ન્યૂઝ18 ગુજરાતી : આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2019ની પહેલી સેમીફાઇનલનું પરિણામ વરસાદના કારણે મંગળવારે ન આવી શક્યું. ન્યૂઝીલેન્ડની ઇનિંગની 47મી ઓવરમાં મેનચેસ્ટરમાં વાદળો એવા વરસ્યા કે મેચ ફરી શરૂ જ ન થઈ શકી. અંતે અમ્પાયરોએ નિર્ણય લીધો કે મેચ રિઝર્વ ડે એટલે કે આજે ફરી શરૂ થશે. ઉલ્લેખનીય છે કે, રિઝર્વ ડે પર ન્યૂઝીલેન્ડની ઈનિંગ ત્યાંથી શરૂ થશે, જ્યાંથી વરસાદના કારણે અટકી હતી. એનો અર્થ એવો થાય કે કીવી ટીમ પોતાના બાકી બચેલા 23 બોલ રમશે. ત્યારબાદ ભારતીય ટીમ લક્ષ્યનો પીછો કરશે.
મેનચેસ્ટરનું હવામાન
હવે સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે આજ એટલે કે બુધવારે મેનચેસ્ટરનું હવામાન કેવું રહેશે. હવામાન વિભાગનું માનીએ તો મેનચેસ્ટરમાં આજે પણ વરસાદ પડી શકે છે. જોકે, સારી વાત એ છે કે વરસાદની આગાહી માત્ર 20 ટકા છે. એક્યૂ વેધરના રિપોર્ટ મુજબ, મેનચેસ્ટરમાં બપોરે 10 વાગ્યે વરસાદ પડશે, પરંતુ ત્યારબાદ ટૂંક સમયમાં રોકાઈ જશે. જોકે, દિવસભર વાદળો ઘેરાયેલા રહેશે.
સ્ક્રીનશોટ-એક્યૂ વેધર
રિઝર્વ ડેના દિવસે શું થશે?
ન્યૂઝીલેન્ડની ઇનિંગ 211/5 (46.1 ઓવર)થી શરૂ થશે. જો મેચમાં ફરી વરસાદે વિઘ્ન ઊભું કર્યુ તો ડકવર્થ લુઈસના નિયમની મદદ લેવાશે. જો આજે પણ મેચનું પરિણામ નથી આવતું તો ટીમ ઈન્ડિયા ફાઇનલમાં પહોંચી જશે, કારણ કે પોઇન્ટ ટેબલમાં ભારતનું પ્રદર્શન ન્યૂઝીલેન્ડથી સારું હતું.
ટીમ ઈન્ડિયાના બોલરોનું સારું પ્રદર્શન
ભારતની જબરદસ્ત બોલિંગ
પહેલી સેમીફાઇનલ મેચમાં ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસને ટીસ જીતી ભારતને પહેલા બોલિંગ માટે કહ્યું. ટીમ ઈન્ડિયાએ નવી પિચનો શાનદાર ઉપયોગ કર્યો. જસપ્રીત બુમરાહ અને ભુવનેશ્વર કુમારે ન્યૂઝીલેન્ડના ઓપનર્સને બાંધીને રાખ્યા. ચોથી ઓવરમાં માર્ટિન ગપ્ટિલ માત્ર 1 રને બુમરાહનો શિકાર બન્યો. હેનરી નિકલ્સને 28 રનની ઇનિંગ રમી. વિલિયમસને 67 રન કર્યા. રોસ ટેલર 67 રને અણનમ છે. જોકે, વિલિયમસન-ટેલરે મળીને 180 બોલ રમ્યા અને ઘણી ધીમી ગતિથી રન કર્યા. ભાત માટે તેના તમામ 5 બોલર બુમરાહ, હાર્દિક પંડ્યા, ભુવનેશ્વર કુમાર, યુજવેન્દ્ર ચહલ અને રવિન્દ્ર જાડેજાએ 1-1 વિકેટ ઝડપી.