ICC World Cup 2019ની પહેલી સેમીફાઇનલ મેચ આજે (મંગળવારે) મેનચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ સ્ટેડિયમમાં ભારત અને ન્યૂઝીલેન્ડની વચ્ચે રમાશે. અગાઉના રેકોર્ડ પર નજર નાખીએ તો ભારતનો પક્ષ ભારે છે. દરેકને આશા છે કે આ વખતે વર્લ્ડ કપ ભારત જીતશે. એવામાં જો ક્રિકેટ દિગ્ગજોની વાત સાચી પુરવાર થાય છે તો ટીમ ઈન્ડિયાને વર્લ્ડ કપ જીતતાં જ ભારતીય ટીમ પર પૈસાનો વરસાદ થશે.
આઈસીસી મુજબ, આ વખતે ટૂર્નામેન્ટમાં ઈનામ રૂપે 1 કરોડ ડોલર એટલે કે લગભગ 70.12 કરોડ રૂપિયા આપવામાં આવશે. તેમાં ચેમ્પિયન ટીમને $4 મિલિયન એટલે કે 28 કરોડ રૂપિયાનું ઈનામ મળશે. બીજી તરફ, ફાઇનલ હારનારી ટીમને 2 મિલિયન ડોલર એટલે કે 14 કરોડ રૂપિયા મળશે. આ ઉપરાંત સેમીફાઇનલમાં હારનારી બે ટીમોને 5.5, 5.5 કરોડ રૂપિયા આપવામાં આવશે.
આપને જાણીને આશ્ચર્ય થશે કે વર્લ્ડ કપ જીતનારી ટીમને મળનારું ઈનામ વિંબલડનના વિજેતાથી વધુ હોય છે પરંતુ ફીફા ફુટબોલ વર્લ્ડ કપથી ઘણું ઓછું. ફીફા વર્લ્ડ કપ જીતનારી પુરુષ ટીમને 261 કરોડ રૂપિયા ઈનામ તરીકે આપવામાં આવે છે, જ્યારે મહિલા ફુટબોલ ટીમની વિજેતાને 27.5 કરોડ રૂપિયાનું ઈનામ મળે છે. બીજી તરફ, વિંબલડનની વાત કરીએ તો પુરુષ અને મહિલા વિજેતાને 19.3 કરોડ રૂપિયા આપવામાં આવે છે.
વર્લ્ડ કપ 2019ને જીતનારી ટીમનો નિર્ણય 14 જુલાઈએ થશે પરંતુ એ નક્કી થઈ ગયું છે કે ભારત, ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડમાંથી કોઈ એક ટીમ આ ખિતાબને પોતાના નામે કરશે. વર્લ્ડ કપની બીજી સેમીફાઇનલ 11 જુલાઈએ ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે રમાશે.