IND W vs ENG W:મિતાલી રાજે રચ્યો ઈતિહાસ, દુનિયામાં સૌથી વધુ રન કરનારી પ્રથમ મહિલા ક્રિકેટર બની

India Women vs England Women ODI Series: મિતાલીએ અત્યાર સુધી 8 સદી ફટકારી છે.

India Women vs England Women ODI Series:ભારતીય મહિલા ટેસ્ટ અને વનડે ટીમની કેપ્ટન મિતાલી રાજે એક નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની છે. તેણે ત્રીજી વનડે (IND W vs ENG W) માં આ સિદ્ધિ હાંસલ કરી છે.

  • Share this:
    નવી દિલ્હી: ભારતીય કેપ્ટન મિતાલી રાજે(Mithali Raj) આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. તાજેતરમાં, આંતરરાષ્ટ્રીય કારકિર્દીના 22 વર્ષ પૂર્ણ કરનારી મિતાલી મહિલા વર્ગના ત્રણેય ફોર્મેટમાં એકંદરે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની છે. તેણે ઇંગ્લેન્ડની ચાર્લોટ એડવર્ડ્સને પાછળ છોડી દીધી. તેણે શનિવારે ઇંગ્લેન્ડ સામેની ત્રીજી વનડે (IND W vs ENG W) માં આ સિધ્ધિ હાંસલ કરી હતી.

    મિતાલી રાજની કારકિર્દીની વાત કરીએ તો તેણે 11 ટેસ્ટમાં 1 સદી અને 4 અડધી સદીની મદદથી 669 રન બનાવ્યા છે. જ્યારે 89 ટી -20 આંતરરાષ્ટ્રીય મેચોમાં, તેણે 17 અર્ધ સદીની મદદથી 2364 રન બનાવ્યા. તે ટી-20 આંતરરાષ્ટ્રીયમાંથી નિવૃત્ત થઈ છે. આ મેચ પહેલા તેણે 216 વનડેમાં 7229 રન બનાવ્યા હતા. 7 સદી અને 57 અડધી સદી હતી. આવી સ્થિતિમાં તેણે કુલ 10,262 રન બનાવ્યા હતા.





    ચાર્લોટ એડવર્ડ્સે 309 આંતરરાષ્ટ્રીય મેચોમાં 13 સદી અને 67 અડધી સદીની મદદથી 10273 રન બનાવ્યા હતા. આ રીતે, ત્રીજી વનડેમાં મિતાલીને તેની પાછળ રહેવા માટે માત્ર 12 રનની જરૂર હતી. મિતાલીએ ત્રીજી વનડેમાં શ્રેષ્ઠ બેટિંગ કરતા આ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. તેણે 317 મેચોમાં 10,278 રન બનાવ્યા છે. સમાચાર લખતા સમયે તે 16 રને અણનમ રહી હતી. તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં અત્યાર સુધીમાં 8 સદી અને 78 અડધી સદી ફટકારી છે. 214 રનની તેની ઇનિંગ્સ તેની સૌથી મોટી ઇનિંગ્સ છે. આ સિવાય અન્ય કોઈ પણ ખેલાડીએ 10 હજાર રનના આંકને સ્પર્શ્યું નથી.

    પુરુષ વર્ગમાં સૌથી વધુ આંતરરાષ્ટ્રીય રન બનાવવાનો રેકોર્ડ સચિન તેંડુલકરે કર્યો છે. એટલે કે, મહિલા અને પુરુષ બંને કેટેગરીમાં ભારતીય ખેલાડીઓનું વર્ચસ્વ છે. સચિને 664 મેચોમાં 34,357 રન બનાવ્યા છે. 100 સદી અને 164 અડધી સદી ફટકારી છે. અન્ય કોઈ પુરૂષ ખેલાડી 30 હજાર રનના આંકડા પર પહોંચ્યો નથી. જોકે મિતાલી હજી સુધી વર્લ્ડ કપનો ખિતાબ જીતી શકી નથી. આવતા વર્ષે ન્યુઝીલેન્ડમાં વનડે વર્લ્ડ કપ યોજાવાનો છે. તે અહીં સારું પ્રદર્શન કરીને પોતાનો રેકોર્ડ વધુ વધારવા માંગશે.
    Published by:kuldipsinh barot
    First published: