ખંઢેરી સ્ટેડિયમમાં હારનું મેણું ભાંગવા ઊતરશે ટીમ ઇન્ડિયા

ખંઢેરી સ્ટેડિયમમાં હારનું મેણું ભાંગવા ઊતરશે ટીમ ઇન્ડિયા
ખંઢેરી સ્ટેડિયમમાં હારનું મેણું ભાંગવા ઊતરશે ટીમ ઇન્ડિયા

શુક્રવારે રાજકોટના ખંઢેરી સ્ટેડિયમમાં ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી વન-ડે મેચ રમાશે

 • Share this:
  શૈલેષ મકવાણાઃ નિર્ણાયક મોડ પર આવી ચૂકેલી ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની વન-ડે સીરિઝ રાજકોટની ધરતી પર આવીને ઉભી છે. શુક્રવારે રાજકોટના ખંઢેરી સ્ટેડિયમમાં ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી વન-ડે મેચ રમાશે. પ્રથમ વન-ડેમાં ભારતનો સજ્જડ પરાજય થયો હતો ત્યારે ક્રિકેટ ચાહકો આશા રાખી રહ્યા છે કે ખંઢેરી સ્ટેડિયમમાં ભારતીય બેટ્સમેનો રનના ઢગલા ખડકીને જીત મેળવે. અહીંની વિકેટ રનના ઢગલા માટે જાણીતી છે. બેટ્સમેનોને મદદ કરતી ખંઢેરીની વિકેટ પર ભૂતકાળમાં વિશાળ સ્કોર ખડકાઇ ચૂક્યા છે.

  આ ઉપરાંત ભારત અને ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનો જે રીતના ફોર્મમાં છે એ જોતા રાજકોટના ક્રિકેટ ચાહકોને ચોગ્ગા-છગ્ગાની રમઝટ માણવા મળશે. ઓસ્ટ્રેલિયાની સરખામણીએ ભારત માટે રાજકોટ વન-ડે મહત્વની છે કેમ કે શ્રેણીમાં ટકી રહેવા માટે બીજી મેચ કોઇ પણ ભોગે જીતવી પડે તેમ છે અને આ માટે ઓપનર રોહિત શર્મા અને શિખર ધવને આક્રમક શરૂઆત કરવી પડશે. ટોપ ઓર્ડરમાં કે.એલ. રાહુલ ફોર્મમાં છે. પરંતુ કેપ્ટન વિરાટ કોહલીએ ત્રીજું સ્થાન છોડીને ચોથા નંબરે બેટિંગ કરવા આવે છે. મિડલ ઓર્ડરમાં શ્રેયસ ઐયર પણ સારા ફોર્મમાં છે. જો કે ઋષભ પંતનું ઇજાગ્રસ્ત થવું ભારત માટે ચિંતાનો વિષય છે. પંતના સ્થાને રાહુલ પર વિકેટકિપિંગની જવાબદારી રહેશે.  આ પણ વાંચો - એમએસ ધોનીને ફરી મળશે BCCIનો કોન્ટ્રાક્ટ, પૂરી કરવી પડશે આ શરત

  રાજકોટમાં પ્રેક્ટિસ કરતો વિરાટ કોહલી (તસવીર - બીસીસીઆઈ)


  પ્રથમ વન-ડેમાં હરીફ ટીમના ઓપનર એરોન ફિંચ અને ડેવિડ વોર્નરે ભારતીય બોલરો ચારે તરફ ફટકાર્યા હતા. બંનેએ આક્રમક સદી ફટકારીને 256 રનનો ટાર્ગેટ વિના વિકેટે ચેઝ કરી લીધો. હવે નિર્ણાયક મેચમાં ઓસ્ટ્રેલિયન ટીમની મજબૂત બેટિંગ લાઇન-અપને વેર-વિખેર કરવા ભારતીય પેસ બેટરી જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શામી અને શાર્દુલ ઠાકુરે તરખાટ મચાવવો પડશે. જ્યારે સ્પિનર કુલદિપ યાદવે કાંગારુઓે ફીરકીમાં ફસાવવા પડશે.

  ખંઢેરી સ્ટેડિયમ ભારતીય ટીમ માટે અનલકી!

  રાજકોટનું ખંઢેરી સ્ટેડિયમ ભારતીય ટીમ માટે અનલકી સાબિત થયું છે અહીં રમાયેલી બંને વન-ડેમાં ટીમ ઇન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો છે. 11 જાન્યુઆરી 2013માં ઇંગ્લેન્ડ સામે રમાયેલી પ્રથમ વન-ડેમાં તોતિંગ સ્કોર ખડક્યો હોવા છતાં ભારતનો 9 રને રોમાંચક પરાજય થયો હતો. પ્રથમ બેટિંગ કરતા ભારતે 9 વિકેટે 316 રન નોંધાવ્યા હતા. જવાબમાં ઇંગ્લેન્ડ ટીમે 317 રનનો ટાર્ગેટ ચેઝ કરી લીધો. આ સ્ટેડિયમમાં ભારતને વધુ એક પરાજય મળ્યો 18 ઓક્ટોબર 2015માં. પ્રથમ બેટિંગ કરતા સાઉથ આફ્રિકાએ 270 રન નોંધાવ્યા હતા. જવાબમાં ભારતીય ટીમ 6 વિકેટે માત્ર 252 રન જ નોંધાવી શકી. અહીં રમાયેલી બંને મેચ હારેલી ભારતીય ટીમ હવે હારનો સિલસિલો અટકાવવાના ઇરાદા સાથે મેદાન પર ઉતરશે.

  આ પણ વાંચો - રાજકોટમાં કોહલીએ આ બાળક સાથે પડાવી આવી સેલ્ફી, શું છે કારણ

  ભારત તરફથી આ મેદાન પર કેપ્ટન કોહલીએ સર્વાધિક રન નોંધાવ્યા છે. બે મેચમાં કોહલીએ 46ની એવરેજથી 92 રન ફટકાર્યા છે. જ્યારે રોહિત શર્માએ એક મેચમાં 65 રન નોંધાવ્યા છે. આ ગ્રાઉન્ડ પર કેપ્ટન કોહલી અને રોહિત શર્માનો રેકોર્ડ શાનદાર છે અને બીજી વન-ડેમાં આ રેકોર્ડ વધુ મજબૂત બનાવવા બંને બેટ્સમેનો લાંબી ઇનિંગ્સ રમે તે જરૂરી છે.

  ભારતની સંભવિત ટીમ - રોહિત શર્મા, શિખર ધવન, કે.એલ. રાહુલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેદાર જાદવ/મનીષ પાંડે, રવીન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શામી, કુલદિપ યાદવ/ચહલ, જસપ્રિત બુમરાહ.
  First published:January 16, 2020, 21:21 pm