28 ફેબ્રુઆરી 2012...ઓસ્ટ્રેલિયાનું હોબાર્ટ મેદાન...ટીમ ઈન્ડિયાને ટ્રાઇ સીરીઝની ફાઇનલમાં પહોંચવા માટે શ્રીલંકાને મોટા અંતરથી હરાવવાની જરૂર હતી. વિરાટ કોહલીએ માત્ર 86 બોલમાં 133 રનની ઇનિંગ રમીને 321 રનના લક્ષ્યાંકને 37મી ઓવરમાં જ પૂરો કરી દીધો. આ વાત જગજાહેર છે કે વિરાટ દબાણમાં સારું પ્રદર્શન કરે છે, પરંતુ રેકોર્ડ કહે છે કે મોટી ટૂર્નામેન્ટની નોક આઉટ મેચોમાં તે મોટી ઇનિંગ નથી રમી શકતો. તો નોક આઉટ મેચોમાં ટીમ ઈન્ડિયાનો સૌથી મોટી વિનર કોણ છે?
સૌથી સારી સરેરાશ
નોક આઉટ મેચોમાં જો દબાણમાં અડગ રહેવાનો સૌથી સારો રેકોર્ડ કોઈ બેટ્સમેનના નામે છે તો તે છે રોહિત શર્મા. નોક આઉટ મેચ એટલે કોઈ પણ ટૂર્નામેન્ટની ક્વાર્ટર ફાઇનલ, સેમીફાઇનલ કે પછી ફાઇનલ. રોહિતની નોક આઉટ મેચોમાં સરેરાશ 44.84ની છે. જેમાં બે સદી અને બે અડધી સદી પણ સામેલ છે. 2015 વર્લ્ડ કપમાં રોહિતે બાંગ્લાદેશની વિરુદ્ધ ક્વાર્ટર ફાઇનલમાં 137 રનની ઈનિંગ રમી હતી. આ ઉપરાંત 2017 ચેમ્પિયન્સ ટ્રોફીની સેમીફાઇનલમાં તેણે 123 રનની અણનમ ઈનિંગ રમી હતી. 2008માં ઓસ્ટ્રેલિયાની વિરુદ્ધ ટ્રાઇ સીરીઝની ફાઇનલ તો તમે નહીં ભૂલ્યા હોય. ટૂર્નામેન્ટની પહેલી ફાઇનલમાં રોહિતે પાંચ નંબરે બેટિંગ કરતાં 66 રનોની ઇનિંગ રમી હતી.
વર્લ્ડ કપ 2011ની ફાઇનલમાં ધોનીની સિક્સરે જ ટીમ ઈન્ડિયાને 28 વર્ષ બાદ ચેમ્પિયન બનાવ્યું હતું. તેણે 91 રનોની અણનમ ઈનિંગ રમી હતી. નોક આઉટ મેચોમાં બેટિંગ કરવાનો ધોનીનો લાંબો અનુભવ છે. ધોની અત્યાર સુધી 21 નોક આઉટ મેચોમાં 39.75ની સરેરાશથી 636 રન કરી ચૂક્યો છે. આ મેચોમાં તેણે પાંચ અડધી સદી પણ ફટકારી છે. વર્લ્ડ કપ 2015ની ફાઇનલમાં ધોનીએ ઓસ્ટ્રેલિયાની વિરુદ્ધ 65 રનોની ઇનિંગ રમી હતી.
નોક આઉટ મેચોમાં વિરાટનું પ્રદર્શન
આંકડા કહે છે કે, ટીમ ઈન્ડિયાના રન મશીન વિરાટ કોહલીનું બેટ નોક આઉટ મેચોમાં નથી ચાલતું. વિરાટનો અહીં માત્ર 31.36નો સરેરાશ છે. અહીં તેના નામે કોઈ સદી નથી. નોક આઉટ મેચોમાં વિરાટે માત્ર બે અડધી સદી કરી છે. 2015 વર્લ્ડ કપની ફાઇનલમાં વિરાટ માત્ર 1 રન કરીને આઉટ થઈ ગયો હતો. 2017 ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં પાકિસ્તાનની વિરુદ્ધ વિરાટ માત્ર 5 રન કરી શક્યો હતો.