ન્યૂઝ18 ગુજરાતી : આપણી રાષ્ટ્રીય રમત હોકી છે, એ તો ખબર જ હશે બધાને, છે' ને ? રાષ્ટ્રીયતાની વાત આવે એટલે છાશવારે તલવારું તાણી લેતા દેશભક્તોને ખબર છે કે કાલથી દેશમાં જ 'હોકી વર્લ્ડ કપ' નો પ્રારંભ થઇ રહ્યો છે ? વળી, આ હોકી વર્લ્ડ કપમાં પાકિસ્તાનની ટીમ પણ સામેલ છે. થોડીવાર માટે કલ્પના કરો કે, આ ક્રિકેટનો વર્લ્ડ કપ હોત અને પાકિસ્તાનની ટીમ ભારતમાં આવી હોત તો! ખેર, જવા દો આ કલ્પનાઓ અને થોડીક ભારતીયતા બચી હોય તો હોકીય જોઈ લેજો !
ઉલ્લેખનીય છે કે, ઓરિસ્સાના ભુવનેશ્વરમાં 28 નવેમ્બરથી હોકી વર્લ્ડ કપનો પ્રારંભ થઈ રહ્યો છે. આ પહેલા 27 નવેમ્બરે ભુવનેશ્વરમાં ઓપનિંગ સેરેમની યોજાશે. આ વર્લ્ડ કપમાં કુલ 16 ટીમો ભાગ લેશે. જેમાં પાકિસ્તાનનો પણ સમાવેશ કરાયો છે.
આ મામલે ન્યૂઝ18ની ટીમે આ વર્લ્ડ કપ અંગે રેન્ડમ સર્વે હાથ ધર્યો અને જાણવા મળ્યું કે કેટલાક રમતપ્રેમીઓને બાદ કરતા ભાગ્યે જ કોઈને આ હોકી વર્લ્ડ કપ વિષે જાણકારી હતી.
વર્લ્ડ કપમાં કુલ 16 ટીમો ભાગ લેશે. જેમાં પાકિસ્તાનનો પણ સમાવેશ કરાયો છે
જો પાકિસ્તાનની ક્રિકેટ ટીમ ભારત રમવા આવવાની હોત તો મહિના પહેલાથી રાજનેતાઓ નિવેદનો આપવા લાગ્યા હોત કે અમે પાકિસ્તાનની ટીમને કોઈપણ સંજોગોમાં રમાવા દઈશું નહીં. સરકાર શું કરી રહી છે પાકિસ્તાન આતંકવાદ ફેલાવે છે અને તેની સાથે રમતના સંબંધો કેવી રીતે રાખી શકાય. પાકિસ્તાનની ક્રિકેટ ટીમ ભારત આવી જ કેમ શકે. મીડિયામાં પણ જંગ જેવો માહોલ બનાવી દેવામાં આવ્યો હોત. ઘણા સ્થાને સરકારના કે ખેલાડીઓનો પોસ્ટરો બાળવામાં આવ્યો હોત. લોકો પ્રદર્શન કરીને કહી રહ્યા હોત કે પાકિસ્તાનની ટીમ ભારત સાથે રમી જ કેવી રીતે શકે. પાકિસ્તાનમાં પણ હલચલ મચી ગઈ હોત. જોકે આવું હાલ કશું જ બન્યું નથી. કારણ કે હાલ પાકિસ્તાનની ક્રિકેટ ટીમ નહીં હોકી ટીમ રમવા આવી છે.
હોકીમાં નથી પબ્લિસિટી હોકીના ખેલાડીઓ ભારતમાં આવીને પણ રમી શકે છે પણ ક્રિકેટના ખેલાડીઓ ન રમે શકે. બંને રમતના ખેલાડીઓ એ જ પાકિસ્તાનમાંથી આવે છે જે ભારતમાં આતંકવાદ ફેલાવે છે. તો દેશ એક જ હોવા છતા અલગ-અલગ માપદંડ કેમ રાખવામાં આવે છે? શું એટલા માટે કે હોકીમાં જોઈએ એવી પબ્લિસિટી મળતી નથી. જ્યારે ક્રિકેટ હોય તો વધારે પબ્લિસિટી મળે છે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનની ક્રિકેટ ટીમ ભારતમાં ટી-20 વર્લ્ડ કપમાં રમવા આવી હતી ત્યારે ભારે વિરોધ થયો હતો. છેલ્લી ઘડીએ મેદાન પણ બદલવું પડ્યું હતું.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર