નવી દિલ્હી : ઓસ્ટ્રેલિયા સામે ચાર ટેસ્ટની શ્રેણીમાં જીત મેળવ્યા પછી ટીમ ઇન્ડિયાની નજર ઇંગ્લેન્ડ સામે રહેશે. ઇંગ્લેન્ડ સામે પ્રથમ બે ટેસ્ટ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. જેમાં વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા અને ઇશાંત શર્માની વાપસી થઈ છે. જોકે ઇજાગ્રસ્ત રવીન્દ્ર જાડેજા અને હનુમા વિહારીને ટીમમાંથી બહાર છે. જાડેજાના સ્થાને અક્ષર પટેલને તક આપવામાં આવી છે. જસપ્રીત બુમરાહ અને અશ્વિનને પ્રથમ બે ટેસ્ટ માટે ટીમમાં સ્થાન મળ્યું છે.
ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ શ્રેણી માટે પસંદગીકારોએ 18 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. ટીમમાં પૃથ્વી શો ને સ્થાન મળ્યું નથી. ઓસ્ટ્રેલિયામાં શાનદાર પ્રદર્શન કરનાર વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર અને મોહમ્મદ સિરાજ ટીમના સભ્ય છે. રિદ્ધિમાન સાહાને પણ સ્થાન મળ્યું છે.
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 4 ટેસ્ટ મેચની શ્રેણી 5 ફેબ્રુઆરીથી શરૂ થશે. પ્રથમ અને બીજી ટેસ્ટ મેચ ચેન્નાઈમાં રમાશે. બીજી ટેસ્ટ 13 ફેબ્રુઆરીથી શરૂ થશે. આ પછી અમદાવાદના નવા મોટેરા સ્ટેડિયમમાં 24 ફેબ્રુઆરીથી ત્રીજી ટેસ્ટ રમાશે. જે ડે-નાઇટ ટેસ્ટ છે. 4 માર્ચથી મોટેરામાં જ શ્રેણીની ચોથી અને અંતિમ ટેસ્ટ રમાશે. ટેસ્ટ શ્રેણી પછી 12 માર્ચથી પાંચ મેચની ટી-20 શ્રેણી રમાશે. 23 માર્ચથી 3 મેચની વન-ડે શ્રેણી રમાશે.