IND vs ENG : અશ્વિન સહિત આ પાંચ ખેલાડીઓ ચેન્નાઈ ટેસ્ટની જીતના અસલી હીરો, જાણો કેવી રીતે તેમણે રચ્યો ઈતિહાસ

વિરાટ કોહલી અને ઇંગ્લેન્ડના કેપ્ટન રૂટની ફાઇલ તસવીર

IND vs ENG: રનની દ્રષ્ટિએ આ ભારતની પાંચમી મોટી જીત છે. ભારતે ઇંગ્લેન્ડ સામેની તેની અત્યાર સુધીની સૌથી મોટી જીત નોંધાવી છે. આ પહેલા 1986માં ભારતે લીડ્સમાં 279 રનથી જીત મેળવી હતી.

 • Share this:
  ટીમ ઈન્ડિયાએ પ્રથમ ટેસ્ટમાં (India vs England) ઈંગ્લેન્ડ સામે મળેલી હારનો બદલો લઇ લીધો છે. ભારતે બીજી ટેસ્ટમાં 317 રનથી જીત મેળવી હતી. ટીમ ઈન્ડિયાએ રનની દ્રષ્ટિએ ઇંગ્લેન્ડ સામેનો સૌથી મોટી જીત છે. રવિચંદ્રન અશ્વિન, રોહિત શર્મા, કેપ્ટન વિરાટ કોહલી, રિષભ પંત અને અક્ષર પટેલની ભૂમિકા ચેન્નઈમાં ટીમને જીત અપાવવામાં મદદરૂપ બની હતી. તેથી આ બધા જ બીજી ટેસ્ટમાં જીતના અસલી હીરો છે. આ સિરીઝની પહેલી મેચ ચેન્નઈમાં રમાઈ હતી. જ્યાં ઇંગ્લેન્ડે ભારતને 227 રનના મોટા અંતરથી હરાવ્યું હતું. આ હાર બાદ ટીમની બેટિંગ, બોલિંગની સાથે-સાથે વિરાટની કેપ્ટનશીપ પર પણ સવાલો ઉભા થયા હતા. પરંતુ આ પ્રશ્નોને ધ્યાનમાં લીધા વિના ટીમ બીજી ટેસ્ટ માટે તૈયાર થઈ અને મોટી હાર બાદ ઓસ્ટ્રેલિયામાં જે પ્રદર્શન કર્યું હતું તેવું જ પ્રદર્શન કરી બતાવ્યું.

  આમાં, બે ખેલાડીઓની ભૂમિકા સૌથી મહત્વપૂર્ણ હતી. એક ઓપનર રોહિત શર્મા અને બીજો ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન. પ્રથમ ટેસ્ટની બંને ઇનિંગ્સમાં 18 રન બનાવનાર રોહિતે બીજી ટેસ્ટમાં તેની બેટિંગથી તમામ સમીકરણો બદલી નાંખ્યા હતા. તેની ઈનિંગે તેની પાછલી મેચની નિષ્ફળતાને ધોઈ નાંખી હતી. તેણે ટીમ ઈન્ડિયાની જીતનો પાયો પણ નાખ્યો. રોહિતે આઉટ થયા પહેલા 161 રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી અને ભારતીય ટીમ આ ટર્નીંગ ટ્રેક પર પ્રથમ ઇનિંગ્સમાં 329 રન બનાવી શકી હતી. રોહિતની ઇનિંગ્સ પણ આ અર્થમાં ખાસ હતી, કારણ કે તેણે 15 મહિના પછી ટેસ્ટ ક્રિકેટમાં સદી ફટકારી હતી. તેણે છેલ્લે 2019માં દક્ષિણ આફ્રિકા સામેની રાંચી ટેસ્ટમાં સદી ફટકારી હતી. ચેન્નામાં અને ઇંગ્લેન્ડ સામે પણ આ તેની પ્રથમ સદી હતી. જ્યારે પણ તેના બેટમાંથી સદી નીકળી, ત્યારે ત્યારે ટીમને જીત મળી. આ મેચ પહેલા પાંચ ટેસ્ટ મેચ થઈ ચૂકી છે, જેમાં રોહિતે સદી ફટકારી હતી. આ પાંચ મેચોમાં ભારતનો વિજય થયો હતો અને ચારમાં ટીમ ઈન્ડિયાએ ઇનિંગ્સના તફાવતથી જીત મેળવી હતી.

  અશ્વિન જીતનો સૌથી મોટો હીરો

  અશ્વિન ચેન્નાઈમાં જીતનો હીરો હતો. અશ્વિને પ્રથમ ટેસ્ટની બંને ઇનિંગ્સમાં 9 વિકેટ ઝડપી હતી. પરંતુ તે ઇંગ્લેન્ડના બેટ્સમેનને સંપૂર્ણ રીતે રોકવામાં નિષ્ફળ ગયો. જેનો અંદાજ એના પરથી લગાવી શકાય છે કે, પ્રથમ ટેસ્ટની પ્રથમ ઇનિંગ્સમાં અશ્વિને 55 ઓવરમાં ત્રણ વિકેટ ઝડપી હતી અને 146 રન આપ્યા હતા. પરંતુ ઓફ-સ્પિનરે બીજી ટેસ્ટમાં પિચનો પૂરો લાભ લીધો હતો અને પ્રથમ દાવમાં ઇંગ્લેન્ડને 134ના સ્કોર સુધીમાં સમેટવામાં તેની ભૂમિકા મહત્વની રહી. અશ્વિને 5 વિકેટ લીધી હતી. પ્રથમ દાવમાં બોલથી પોતાનું તેજ બતાવનાર અશ્વિને બીજી ઇનિંગમાં બેટથી પોતાની ક્ષમતા સાબિત કરી અને તેની ટેસ્ટ કારકિર્દીની પાંચમી સદી ફટકારી. આ સાથે, એક અનોખો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો. તે ત્રીજી વખત એક જ ટેસ્ટમાં 5 વિકેટ અને સદી ફટકારનાર પહેલો ભારતીય બન્યો છે. અશ્વિનના આ પ્રદર્શનથી ભારતે બીજી ઇનિંગમાં 286 રન બનાવ્યા અને ઇંગ્લેન્ડને 482 રનનો લક્ષ્યાંક આપ્યો.

  પંતનું ચેન્નઈમાં ઓલરાઇન્ડ પ્રદર્શન

  ટીમની જીતમાં વિકેટકીપર ઋષભ પંતની ભૂમિકા પણ આ બંનેથી ઓછી નથી. પંતે પ્રથમ દાવમાં 77 બોલમાં અણનમ 58 રન બનાવ્યા હતા. પંતે સતત ચોથી ટેસ્ટમાં અડધી સદી ફટકારી હતી. પંત ઓસ્ટ્રેલિયન પ્રવાસથી જ જબરદસ્ત ફોર્મમાં છે. પંતે સિડની ટેસ્ટની ચોથી ઇનિંગમાં 87 રન બનાવ્યા, જેના કારણે ભારત આ ટેસ્ટ ડ્રો કરવામાં સફળ રહ્યું. આ પછી બ્રિસ્બેન ટેસ્ટની ચોથી ઇનિંગમાં પંતના અણનમ 89 રનના કારણે ભારત ઐતિહાસિક વિજય મેળવવામાં સફળ રહ્યો. પંતે ચેન્નાઇમાં ઇંગ્લેન્ડ સામે રમાયેલી પ્રથમ ટેસ્ટમાં પણ 91 રનની ઇનિંગ્સ રમી હતી. આ સિવાય વિકેટ પાછળ પણ પંતનું પ્રદર્શન સારું રહ્યું. તેણે બીજી ટેસ્ટની પ્રથમ ઇનિંગ્સમાં ઓલી પોપ અને જેક લીચના શાનદાર કેચ પકડ્યા. આ સિવાય તેણે બીજી ઇનિંગ્સમાં પણ ડોન લોરેન્સને શાનદાર રીતે સ્ટમ્પ આઉટ કર્યો.

  ડેબ્યુ ટેસ્ટમાં અક્ષરની 5 વિકેટ

  અક્ષર પટેલ પોતાની ડેબ્યુ ટેસ્ટમાં ચેન્નાઈ ટેસ્ટ જીતનો હીરો બન્યો. અક્ષરને આ ટેસ્ટ માટે શાહબાઝ નદીમની જગ્યાએ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતું. તેણે આ તકનો લાભ લીધો અને પહેલી ઇનિંગ્સમાં ઇંગ્લેન્ડના 2 બેટ્સમેન અને બીજી ઇનિંગમાં 5 બેટ્સમેનને આઉટ કર્યા. તેણે ઈંગ્લેન્ડના 5 બેટ્સમેનને બીજી ઇનિંગમાં 60 રનની મદદથી પેવેલિયન મોકલ્યા. આ સાથે તે ડેબ્યૂ મેચમાં પર પાંચ વિકેટ લેનાર છઠ્ઠો ભારતીય પણ બન્યો હતો. ઉપરાંત દિલીપ દોશી પછી તે તેની પ્રથમ ટેસ્ટમાં પાંચ વિકેટ સાથે બીજો ડાબોડી સ્પિનર બન્યો હતો. દિલીપ દોશીએ 1979માં ચેન્નઇમાં ઓસ્ટ્રેલિયા સામે આ કર્યું હતું.

  વિરાટે બીજી ઇનિંગમાં મહત્વપૂર્ણ ફિફ્ટી બનાવી

  ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ બીજી ટેસ્ટમાં માત્ર કેપ્ટનશીપમાં જ નહીં પરંતુ બેટ દ્વારા પણ મોટો ફાળો આપ્યો હતો. આ ટેસ્ટની પ્રથમ ઇનિંગ્સમાં શૂન્ય રને આઉટ થયા બાદ વિરાટે બીજી ઇનિંગમાં અડધી સદી ફટકારી હતી. 62 રનની આ ઇનિંગ્સ પણ મહત્વપૂર્ણ હતી. કારણ કે બીજી ઇનિંગમાં ટીમ ઇન્ડિયાએ 100 રનની અંદર 5 વિકેટ ગુમાવી દીધી હતી. આ નાજુક પ્રસંગે વિરાટે અશ્વિન સાથે મોટી ભાગીદારી બનાવી અને ટીમને મજબૂત સ્થિતિમાં મૂકી. તેની ઇનિંગને કારણે ભારતીય ટીમે બીજી ઇનિંગમાં 286 રન બનાવ્યા અને મહેમાન ટીમને જીતવા માટે 482 રનનો મોટો લક્ષ્યાંક આપ્યો. જે ઇંગ્લેંડ હાંસલ કરી શક્યું ન હતું.
  Published by:Jay Mishra
  First published: