પાકિસ્તાનના સ્પિનર શાદાબ ખાન ઉપર આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2019 દરમિયાન ઘણી નજર છે. આ યુવા બોલર પાકિસ્તાન માટે હુકમનો એક્કો સાબિત થઈ શકે છે. તે કેટલાક વર્ષો પહેલા પોતાના ગામની ગલીઓમાં ક્લબ ક્રિકેટ રમતો હતો. જોકે પોતાની શાનદાર મહેનત અને સખત પ્રેક્ટિસના કારણે તેણે રાષ્ટ્રીય ટીમમાં સ્થાન બનાવ્યું હતું અને ટીમનો અભિન્ન અંગ બની ગયો છે. તે હાલ ટી-20 બોલિંગ રેન્કિંગમાં ત્રીજા સ્થાને છે.
શાદાબ ખાનને પાકિસ્તાનના પ્રધાનમંત્રી અને 1992ના વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન ઇમરાન ખાનની શોધ માનવામાં આવે છે. ઇમરાન ખાને પાકિસ્તાન ટીમ ઇંગ્લેન્ડ રવાના થઈ તે પહેલા આ વાતનો ઉલ્લેખ કર્યો હતો. આ સાંભળી પાકિસ્તાનના કોચ મિકી આર્થર અને બાકી ખેલાડીઓ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
શાદાબના પૂર્વ ક્લબ કોચ સજ્જાદ અહમદે કહ્યું હતું કે ક્રિકેટ માટે શાદાબનું સમર્પણ જોરદાર છે. તે રાત્રે 9 વાગે ઊંઘી જાય છે અને સુરજ ઉગતા પહેલા મેદાનમાં પહોંચી જાય છે. ઘણા વર્ષોથી તેની આ દિનચર્યા છે અને તે કલાકોના કલાકો પ્રેક્ટિસ કરે છે.
શાદાબે પંજાબ પ્રાતના મિયાંવાલી જિલ્લામાં સિંધુ નદીના કિનારે ખાડાવાળી પિચો પર ક્રિકેટ રમવાનું શરુ કર્યું હતું. અહીં ઇમરાન અને પૂર્વ કેપ્ટન મિસ્બાહ ઉલ હકનું ઘર પણ છે. પાકિસ્તાનની અંડર-16 ટીમ સાથે રમ્યા પછી તે અંડર-19 વર્લ્ડ કપ (2016) માટે પસંદ થયો હતો. જેમાં તેણે 11 વિકેટ ઝડપી હતી. આ પછી રાષ્ટ્રીય ટીમમાં આવ્યો હતો.
શાદાબ અત્યાર સુધીમાં 5 ટેસ્ટ, 34 વન-ડે અને 21 આંતરરાષ્ટ્રીય ટી-20 મેચ રમ્યો છે. જેમાં ક્રમશ 12, 47 અને 44 વિકેટ ઝડપી છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર