ન્યૂઝીલેન્ડ સામે સેમિ ફાઇનલમાં હાર બાદ ટીમ ઇન્ડિયા વર્લ્ડકપમાંથી બહાર થઈ ગઈ હતી. સેમિ ફાઇનલ મેચમાં મહેન્દ્રસિંહ ધોનીના રન આઉટ થવાની યાદગાર ક્ષણને અનેક ક્રિકેટ ચાહકોએ પોતાના દિલ સાથે જોડી લીધી છે. ટીમ ઇન્ડિયા જીતની આશા લઈને બેઠી હતી ત્યારે માર્ટિન ગુપ્ટિલના થ્રો બોલે ટીમ જ નહીં કરોડો દેશવાસીઓને ઝટકો આપ્યો હતો. વર્લ્ડ કપમાં માર્ટિન ગુપ્ટિલનું આમ તો પ્રદર્શન સારું રહ્યું નથી, પરંતુ એક થ્રોએ તેને ઝીરોમાંથી હીરો બનાવી દીધો છે. ધોનીને રન આઉટ કરતી વખતે તે શું વિચારી રહ્યો હતો? આ અંગે તેણે એ કિંમતી પળો વિશે વાત કરી હતી.
ગુપ્ટિલે શું કહ્યું?
આઇસીસીએ મેચ બાદ સોશિયલ મીડિયામાં માર્ટિન ગુપ્ટિલનો એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં તે એ યાદગાર ક્ષણને યાદ કરતા કહે છે કે, "હું ભાગ્યશાળી છું કે ત્યાંથી સીધા થ્રોને કારણે હું ધોનીને રન આઉટ કરી શક્યો. હું બહુ ઝડપથી બોલને પકડવા માંગતો હતો, ત્યાંથી મને ફક્ત એક સ્ટમ્પ દેખાઈ રહ્યું હતું, હું ભાગ્યશાળી રહ્યો કે એ એંગલથી કરેલા થ્રો સીધો સ્ટમ્પને વાગ્યો હતો."
ધોનીએ 49મી ઓવરમાં લોકી ફર્ગ્યૂસનનો બોલ રવાનો પ્રયાસ કર્યો હતો. પ્રથમ રન પૂરો કર્યા બાદ ધોની બીજો રન લેવા માટે પાછો ફર્યો હતો. પરંતુ ગુપ્ટિલે બોલ પકડી લીધો અને સીધો જ થ્રો કરીને સ્ટમ્પ તરફ ફેંક્યો હતો. આ સમયે ધોની ફક્ત એક ઇંચ ક્રિઝથી દૂર હતો. ધોની આઉટ થતાં જ ટીમ ઇન્ડિયાનું જીતનું સપનું તૂટી ગયું હતું.
ન્યૂઝીલેન્ડ તરફથી મળેલા 240 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ભારતીય ટીમના હાથમાંથી જીત એ સમયે જ નીકળી ગઈ હતી જ્યારે રોહિત શર્મા, વિરાટ કોહલી અને કેએસ રાહુલ પાંચ રનમાં જ પેવેલિયન પરત આવી ગયા હતા. જોકે, એમએસ ધોની અને રવિન્દ્ર જાડેજાએ 116 રનની ભાગીદારી કરી હતી અને ભારતની જીતની આશાને જીવંત કરી હતી. જાડેજાની વિકેટ પડતા ટીમને ઝટકો લાગ્યો પરંતુ ધોની ક્રિઝ પર હતો તેનાથી આશા જીવંત હતી. જોકે, 49મી ઓવરમાં ધોની પણ આઉટ થયો અને જીતનું સપનું તૂટી ગયું હતું.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર