Home /News /sport /IND vs SA ODI: શ્રેયસ-ઈશાનની તોફાની ઇનિંગ બની ભારતની જીતનું કારણ, દક્ષિણ આફ્રિકાને પછાડ્યું
IND vs SA ODI: શ્રેયસ-ઈશાનની તોફાની ઇનિંગ બની ભારતની જીતનું કારણ, દક્ષિણ આફ્રિકાને પછાડ્યું
શ્રેયસ-ઈશાનની તોફાની ઇનિંગ બની ભારતની જીતનું કારણ, દક્ષિણ આફ્રિકાને પછાડ્યું
India vs South Africa 2nd ODI Match Report: શ્રેયસ ઐયરની અણનમ સદી અને ઈશાન કિશનની વિસ્ફોટક ઇનિંગની મદદથી ભારતે બીજી ODIમાં દક્ષિણ આફ્રિકાને 7 વિકેટે હરાવ્યું છે. પ્રથમ બેટિંગ કરતા આફ્રિકન ટીમે ભારત સામે 279 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ભારતે આ મેચ 46મી ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને જીતી લીધી હતી.
નવી દિલ્હી: ભારતીય ટીમે ત્રણ મેચોની શ્રેણીની બીજી મેચમાં દક્ષિણ આફ્રિકાને 7 વિકેટે હરાવ્યું છે. રાંચીમાં રમાયેલી બીજી મેચમાં પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી દક્ષિણ આફ્રિકાની ટીમે ટીમ ઈન્ડિયા સામે જીતવા માટે 279 રનનો ટાર્ગેટ આપ્યો હતો. શ્રેયસ અય્યરની અણનમ સદી અને ઈશાન કિશનની 93 રનની વિસ્ફોટક ઈનિંગની મદદથી ટીમ ઈન્ડિયાએ 3 વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી હતી. શ્રેયસ અય્યરે અણનમ 113 રનની ઇનિંગ રમી અને તેની ODI કારકિર્દીની બીજી સદી ફટકારી છે. તે જ સમયે, સંજુ સેમસન 30 રન બનાવીને અણનમ રહ્યો હતો. ત્રણ મેચની શ્રેણી હવે 1-1ની બરાબરી પર છે. અંતિમ અને નિર્ણાયક મેચ 11 ઓક્ટોબરે રમાશે.
જણાવી દઈએ કે, લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત સારી રહી ન હતી. શિખર ધવન 13 રન બનાવીને વેઈન પરનેલના હાથે બોલ્ડ થયો હતો. સારી લયમાં દેખાઈ રહેલા શુભમન ગિલે પણ 28 રનની ઇનિંગ રમી હતી અને તે કાગિસો રબાડાના હાથે કેચ આઉટ થયો હતો. આ બાદ, ઈશાન કિશન અને શ્રેયસ અય્યરે શાનદાર ઇનિંગ રમી અને મેદાનની ચારેબાજુ શોટ ફટકાર્યા હતા. અય્યર અને કિશને ત્રીજી વિકેટ માટે 161 રનની ભાગીદારી કરી હતી. કિશને પોતાના હોમ ગ્રાઉન્ડમાં 84 બોલમાં 4 ચોગ્ગા અને 7 છગ્ગાની મદદથી 93 રનની ઇનિંગ રમી હતી.
જ્યારે ઈશાન કિશન તેની પ્રથમ ODI સદી ચૂકી ગયો, જોકે અય્યર તેની બીજી સદી ફટકારવામાં સફળ રહ્યો હતો. કિશનના આઉટ થયા બાદ અય્યર-સેમસને ટીમને બીજો ઝટકો લાગવા દીધો ન હતો. બંનેએ ચોથી વિકેટ માટે અણનમ 73 રનની ભાગીદારી કરી હતી. અય્યરે 111 બોલમાં 15 ચોગ્ગાની મદદથી અણનમ 113 રનની ઇનિંગ રમી હતી. સેમસને તેની ટૂંકી ઇનિંગ્સમાં એક ફોર અને એક સિક્સર ફટકારી હતી.
મોહમ્મદ સિરાજની શાનદાર બોલિંગ:
આ પહેલા દક્ષિણ આફ્રિકાએ પ્રથમ બેટિંગ કરતા એડન માર્કરામ (79) અને રીઝા હેન્ડ્રીક્સ (74)ની અડધી સદીના આધારે સાત વિકેટે 278 રન બનાવ્યા હતા. હેન્ડ્રીક્સે તેની 76 બોલની ઇનિંગમાં નવ ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો, જ્યારે માર્કરામે તેની 89 બોલની ઇનિંગમાં સાત ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો. શાનદાર લયમાં ચાલી રહેલ ડેવિડ મલાન 34 બોલમાં 35 રન બનાવીને અણનમ રહ્યો હતો. ભારતીય બોલરોએ મેચની શરૂઆતની અને છેલ્લી ઓવરોમાં શાનદાર બોલિંગ કરી જેમાં મોહમ્મદ સિરાજે સૌથી વધુ પ્રભાવિત કર્યા હતા. સિરાજે 10 ઓવરમાં 38 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી.
Published by:Samrat Bauddh
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર