Home /News /sport /ગુજરાતની ફોર્મ્યુલા રેસર મીરા એરડા યુરોપમાં વિશ્વની 60 મહિલા રેસર સાથે રેસ કરશે

ગુજરાતની ફોર્મ્યુલા રેસર મીરા એરડા યુરોપમાં વિશ્વની 60 મહિલા રેસર સાથે રેસ કરશે

મીરા દેશની સૌથી યુવાન મહિલા ફોર્મ્યુલા ફોર રેસર છે.

વડોદરાની મીરા એરડા ફોર્મ્યુલા ફોર રેસિંગમાં દેશની સૌથી યુવા મહિલા રેસર છે, આ રેસ જીતનારને મળશે 5 લાખ ડૉલર

જય મીશ્રા: ગુજરાતની એક દીકરીએ ફોર્મ્યુલા ફોર રેસિંગમાં કાઠું કાઢ્યું છે. પુરૂષ પ્રધાન કહેવાતા રેસિંગ જેવા સ્પોર્ટમાં મીરા એરડાએ ઇન્ટરનેશનલ લેવલ પર પ્રતિભા દર્શાવી છે.

મીરા એરડાની પસંદગી આગામી જાન્યુઆરીમાં યુરોપના ઓસ્ટ્રિયામાં થનારી W સિરિઝ રેસિંગ ચેમ્પિયનશીપની ટ્રાયલ્સ માટે થઈ છે.
આ ચેમ્પિયનશીપની ટ્રાયલ્સ માટે સમગ્ર વિશ્વમાંથી 60 મહિલા રેસરની પસંદગી કરવામાં આવી છે.

મીરા ઉપરાંત ભારતની અન્ય એક રેસર સ્નેહા શર્માની પસંદગી આ રેસની ટ્રાયલ્સ માટે થઈ છે. ગુજરાતના વડોદરાની રહેવાસી મીરા એરડાએ 9 વર્ષની ઉંમરથી રેસિંગની શરૂઆત કરી હતી.

રેસિંગની શરૂઆત ગો- કાર્ટિંગથી કરી મીરાએ 16 વર્ષની ઉંમરે જ ફોર્મ્યુલા-4 રેસિંગમાં સ્થાન મેળવ્યું હતું.વર્ષ 2010થી રેસિંગની કારકીર્દી શરૂ કરનાર મીરા ગો-કાર્ટિંગની નેશનલ ચેમ્પિયન બની હતી. ગો-કાર્ટિંગમાં મીરાએ 125 સીસી એન્જિન વાળી કારમાં રેસિંગ કર્યું હતું.

અહીં ક્લિક કરીને વાંચો  સબરીમાલા મંદિરમાં પ્રવેશ કરનાર મહિલાઓએ સુપ્રીમ પાસે સુરક્ષા માગી, કહ્યું જીવને છે જોખમ

ફોર્મ્યુલા-4ની સૌથી પ્રતિષ્ઠિત યુરો સિરીઝમાં પસંદ થનારી પ્રથમ ભારતીય મહિલાનું સન્માન મેળવનાર મીરાએ 1200 સીસીની બી.એમ.ડબલ્યૂ કારમાં પણ રેસિંગ કર્યું છે.

યુરોપમાં યોજાનારી કોમ્પિટિશન વિશે માહિતી આપતા મીરા એરડાએ જણાવ્યું, “આ કોમ્પિટિશનમાં પહેલાં ટ્રાયલ્સ યોજાશે જેમાં હું વિશ્વની 60 મહિલા રેસર વચ્ચે રોડ કારમાં રેસ કરીશ.આ રેસ માટે હાલમાં હું કોઈમ્બતુરમાં પ્રેક્ટિસ કરી રહી છુ. અગાઉ મેં આ રેસ માટે દિલ્હીના બુદ્ધ ઇન્ટરનેશનલ સર્કિટમાં પણ પ્રેક્ટિસ કરી છે.”

મીરાએ વધુમાં જણાવ્યું હતું,  “રોડ કારમાં ફક્ત ડ્રાઇવર જ બેસી શકે છે અને તે સામાન્ય કારની જેમ બંધ હોય છે.  પ્રેક્ટિસ દરમિયાન મારી ટોપ સ્પીડ 180 કિલોમીટર પ્રતિ કલાક નોંધાઈ છે.  આ કોમ્પિટિશન માટે સ્પીડ ઉપરાંત ફિઝિકલ ફિટનેસ પણ ખૂબ જ જરૂરી છે, જેના માટે હું વિશેષ તૈયારી કરી રહી છુ. આ કોમ્પિટિશન બાદ ફોર્મ્યુલા-3 રેસિંગના દરવાજા ખુલશે.  ફોર્મ્યુલા-3 રેસિંગમાં 800 હોર્સ પાવરનું એન્જિન ધરાવતી રેસિંગ કાર હોય છે, જેની ટોપ સ્પીડ 280 કિલોમીટર પ્રતિ કલાક સુધી હોય છે. ફોર્મ્યુલા-4માં મારી ટોપ સ્પીડ 230 કિલોમીટર પ્રતિ કલાકની નોંધાઈ હતી.”



મીરા એરડાએ 9 વર્ષની ઉંમરથી રેસિંગની શરૂઆત કરી હતી.


શું છે W સિરીઝ રેસિંગ ?
W સિરીઝ રેસિંગ સિરીઝ વિશ્વની મહિલા રેસરોને રેસિંગ માટેનું પ્લેટફોર્મ આપવા માટે યુરોપમાં યોજાતી એક રેસિંગ કોમ્પિટિશન છે.

આ કોમ્પિટિશનનો હેતું મહિલા રેસરને ફોર્મ્યુલા વનના નિવડેલા રેસરો દ્વારા ટ્રેનિંગ પુરી પાડીને આ ક્ષેત્રમાં તક આપવાનો છે.

આ વર્ષે જાન્યુઆરીની 24થી 27 જાન્યુઆરી દરમિયાન ઓસ્ટ્રિયામાં આ કોમ્પિટિશનની ટ્રાયલ્સ થશે.

ટ્રાયલ્સ માટે સમગ્ર વિશ્વમાંથી 20 મહિલા રેસરોની પસંદગી થઈ છે. ટ્રાયલ્સમાંથી પસંદ થનાર ટોપ-20 રેસરોને તાલિમ આપવામાં આવશે.

આ તાલિમમાં 20 મહિલા રેસરને ફોર્મ્યુલા-3 કાર ઉપરાંત ફિઝિકલ ફિટનેસની ટ્રેનિંગ પણ અપાશે.

ટોપ-20 મહિલામાંઓની રેસમાં જે વિજેતા બનશે તેને 5 લાખ ડૉલરનું ઈનામ આપવામાં આવશે. જ્યારે અન્ય પ્રતિસ્પર્ધીઓ વચ્ચે રૂપિયા 10 કરોડ જેટલાનું ઈનામ વહેંચવામાં આવશે.
First published:

Tags: Europe, Guajrat, ભારત, મહિલા