નવી દિલ્હી : ટીમ ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયા (India vs Australia) વચ્ચે ગુરુવારથી એડિલેડમાં ડે-નાઇટ ટેસ્ટ સાથે જ ચાર ટેસ્ટ મેચની શ્રેણીની શરૂઆત થશે. આ મુકાબલાના એક દિવસ પહેલા ટીમ ઇન્ડિયા પોતાની પ્લેઇંગ ઇલેવનની જાહેરાત કરી દીધી છે. એડિલેડ ટેસ્ટની પ્લેઇંગ ઇલેવનમાં શુભમન ગિલને (Shubman Gill)બદલે પૃથ્વી શોને (Prithvi Shaw)અને ઋષભ પંતના બદલે ઋદ્ધિમાન સાહાને તક આપવામાં આવી છે.
ટેસ્ટ શ્રેણી પહેલા રમાયેલ બંને પ્રેક્ટિસ મેચમાં પૃથ્વી શો એ 4 ઇનિંગ્સમાં 62 રન બનાવ્યા હતા. જ્યારે ગિલે 4 ઇનિંગ્સમાં 137 રન બનાવ્યા હતા. જેના કારણે પ્લેઇંગ ઇલેવનમાં ગિલની સંભાવના વધારે જણાતી હતી. જોકે પ્રથમ ટેસ્ટ માટે ગિલને ટીમમાં સ્થાન મળ્યું નથી.
આ મુદ્દે ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું હતું કે ગિલ અને શો બંને ટેલેન્ટેન્ડ છે. તે ઘણા વધારે ટેલેન્ટેડ છે. આ જ કારણે તે અહીં છે. શુભમનને ટેસ્ટ ક્રિકેટમાં હજુ સુધી તક મળી નથી પણ તેને જોવો રસપ્રદ રહેશે કારણ કે તે આત્મવિશ્વાસથી ભરેલો એક યુવા વ્યક્તિ છે.
આ પણ વાંચો - વિરાટ કોહલીની આ પોસ્ટ બની છે 2020ની સૌથી વધારે લાઇક થયેલી ટ્વિટ
કોહલીએ કહ્યું કે પૃથ્વી શો ટેસ્ટ સ્તર પર પ્રદર્શન કરી ચૂક્યો છે પણ તે ઓસ્ટ્રેલિયામાં પ્રથમ વખત રમશે. રમતમાં તેના વિકાસને જોવા માટે ઉત્સાહિત છું. કેપ્ટને એમ પણ કહ્યું કે સીનિયર ખેલાડીઓ માટે એ મહત્વનું રહેશે કે તે આગળ આવીને જવાબદારી લે.
પ્રથમ ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયાની પ્લેઇંગ XI: વિરાટ કોહલી (કેપ્ટન), મયંક અગ્રવાલ, પૃથ્વી શો, ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે (વાઇસ કેપ્ટન), હનુમા વિહારી, ઋદ્ધિમાન સાહા (વિકેટકિપર), રવિચંદ્રન અશ્વિન, ઉમેશ યાદવ, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ.