ભારત વિ. શ્રીલંકા : ભારતીય ટીમના ગબ્બરને કેવી રીતે મદદરૂપ થશે જય-વીરૂ?

પ્લેયિંગ ઈલેવનમાં બેટિંગની જવાબદારી શિખર પર, બોલિંગની જવાબદારી ભૂવનેશ્વર પર રહેશે

પ્લેયિંગ ઈલેવનમાં બેટિંગની જવાબદારી શિખર પર, બોલિંગની જવાબદારી ભૂવનેશ્વર પર રહેશે

 • Share this:
  સિદ્ધાર્થ ધોળકિયા, અમદાવાદ : ભારત શ્રીલંકા વન-ડે અને ટી-20 શ્રેણી શરૂ થવાની છે. ભારતે પોતાની બીજા નંબરની ટીમ આ પ્રવાસ પર મોકલી છે, જેને લઈને શ્રીલંકાના કેટલાક દિગ્ગજ ક્રિકેટરો નારાજગી સાથે પોતાની ટીમનું અપમાન ગણાવી રહ્યા છે. આ બધાની વચ્ચે આ શ્રેણીમાં ટીમ ઇન્ડિયાના કેપ્ટન શિખર ધવન, જેને ટીમના સભ્યો ગબ્બરના નામથી સંબોધે છે. તેના માટે જય વીરુની જોડી મદદ રૂપ થઈ શકે છે. જય વીરુ એટલે કે આ શ્રેણીના ઉપ કેપ્ટન ભુવનેશ્વર કુમાર અને ટીમના સૌથી અનુભવી ઓલરાઉન્ડર હાર્દિક પંડયા.

  ભુવનેશ્વર કુમારની આ પ્રથમ શ્રેણી હશે. જેમાં તે વાઇસ કેપ્ટન તરીકેની જવાબદારી નિભાવતો જોવા મળશે. કપ્તાન શિખર ધવન બેટિંગમાં ઓપનિંગ કરશે તો બોલિંગમાં ઓપનિંગ ઉપકપ્તાન ભુવનેશ્વર કુમાર કરશે. સ્વિંગ કિંગ ભુવનેશ્વર કુમારે પોતાની ટી-20 ડેબ્યુ 25 ડિસેમ્બર 2012માં પાકિસ્તાન સામે કર્યું હતું. ડેબ્યુ મેચમાં જ ભુવીના પ્રદર્શને ટીમ ઇન્ડિયામાં તેનુ સ્થાન નક્કી કરી દીધું હતું. આ મેચમાં ભુવનેશ્વર કુમારે 4 ઓવરમાં 2.25ની ઈકોનોમીથી 9 રન આપી 3 વિકેટ ઝડપી હતી, જેમાં તેણે પાકિસ્તાની ખેલાડી નાઝિર જમશેદ, અહેમદ શહેઝાદ અને ઉમર અકમલને પોતાનો શિકાર બનાવ્યા હતા. ટી-20માં તેના પ્રદર્શનને જોતા ભુવનેશ્વરને પાકિસ્તાન સામેની વનડે શ્રેણી માટે પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. ભુવનેશ્વરે 30 ડિસેમ્બર 2012માં જ પોતાનું વન-ડે ડેબ્યૂ પાકિસ્તાન સામે કર્યું હતું અને પ્રથમ મેચના પહેલા બોલ પર જ તેણે પાકિસ્તાની ખેલાડી મોહમ્મદ હાફિસને આઉટ કર્યો હતો. ત્યાર બાદ ભુવનેશ્વર કુમાર ભારતીય ટીમ માટે હંમેશા વિકેટ ટેકર બોલર રહ્યા છે.

  ભુવનેશ્વર કુમાર અત્યાર સુધીમાં 21 ટેસ્ટ મેચમાં 2.94ની ઈકોનોમી સાથે 63 વિકેટ લઈ ચૂક્યો છે, જોકે તે 2018 બાદ એક પણ ટેસ્ટ મેચ રમ્યો નથી. 117 વન-ડે મેચમાં 5.01ની ઈકોનોમી સાથે 138 વિકેટ પોતાના નામે કરી ચૂક્યો છે. જ્યારે 48 ટી-20 મેચમાં 6.98ની ઈકોનોમી સાથે 45 વિકેટ ખેરવી છે.

  આ પણ વાંચો - કોંગ્રેસમાંથી હાર્દિક પટેલના સમર્થક નિખિલ સવાણીનું રાજીનામું, કહ્યું- કૉંગ્રેસમાં હાર્દિકની રાજકીય હત્યા માટે કાવતરું ઘડાયું

  બીજી તરફ ટીમના સૌથી વધુ અનુભવી ઓલરાઉન્ડર હાર્દિક પંડયા પર ટીમ મેનેજમેન્ટ અને પ્રશંસકોને ઘણી આશા છે. હાર્દિક પંડયાએ પણ પોતાની કારકિર્દીની શરુઆત ભારતીય ટીમના સૌથી સફળ કપ્તાન એમ એસ ધોનીના અંડરમાં કરી હતી. એમ એસ ધોનીને હાર્દિક પંડયા હંમેશા મોટા ભાઈ સમાન ગણતો આવ્યો છે. હાર્દિક પોતાની પ્રથમ ટી-20 મેચ 22 વર્ષની ઉમરે 27 જાન્યુઆરી 2016માં ઓસ્ટ્રેલિયામાં ઓસ્ટ્રેલિયા સામે રમ્યો હતો, જેમાં તેણે 2 વિકેટ ઝડપી હતી. પોતાની બીજી ટી-20 તે શ્રીલંકા સામે રમ્યો હતો. જેમા તે યુવરાજ સિંહ અને એમ એસ ધોની કરતા પહેલા બેટિંગ કરવા આવ્યો અને તેણે 14 બોલમાં 27 રન ફટકાર્યા હતા.

  હાર્દિક પંડયાએ પોતાની વન-ડેની શરૂઆત ન્યૂઝીલેન્ડ સામે 16 ઓક્ટોબર 2016માં ઘર્મશાળામાં કરી. જે મેચમાં તેને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. તે ભારતનો એવો ચોથો ખેલાડી બન્યો હતો જેને ડેબ્યુ મેચમાં જ મેન ઓફ ધ મેચ એવોર્ડ હાંસલ કર્યો હતો. આ પહેલા સંદિપ પાટીલ, મોહિત શર્મા અને કે એલ રાહુલ હતા. આ મેચમાં હાર્દિકે સારી બોલિંગ પ્રદર્શન સાથે આક્રમક બેટિંગ કરતા 32 બોલમાં 36 રન પણ કર્યા હતા.

  હાર્દિક પંડયા અત્યાર સુધીમાં 11 ટેસ્ટ મેચમાં 1 સદી અને 4 અર્ધસદીની મદદથી 31.29ની એવરેજ સાથે 532 રન ફટકારી ચૂક્યો છે અને 17 વિકેટ પોતાના નામે કરી ચૂક્યો છે. જ્યારે 60 વનડેમાં 7 અડધી સદીની મદદથી 34.24ની એવરેજ સાથે 1267 રન ફટકારી, 55 વિકેટ ખેરવી ચૂક્યો છે. તો 48 ટી-20 મેચમાં 19.75ની એવરેજ સાથે હાર્દિક 474 રન પોતાના નામે કરી ચૂક્યો છે, આ સિવાય 41 વિકેટ ઝડપી છે.

  હવે 13 જુલાઈથી શરૂ થનાર શ્રીલંકા સામેની શ્રેણીમાં ભારતીય ટીમના ગબ્બરને કેટલા મદદ રૂપ થાય છે જય-વીરુ તેના પર સૌ કોઈની નજર છે. અને એ વાત પણ નક્કી છે પ્લેયિંગ ઈલેવનમાં બેટિંગની જવાબદારી શિખર પર, બોલિંગની જવાબદારી ભૂવનેશ્વર પર તો ઓલરાઉન્ડર પ્રદર્શનની જવાબદારી હાર્દિક પંડયા પર જ રહેલી છે.

  શ્રીલંકા પ્રવાસે માટે ભારતીય ટીમ : શિખર ધવન (કેપ્ટન), પૃથ્વી શો, દેવદત્ત પડ્ડિકલ, રૂતુરાજ ગાયકવાડ, સૂર્યકુમાર યાદવ, મનીષ પાંડે, હાર્દિક પંડ્યા, નીતીશ રાણા, ઇશાન કિશન (વિકેટકીપર), સંજુ સેમસન (વિકેટકીપર), ચેતન સાકરીયા, યુજવેન્દ્ર ચહલ, રાહુલ ચાહર, કે ગૌતમ, કૃણાલ પંડ્યા, કુલદીપ યાદવ, વરૂણ ચક્રવર્તી, ભુવનેશ્વર કુમાર (વાઇસ કેપ્ટન), દીપક ચાહર, નવદીપ સૈની.
  Published by:Ashish Goyal
  First published: