Home /News /sport /

ICC WTC Final: ચેમ્પિયનશિપ પહેલાની ચેમ્પિયન ટીમ, આંકડા અને ઈતિહાસ ભારતની તરફેણમાં

ICC WTC Final: ચેમ્પિયનશિપ પહેલાની ચેમ્પિયન ટીમ, આંકડા અને ઈતિહાસ ભારતની તરફેણમાં

18 જૂને ઈંગ્લેન્ડના સાઉથહેમ્પટનમાં ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલનો પ્રથમ બોલ ફેંકાવાની સાથે જ વિશ્વ ક્રિકેટમાં નવો ઈતિહાસ રચાશે

18 જૂને ઈંગ્લેન્ડના સાઉથહેમ્પટનમાં ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલનો પ્રથમ બોલ ફેંકાવાની સાથે જ વિશ્વ ક્રિકેટમાં નવો ઈતિહાસ રચાશે

  શૈલેષ મકવાણા, અમદાવાદ : એન્ટીગુઆથી શરૂ થયેલી અને વાયા અમદાવાદ થઈને સાઉથહેમ્પટન પહોંચેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની સફર અંતિમ પડાવમાં છે. 18 જૂને ઈંગ્લેન્ડના સાઉથહેમ્પટનમાં ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલનો પ્રથમ બોલ ફેંકાવાની સાથે જ વિશ્વ ક્રિકેટમાં નવો ઈતિહાસ રચાશે. મુકાબલો ભલે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે છે પરંતુ સમગ્ર વિશ્વની નજર આ મેગા ફાઈનલ પર મંડાયેલી છે. ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ જેવી ધુરંધરો ટીમને ધુળ ચાટતી કર્યા બાદ કોહલી એન્ડ કંપની હવે કેન વિલિયમ્સનની સેના સામે ટકરાશે. ક્રિકેટ પંડીતો કહી રહ્યા છે કે ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના તાજ માટે ભારતીય ટીમ અત્યારથી જ હોટ ફેવરિટ છે. કોમેન્ટેટર તરીકે ઈંગ્લેન્ડ પહોંચેલા ક્રિકેટર દિનેશ કાર્તિકે કહ્યું કે હાલમાં જે ભારતની ટેસ્ટ ટીમ છે તે મે જોયેલી સર્વશ્રેષ્ઠ ટીમ છે. દિનેશ કાર્તિકનું આ નિવેદન કિવી ટીમ માટે ઊંઘ ઉડાડનારું સાબિત થઈ શકે છે. કેમ કે ટીમ ઈન્ડિયા અનુભવી અને યુવા ખેલાડીઓથી જીતના જુસ્સા સાથે સજ્જ છે.

  કેપ્ટન વિરાટ કોહલી ઉપરાંત રોહિત શર્મા, ચેતેશ્વર પુજારા અને અજિંક્ય રહાણે જેવા વર્લ્ડક્લાસ બેટ્સમેન સાથે શુભમન ગિલ અને મયંક અગ્રવાલ સહિતના યુવા અને આક્રમક ખેલાડીઓથી ભારતીય ટીમની બેટિંગ લાઈનઅપ મજબૂત બને છે. લોઅર ઓર્ડરમાં ઋષભ પંત એકલા હાથે હરીફ ટીમ પાસેથી બાજી છીનવવાનો દમખમ રાખે છે. ટેસ્ટ શ્રેણીમાં પંતની ધમાકેદાર ઈનિંગ્સ અંગ્રેજ બોલર્સ હજી ભૂલ્યા નહીં હોય. ફાઈનલ પહેલા સાઉથહેમ્પટનમાં રમાયેલી ઈન્ટ્રા સ્ક્વોડ મેચમાં 121 રનની ધમાકેદાર ઈનિંગ રમીને પંતે અત્યારથી પડકાર ફેંકીને અત્યારથી જ કિવી બોલર્સની ઉંઘ હરામ કરી નાખી છે. માત્ર પંત જ નહીં ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા અને આર.અશ્વિનની ફીરકી ન્યૂઝીલેન્ડની ટીમ પર હાવી થશે તો વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો તાજ ભારત આવતા કોઈ નહીં રોકી શકે.

  આ પણ વાંચો - WTC Final:વિજેતા ટીમની ઇનામની રકમ વિરાટ કોહલીના આઈપીએલ પગારથી પણ ઓછી

  માત્ર સ્પિનર જ નહીં પેસ બેટરીની ફોજ પણ વિલિયમ્સનની ટીમને હંફાવવા તૈયાર છે. જસપ્રીત બુમરાહ, ઈશાંત શર્મા, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ જેવા તેજ તર્રાર બોલર્સની ધાર સાઉથહેમ્પટનની વિકેટ પર તરખાટ મચાવવા આતુર છે. ક્રિકેટના તમામ પાસામાં મજબૂત દેખાતી ભારતીય ટીમ ફાઈનલ રમવા મેદાન પર ઉતરશે ત્યારે સમગ્ર દુનિયાની નજર હશે. કેમ કે વન-ડે વર્લ્ડકપની સેમિફાઈનલમાં ભારતને ન્યૂઝીલેન્ડ સામે હાર મળી હતી. હવે ટીમ ઈન્ડિયા પાસે વર્લ્ડકપની હારનો બદલો લેવાની પણ તક છે. ઘરઆંગણે ઈંગ્લેન્ડ જેવી દિગ્ગજ ટીમને 3-1થી અને એ અગાઉ ઓસ્ટ્રેલિયાની ધરતી પર બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2-1થી હરાવીને ટીમ કોહલીએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલની દાવેદારી નોંધાવી હતી. હવે જ્યારે ન્યૂઝીલેન્ડ સામે ટક્કર છે ત્યારે આઈસીસીનો આ પ્રતિષ્ઠિત તાજ પહેરવા ટીમ ઈન્ડિયા પુરો દમખમ લગાવી દેશે.

  ફાઈનલ પહેલા આંકડા અને ઈતિહાસ પર નજર કરીએ તો બંને ભારતીય ટીમની તરફેણ કરે છે. ભારતીય ટીમ અત્યારસુધી ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ કુલ 59 ટેસ્ટ મેચ રમી છે, જેમાંથી 21માં જીત પ્રાપ્ત કરી છે જ્યારે 26 ડ્રો રહી છે. તેવામાં ન્યૂઝીલેન્ડની ટીમ માત્ર 12 ટેસ્ટ મેચમાં ભારત વિરૂદ્ધ જીતી શકી છે. આ આંકડાઓના આધારે અનુમાન લગાવી શકાશે કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં શરૂઆતથી જ ભારતે ટેસ્ટ ફોર્મેટમાં ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરી રાખ્યું છે. તેવામાં WTC ફાઈનલ મેચમાં પણ ડેટાના આધારે જોઇએ તો ભારતના જીતવાના ચાન્સ વધારે જણાઈ રહ્યા છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની વિજેતા ટીમને 12 કરોડ રૂપિયાનું ઈનામ મળશે.

  વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ પહેલા કોણે શું કહ્યું

  > રોહિત શર્માએ શરૂઆતમાં નવા બોલથી સંભાળીને રમવું પડશેઃ સેહવાગ
  > મેં જોયેલી અત્યાર સુધીની ભારતની સૌથી મજબૂત ટેસ્ટ ટીમઃ દિનેશ કાર્તિક
  > સ્વિંગ બોલિંગથી રોહિત શર્માને મુશ્કેલી પડશેઃ સ્કોટ સ્ટાયરિસ
  > ફાઈનલમાં ભારત સામે જીતવું મુશ્કેલ: ટોમ લાથમ
  Published by:Ashish Goyal
  First published:

  Tags: Icc world test championship, ICC World Test Championship final, ICC WTC Final, WTC Final, આઇસીસી

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन