ભારતીય રાજનેતા અને પૂર્વ નાણા મંત્રી અરુણ જેટલીનું શનિવારે બપોરે નિધન થયું છે. તેઓ ઘણા લાંબા સમયથી બીમાર હતા. થોડા દિવસ પહેલા શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ બાદ તેમને એઇમ્સ ખાતે લાવવામાં આવ્યા હતા. અરુણ જેટલી રાજનીતિની સાથે સાથે રમતની દુનિયા સાથે પણ જોડાયેલા હતા. અરુણ જેટલી વર્ષ 1999થી 2013 સુધી દિલ્હી ડિસ્ટ્રિક્ટ એસોસિએશન (DDCA)ના અધ્યક્ષ રહ્યા હતા. તેઓ અધ્યક્ષ હતા તે ગાળા દરમિયાન જ ગૌતમ ગંભીર અને વિરેન્દ્ર સહેવાગ જેવા ખેલાડીઓએ ટીમમાં ડૂબ્યૂ કર્યું હતું. તેમના નિધન પછી ગૌતમ ગંભીરે સોશિયલ મીડિયા પર ભાવુક સંદેશ લખ્યો હતો.
ગૌતમ ગંભીરે ટ્વિટર પર લખ્યું, "પિતા તમને બોલતા શીખવે છે, પરંતુ તમારી જીવનમાં જે વ્યક્તિ પિતા સમાન હોય તે તમને વાત કરતા શીખવે છે. પિતા તમને ચાલતા શીખવે છે, પરંતુ પિતા સમાન વ્યક્તિ તમને કૂચ કરતા શીખવે છે. પિતા તમને નામ આપે છે, પિતા સમાન વ્યક્તિ તમને તમારી ઓળખ આપે છે. મારા પિતા સમાન અરુણ જેટલી સાથે આજે મારો એક હિસ્સો પણ ચાલ્યો ગયો છે. RIP સર."
A father teaches u to speak but a father figure teaches u to talk. A father teaches u to walk but a father figure teaches u to march on. A father gives u a name but a father figure gives u an identity. A part of me is gone with my Father Figure Shri Arun Jaitley Ji. RIP Sir.
ગૌતમ ગંભીર હાલ બીજેપીના સાંસદ છે. ગંભીરે જ્યારે બીજેપીનું સભ્યપદ લીધું હતું ત્યારે અરુણ જેટલી હાજર હતા. ગૌતમ ગંભીરના જેટલીની ખૂબ નજીકની વ્યક્તિ માનવામાં આવે છે. અરુણ જેટલી પર જ્યારે ડીડીસીએમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ લાગ્યો હતો ત્યારે પણ ગૌતમ ગંભીરે તેમનું સમર્થન કર્યું હતું. ગંભીરે લખ્યું હતું, "જેટલીજી પર ભ્રષ્ટાચારના આક્ષેપ ખોટા છે. જેટલીજી એ વ્યક્તિ છે જેમણે ટેક્સ ચુકવતા લોકોનાં પૈસા વગર દિલ્હીનું સ્ટેડિયમ બનાવ્યું હતું."