાની રહી સહી આશા પણ ખતમ થઈ ગઈ હતી. ભારત તરફથી દીપક ચાહરે 6 વિકેટ, જ્યારે શિવમ દુબે 3 વિકેટ ઝડપી હતી.
આ પહેલા રોહિત શર્મા 2 રન બનાવી આઉટ થતા ભારતની શરુઆત ખરાબ રહી હતી. શિખર ધવન પણ ખાસ કમાલ કરી શક્યો ન હતો અને 16 બોલમાં 19 રન બનાવી આઉટ થયો હતો. અહીંથી લોકેશ રાહુલ અને શ્રેસય ઐયરે બાજી સંભાળી હતી. રાહુલે 33 બોલમાં અને ઐયરે 27 બોલમાં 50 રન પૂરા કર્યા હતા. અડધી સદી ફટકાર્યા પછી રાહુલ વધારી ટકી શક્યો ન હતો. રાહુલે 35 બોલમાં 7 ફોર સાથે 52 રન બનાવ્યા હતા. રાહુલ અને ઐયર વચ્ચે 59 રનની ભાગીદારી નોંધાઈ હતી.
પંતે ફરી એક વખત નિરાશ કર્યા હતા. પંત 6 રન બનાવી બોલ્ડ થયો હતો. ઐયર 33 બોલમાં 3 ફોર અને 5 સિક્સર સાથે 62 રન બનાવી આઉટ થયો હતો. મનીષ પાંડે 13 બોલમાં 22 અને શિવમ દુબે 8 બોલમાં 9 રન બનાવી અણનમ રહ્યા હતા. બાંગ્લાદેશ તરફથી શફિયુલ ઇસ્લામ અને સૌમ્યા સરકારે 2-2 વિકેટ ઝડપી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર