ગ્લેન મેક્સવેલની અણનમ સદી (113)ની મદદથી ઓસ્ટ્રેલિયાએ ભારત સામેની બીજી ટી-20માં 7 વિકેટે વિજય મેળવ્યો હતો. ભારતે 20 ઓવરમાં 4 વિકેટે 190 રન બનાવ્યા હતા. જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 19.4 ઓવરમાં 3 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો. આ જીત સાથે ઓસ્ટ્રેલિયાએ બે ટી-20 મેચની શ્રેણી 2-0થી જીતી લીધી છે.
મેક્સવેલે 55 બોલમાં 7 ફોર અને 9 સિક્સર સાથે અણનમ 113 રન બનાવ્યા હતા. મેક્સવેલ મેન ઓફ ધ મેચ અને મેન ઓફ ધ સિરીઝ બન્યો હતો. હવે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 2 માર્ચથી પાંચ મેચની વન-ડે શ્રેણીનો પ્રારંભ થશે.
ધવન અને રાહુલે પ્રથમ વિકેટ માટે 7.1 ઓવરમાં 61 રનની ભાગીદારી કરી શાનદાર શરુઆત અપાવી હતી. રાહુલ 26 બોલમાં 3 ફોર અને 4 સિક્સર સાથે 47 રન બનાવી આઉટ થયો હતો. ધવન 24 બોલમાં 14 રન બનાવી આઉટ થયો હતો. આ પછી ધોની અને કોહલીએ 100 રનની ભાગીદારી નોંધાવી બાજી સંભાળી હતી. ધોની 23 બોલમાં 3 ફોર અને 3 સિક્સર સાથે 40 રન બનાવી આઉટ થયો હતો. કોહલી 38 બોલમાં 2 ફોર અને 6 સિક્સર સાથે 72 રન બનાવી અણનમ રહ્યો હતો.
ઓસ્ટ્રેલિયાના કેપ્ટન એરોન ફિન્ચે ભારત સામેની બીજી ટી-20માં ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે. ભારતની ટીમમાં ત્રણ ફેરફાર કરાયા છે. રોહિત શર્મા, મયંક માર્કન્ડે અને ઉમેશ યાદવના સ્થાને શિખર ધવન, વિજય શંકર અને સિદ્ધાર્થ કૌલનો સમાવેશ કરાયો છે.