india vs south africa t20 : સાઉથ આફ્રિકા સામે ટી20 સિરીઝ શરૂ થવાના એક દિવસ પહેલા જ બુધવારે ભારતીય ટીમ (Team India) ને મોટો ઝટકો લાગ્યો છે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન કેએલ રાહુલ (KL Rahul) અને ચાઈનામેન સ્પિનર કુલદીપ યાદવ (Kuldeep Yadav) ઈજાના કારણે આખી સિરીઝમાં રમી શકશે નહીં. સિરીઝ માટે વાઈસ કેપ્ટન તરીકે પસંદ કરાયેલા વિકેટકીપર-બેટ્સમેન ઋષભ પંતને હવે કેપ્ટનની જવાબદારી સોંપવામાં આવી છે. આ સાથે જ ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે.
BCCIએ બુધવારે સાંજે એક નિવેદન જાહેર કરીને આ જાણકારી આપી. કેએલ રાહુલને કમરની જમણી બાજુએ ઈજા થઈ છે, જ્યારે કુલદીપ યાદવને નેટમાં બેટિંગ કરતી વખતે જમણા હાથમાં ઈજા થઈ હતી. આ કારણે બંને ક્રિકેટરોને સિરીઝમાંથી બહાર થવું પડ્યું છે. પસંદગી સમિતિએ દક્ષિણ આફ્રિકા સામેની આ ઘરઆંગણાની સિરીઝ માટે વિકેટકીપર ઋષભ પંતને કેપ્ટન અને હાર્દિક પંડ્યાને વાઇસ કેપ્ટન તરીકે નિયુક્ત કર્યા છે.
ઉલ્લેખનીય છે કે, ઋષભ પંતે હાલમાં જ IPL-2022માં દિલ્હી કેપિટલ્સની કમાન સંભાળી હતી, ત્યારે હાર્દિક પંડ્યાએ તેની કપ્તાની હેઠળ ગુજરાત ટાઇટન્સને ચેમ્પિયન બનાવ્યું હતું. પસંદગી સમિતિએ કેએલ રાહુલ અને કુલદીપ યાદવના સ્થાને કોઈ ખેલાડીનો સમાવેશ કર્યો નથી. બંને ક્રિકેટરો હવે NCA જશે જ્યાં મેડિકલ ટીમ તેમની ઈજાનું મૂલ્યાંકન કરશે અને સારવાર અંગે નિર્ણય લેશે.
આ સિરીઝને T20 વર્લ્ડ કપની તૈયારી તરીકે જોવામાં આવી રહી છે. સિરીઝની પ્રથમ મેચ 9 જૂન, ગુરુવારથી દિલ્હીના અરુણ જેટલી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. IPLમાં સતત રમવાના કારણે ભારતીય કેપ્ટન રોહિત શર્મા, બેટિંગ મહાન વિરાટ કોહલી અને ઝડપી બોલર જસપ્રિત બુમરાહને આ સિરીઝ માટે આરામ આપવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં રાહુલની ઈજા ચોક્કસપણે ટીમ માટે ચિંતાનો વિષય છે.
ભારત પાસે દિલ્હીમાં સતત 13 T20 જીતીને વર્લ્ડ રેકોર્ડ બનાવવાની તક છે. ભારતે સતત 12 મેચ જીતી છે. જો કે ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડના આ રેકોર્ડને વધારે મહત્વ નથી આપી રહ્યા. તેમની નજર T20 વર્લ્ડ કપ પર છે અને આવી સ્થિતિમાં તે નવા અને અનુભવી ખેલાડીઓને ટેસ્ટ કરવાનો પ્રયાસ કરશે.