ટીમ ઇન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીની પત્ની હસીન જહાંએ કહ્યું છે કે તે તેના પતિ સાથે મુલાકાત કરવા માંગે છે. 24 માર્ચના રોજ શમી દહેરાદૂનથી નવી દિલ્હી જઈ રહ્યો હતો ત્યારે તેને અકસ્માત નડ્યો હતો. રસ્તામાં તેની કારની એક ટ્રક સાથે ટક્કર થઈ ગઈ હતી. અકસ્માતમાં શમીને ઈજા પહોંચી છે, તેના માથામાં ઈજા થતાં ટાંકા આવ્યા છે.
આ અંગે પત્રકારો સાથે વાતચીત કરતા શમીની પત્ની હસીન જહાંએ કહ્યું હતું કે, 'મારી લડાઇ તેણે મારી સાથે જ કર્યું છે તેની સાથે છે. હું તેને શારીરિક રીતે ઘાયલ થતા નથી જોવા માંગતી. તે ભલે પત્ની તરીકે મને નથી રાખવા માંગતો, પરંતુ હું હજી પણ તેને પ્રેમ કરું છું. તે મારા પતિ છે. હું અલ્લાહને દુઆ કરીશ કે તેની તબિયત ઝડપથી સારી થઈ જાય.'
હસીન જહાંએ કહ્યું કે તે પોતાની પુત્રી સાથે પોતાના પતિને મળવા માટે ઉતાવળી છે, પરંતુ તેનો કોઈ સંપર્ક થઈ રહ્યો નથી. હસીને કહ્યું કે, 'હું મારા પતિ સાથે સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહી છું. પરંતુ તે મારી ફોન કોલનો જવાબ નથી આપી રહ્યા. એટલે સુધી કે તેમના પરિવારના કોઈ સભ્યો પણ મારી સાથે વાત નથી કરી રહ્યા. હું લાચાર જેવો અનુભવ કરી રહી છું.'
નોંધનીય છે કે શમી છેલ્લા થોડા દિવસોથી પારિવારિક વિવાદને કારણે ચર્ચામાં છે. તેની પત્ની હસીન જહાંએ તેના પર બીજી મહિલાઓ સાથે સંબંધ, મારપીટ, હત્યાનો પ્રયાસ અને મેચ ફિક્સિંગ જેવા ગંભીર આરોપ લગાવ્યા છે. જોકે, શમી આ તમામ આરોપથી ઇન્કાર કરતો આવ્યો છે.
આ આરોપને કારણે બીસીસીઆઈએ શમીનો કોન્ટ્રાક્ટ રોકી દીધો હતો જેના કારણે આઈપીએલમાં તેનું રમવું શંકાસ્પદ માનવામાં આવી રહ્યું હતું. બાદમાં બીસીસીઆઈની તપાસ કમિટિએ તેને ફિક્સિંગના આરોપમાંથી મુક્ત કરી દીધો હતો. હવે તે આઈપીએલમાં દિલ્હી ડેરડેવિલ્સ તરફથી રમી શકશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર