ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં ટીમ ઇન્ડિયાના દમદાર પ્રદર્શન પછી ટીમના હેડ કોચ રવિ શાસ્ત્રીએ થોડા સમય પહેલા સુકાની વિરાટ કોહલીની બેટિંગ પોઝિશન પર એક મોટુ નિવેદન આપ્યું હતું. શાસ્ત્રીનું કહેવું છે કે વર્લ્ડ કપમાં સ્થિતિને જોતા કોહલીને ત્રીજા સ્થાનના બદલે ચોથા સ્થાને બેટિંગ કરવા મોકલતા પણ અચકાઈશ નહીં.
30મે થી ઇંગ્લેન્ડમાં શરુ થનાર આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ માટે રવિ શાસ્ત્રી પોતાની આ રણનિતીને ભલે ટ્રમ્પ કાર્ડ માનતા હોય પણ પૂર્વ સુકાની સૌરવ ગાંગુલીનું માનવું છે કે કોહલીના બેટિંગ ઓર્ડર સાથે છેડછાડ કરવી મોટી ભૂલ સાબિત થઈ શકે છે.
ગાંગુલીએ ન્યૂઝ ચેનલ ઇન્ડિયા ટીવી સાથે વાત કરતા કહ્યું હતું કે મેં અખબારોમાં વાચ્યું છે કે શાસ્ત્રી કોહલીને ચોથા ક્રમે બેટિંગ કરવાની વાત કરી રહ્યા છે. હું નથી જાણતો કે પછી ત્રીજા ક્રમે કોણ ઉતરશે. કદાચ અંબાતી રાયડુ ઉતરે. પણ આ યોગ્ય રણનિતી હશે નહીં. કોહલી ત્રીજા ક્રમે ઘણો મોટો બેટ્સમેન છે. વન-ડેમાં ભારતની તાકાત રોહિત-ધવન પછી ત્રીજા નંબરે કોહલીની બેટિંગ છે.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા ક્રિકબઝને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે જો વર્લ્ડ કપ દરમિયાન કોઈ મેચની સ્થિતિ ફાસ્ટ બોલરો માટે મદદગાર રહેશે તો તે કોહલીને રમાડીને વિકેટ ગુમાવવા માંગશે નહીં. આવી સ્થિતિમાં ત્રીજા ક્રમે કોઈ બીજા બેટ્સમેનને મોકલી કોહલીને ચોથા ક્રમે ઉતારવામાં આવી શકે છે.
હવે જોવું રહેશે કે ગાંગુલીની આ સલાહ પર કોચ રવિ શાસ્ત્રી ધ્યાન આપશે કે નહીં.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર