ન્યૂઝ18 ગુજરાતી : આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2019માં ટીમ ઈન્ડિયાનું શાનદાર પ્રદર્શન ચાલુ છે. ઈંગ્લેન્ડ સામે હાર બાદ ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને 28 રને હરાવી દીધું અને વર્લ્ડ કપની સેમીફાઇનલમાં સ્થાન બનાવ્યું. ભારત સતત ત્રીજી વાર વર્લ્ડ કપની સેમીફાઇનલમાં પહોંચશે. ભારત ઉપરાંત ઓસ્ટ્રેલિયા પહેલા જ સેમીફાઇનલમાં બનાવી ચૂક્યું છે. પરંતુ સેમીફાઇનલમાં હજુ પણ બે સ્થાન ખાલી છે. જેના માટે ત્રણ ટીમોની વચ્ચે જંગ છે. ઈંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાન સેમીફાઇનલમાં પહોંચવાની હોડમાં છે. આવો જાણીએ, કઈ ટીમ કેવી રીતે પહોંચી શકે છે સેમીફાઇનલમાં?
ન્યૂઝીલેન્ડ આવી રીતે પહોંચશે સેમીફાઇનલમાં
આ મેચમાં ન્યૂઝીલેન્ડે 6માંથી એક પણ મેચ નહોતી ગુમાવી પરંતુ ત્યારબાદ તેને પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા સામે હાર મળી. આ બે હાર બાદ તેનું સેમીફાઇનલમાં પહોંચવાનું સમીકરણ બગડી ગયું. ન્યૂઝીલેન્ડ હજુ પણ બે રીતે સેમીફાઇનલમાં સ્થાન મેળવી શકે છે. પહેલો વિકલ્પ છે કે તે ઈંગ્લેન્ડને હરાવી દે. જો ન્યૂઝીલેન્ડ ઈંગ્લેન્ડ સામે હારી જાય છે તો તેને પાકિસ્તાનની બાંગ્લાદેશ સામેની હાર જ અંતિમ ચારમાં સ્થાન અપાવી શકે છે.
ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમ
ઈંગ્લેન્ડ આવી રીતે પહોંચશે સેમીફાઇનલમાં
મેજબાન ઈંગ્લેન્ડને આ ટૂર્નામેન્ટની સૌથી મજબૂત ટીમ માનવામાં આવી રહી હતી પરંતુ હવે તેને જ સેમીફાઇનલમાં પહોંચવા માટે મહેનત કરવી પડી રહી છે. ઈંગ્લેન્ડને જો સેમીફાઇનલમાં પહોંચવું હશે તો તેને ન્યૂઝીલેન્ડને હરાવવું પડશે. જો તેને હાર મળે છે તો પાકિસ્તાનની બાંગ્લાદેશ સામે હાર તેને સેમીફાઇનલમાં સ્થાન અપાવશે.
ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમ
પાકિસ્તાનનું સેમીફાઇનલમાં પહોંચવાનું સમીકરણ
પાકિસ્તાનને જો સેમીફાઇનલમાં પહોંચવું હશે તો તેને જીતની સાથોસાથ ઈંગ્લેન્ડની હારની દુવા પણ કરવી પડશે. પાકિસ્તાનને પોતાની આગામી મેચ બાંગ્લાદેશ સામે રમવાની છે જેમાં તેને કોઈ પણ રીતે જીત મેળવવી પડશે. આ ઉપરાંત, તેના માટે ઈંગ્લેન્ડની હાર પણ જરૂરી હશે. ઈંગ્લેન્ડને પોતાની છેલ્લી મેચ બુધવારે ન્યૂઝીલેન્ડ સામે રમવાની છે.