ન્યૂઝ18 ગુજરાતી : આ વખતે ભારતીય ટીમ 2019નો વર્લ્ડ કપ જીતવાના ઈરાદા સાથે જ મેદાનમાં ઉતરી હતી. ઓપનરો, મધ્યક્રમ અને નીચેલો ક્રમ પોતાની જવાબદારી સારી રીતે નિભાવી રહ્યા હતા. સવાલ ફક્ત ચોથા નંબરનો હતો. સવાલ થવાનું કારણ એવું હતું કે ટીમ ઇન્ડિયાના જે ખેલાડીને છેલ્લા ત્રણ વર્ષથી ચોથા નંબર માટે તૈયાર કરવામાં આવી રહ્યો હતો તેને વર્લ્ડ કપની 15 સભ્યોની ટીમમાં સામેલ જ કરવામાં આવ્યો ન હતો. આ ખેલાડી અંબાતી રાયડૂ હતો. વિરાટ કોહલી અંત સુધી ચોથા નંબરનો કોયડો ન ઉકેલી શક્યો અને ચોથા નંબરથી જ ભારતની વર્લ્ડ કપની સફરનો અંત થયો હતો.
વર્લ્ડ કપ માટે જ્યારે ટીમ ઇન્ડિયાની પસંદગી થઈ હતી ત્યારે ચોથા નંબર માટે વિજય શંકરને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. વિજય શંકર ત્યાં સુધી કુલ 10 વન ડે પણ રમ્યો ન હતો. હાલના વર્લ્ડ કપમાં વિજય શંકરે અફઘાનિસ્તાન, વેસ્ટ ઇન્ડિઝ અને પાકિસ્તાન વિરુદ્ધ ત્રણ મેચ રમી છે. જેમાં ક્રમશ: 29, 14 અને 15 રન બનાવ્યા છે. આમાંથી ફક્ત અફઘાનિસ્તાન અને વેસ્ટ ઇન્ડિઝમાં તે ચોથા નંબર પર રમ્યો હતો, જ્યારે પાકિસ્તાન સામે તેને છઠ્ઠા નંબરે બેટિંગ કરી હતી.
ટીમમાં પસંદગી ન મળતા રાયડૂએ લીધો સંન્યાસ
વર્લ્ડ કપની ટીમમાં પસંદગી ન પામતા અંબાતી રાયડૂએ ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી દીધી છે. રાયડૂએ બીસીસીઆઈને એક પત્ર લખીને આ જાહેરાત કરી હતી. રાયડૂને વિશ્વ કપ માટે પસંદ કરવામાં આવેલી ટીમમાં સ્થાન મળ્યું ન હતું. જે બાદમાં શિખર ધવન અને વિજય શંકર ઇજાગ્રસ્ત થતાં વર્લ્ડ કપમાંથી બહાર થયા છતાં રાયડૂને અવેજી તરીકે પણ ટીમમાં લેવામાં આવ્યો ન હતો.
પંતે ન્યૂઝીલેન્ડને જીતને ભેટ આપી!
વિજય શંકર ઇજાગ્રસ્ત થયા બાદ વર્લ્ડ કપની ટીમમાં ઋષભ પંતને ચોથા નંબર પર લેવામાં આવ્યો હતો. પંતે ઇંગ્લેન્ડ સામે પ્રથમ મેચ રમી હતી અને 32 રન બનાવ્યા હતા. અહીં પણ તે છગ્ગો લગાવવાના ચક્કરમાં આઉટ થયો હતો. જે બાદમાં બાંગ્લાદેશ સામે તેણે 48 રન બનાવ્યા હતા. શ્રીલંકા સામે તેણે ચાર રન બનાવ્યા હતા. જે બાદમાં ન્યૂઝિલેન્ડ સામે સેમિ ફાઇનલમાં ફરી તે 32 રન બનાવીને ક્રિઝ પર ટકવાને બદલે આઉટ થઈ ગયો હતો. જે બાદમાં એવા સવાલો ઉઠવા લાગ્યા કે જે જગ્યાએ અંબાતી રાયડૂને પસંદ કરવાનો હતો તેના માટે છેલ્લે સુધી ગડમથલ કેમ રહી. સવાલ યોગ્ય પણ છે, આ ચોથા નંબરનો બેટ્સમેન ટીમનો સ્કોર થોડો વધારી દેતો તો આજે ફાઇનલમાં ન્યૂઝીલેન્ડની જગ્યાએ ભારતીય ટીમ હોત.
અંબાતી રાયડૂની કારકિર્દી
વન ડેમાં પ્રદર્શન : રાયડૂએ 55 વન ડે મેચમાં 1694 રન બનાવ્યા. તેની સરેરાશ 47.05 રહી, જેમાં સૌથી વધારે સ્કોર 124 રન છે. રાયડૂએ ત્રણ સદી અને 10 અડધી સદી ફટકારી છે. વન ડેમાં તેનો સ્ટ્રાઇક રેટ 79.04 રહ્યો છે.
ટી-20 : રાયડૂએ ભારત માટે પાંચ ટી-20 મેચ રમી છે. જેમાં 10.50ની સરેરાશથી 42 રન બનાવ્યા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર