નવી દિલ્હી : મેલબોર્ન ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને (India vs Australia) 8 વિકેટે હરાવ્યા પછી ભારતીય ટીમના પ્રશંસકો પોતાનો અંદાજમાં ઉજવણી કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર પૂર્વ ભારતીય ક્રિકેટરથી લઈને વર્તમાન ક્રિકેટરો ઐતિહાસિક જીત પર ટીમ ઇન્ડિયાને સલામ કરી રહ્યા છે. પેટરનિટી લીવ પર ચાલી રહેલા વિરાટ કોહલીએ પણ અજિંક્ય રહાણેની કેપ્ટનશિપની પ્રશંસા કરી અને તેણે ભારતીય ટીમ વધારે ઉંચાઇ પર જાય તેવી પ્રાર્થના કરી. જોકે આ દરમિયાન વિરાટ કોહલીના ટિકાકારો તેને ટ્રોલ કરી રહ્યા છે.
વિરાટ કોહલી સોશિયલ મીડિયા પર થયો ટ્રોલ
વિરાટ કોહલીએ (Virat Kohli) ટ્વિટર પર લખ્યું કે આ જીત શાનદાર છે. આખી ટીમનો શાનદાર પ્રયત્ન. સાથી ખેલાડીઓ અને ખાસ કરીને રહાણે માટે આનાથી વધારે ખુશ થઈ શકું નહીં. જેણે જીતમાં ટીમની શાનદાર આગેવાની કરી. અમે અહીંથી આગળ જ વધીશું. વિરાટ કોહલીના આ પોસ્ટ પછી તે સોશિયલ મીડિયા પર ટ્રોલ થયો હતો. કેટલાક ટ્રોલર્સે તો તેને પેટરનિટી લીવ વધારે લાંબી કરવાની સલાહ આપી છે. એક પ્રશંસકે લખ્યું કે તમે તમારા બાળકનું ધ્યાન રાખો ટીમ ઇન્ડિયાને રહાણે સંભાળી લેશે.
આ પણ વાંચો - વિરાટ કોહલીએ મેળવી મોટી સિદ્ધિ, આઈસીસીએ દશકનો સર્વશ્રેષ્ઠ ખેલાડી જાહેર કર્યો
વર્તમાન ટેસ્ટ શ્રેણીની શરૂઆત ટીમ ઇન્ડિયા માટે ખાસ રહી ન હતી. ભારતીય ટીમ એડિલેડમાં પ્રથમ ટેસ્ટમાં 8 વિકેટે હારી ગઇ હતી. આ પછી કોહલી પેટરનિટી લીવ પર ભારત પરત ફર્યો હતો. આ વાતનો ઘણા લોકોએ વિરોધ કર્યો હતો. જોકે કોહલીની ગેરહાજરીમાં ટીમ ઇન્ડિયાને વધારે ફરક પડ્યો નથી. રહાણેએ શાનદાર કેપ્ટનશિપ કરીને ટીમ ઇન્ડિયાને મેલબોર્નમાં જીત અપાવી છે.
રહાણે જીતનો નાયક
અજિંક્ય રહાણે મેલબોર્નમાં જીતનો નાયક રહ્યો છે. તેણે પ્રથમ ઇનિંગ્સમાં સદી ફટકારી હતી. આ માટે તેને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો છે. આ સિવાય સિરાજ અને અશ્વિને મેચમાં 5-5 વિકેટ ઝડપી હતી.
Published by:Ashish Goyal
First published:December 29, 2020, 17:04 pm