વડોદરા: ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)માં સટ્ટેબાજીનો તાજો મામલો સામે આવ્યો છે. 2013માં ચેન્નઇ સુપરકિંગ્સ અને રાજસ્થાન રોયલ્સના માલિકો આઈપીએલ સટ્ટાબાજીમાં સામેલ હોવાનું બહાર આવ્યું હતું. ત્યારબાદ આઈપીએલ સતત વિવાદોમાં રહ્યું અને સ્પોટ ફિક્સિંગના આરોપ પણ લાગ્યા.
એવું જ કંઈક ફરી એકવાર થયું છે. સટ્ટાબાજી સાથે જોડાયેલા મામલામાં ગુજરાત પોલીસે ભારતીય મહિલા ક્રિકેટ ટીમના પૂર્વ કોચ તુષાર અરોઠેની વડોદરાથી ધરપકડ કરવામાં આવી છે. ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી જેએસ જાડેજાએ જણાવ્યું કે, અમે એક કેફેમાં દરોડો પાડી તુષાર અરોઠેની 18 અન્ય લોકો સાથે ધરપકડ કરી છે. તેમના ફોન અને વાહન પણ જપ્ત કરવામાં આવ્યા છે.
પોલીસના જણાવ્યા મુજબ, દરોડા દરમિયાન 21 મોબાઇલ ફોન, 45,910 રૂપિયા રોકડા, આઠ વાહન, એક પ્રોજેક્ટર, એક સેટ ટોપ બોક્સ અને એક પ્રોજેક્ટર સ્ક્રીન જપ્ત કરવામાં આવ્યા છે. ધરપકડ બાદ તમામ આરોપીઓને મંગળવારે જામીન આપવામાં આવ્યા છે.
પોલીસે કહ્યું કે તેમને માહિતી મળી હતી કે કેફેના માલિકો પૈકીના એક હેમાંગ પટેલ (24) અને તેના મિત્ર કુશ દેસાઈ (19)એ કેટલાક લોકોને દિલ્હી કેપિટલ્સ અને કિંગ્સ ઇલેવન પંજાબની વચ્ચે રમાઈ રહેલી આઈપીએલ મેચને જોવા અને સટ્ટો લગાવવા માટે આમંત્રણ આપ્યું હતું.
પોલીસે કહ્યું કે જ્યારે તેઓ કેફેમાં પહોંચ્યા તો તેઓએ જાણ્યું કે આઈપીએલ મેચને કેફેની પાસે એક એકાંત સ્થળે પ્રોજેક્ટરના માધ્યમથી લાઇવ પ્રસારિત કરવામાં આવી રહી છે અને આરોપી ક્રિકેટ ફાસ્ટ લવ લાઇન, ક્રિકેટ લાઇન ગુરુ અને ક્રિક લાઇન જેવી પ્રતિબંધિત મોબાઇલ એપનો ઉપયોગ કરી સટ્ટો લગાવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, અરોઠેએ જુલાઈ 2018માં વ્યક્તિગત કારણો જણાવી મહિલા ટીમના કોચના પદેથી રાજીનામું આપી દીધું હતું. જ્યારે તે કોચ હતા ત્યારે ભારતીય ટીમનું પ્રદર્શન ખૂબ જ સારું હતું. તેઓએ પોતાના કાર્યકાળમાં ભારતીય મહિલા ટીમને 2017ની આઈસીસી વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આ ઉપરાંત ટીમે 2018માં દક્ષિણ આફ્રિકામાં રમાયેલી ત્રણ વનડે અને પાંચ ટી-20 મેચોની સીરીઝ જીતી ઈતિહાસ રચ્યો હતો.
તેમના કાર્યકાળમાં મલેશિયામાં આયોજિત એશીયા કપ ફાઇનલમાં પણ ભારતની મહિલા ટીમ પહોંચી હતી. ઉલ્લેખનીય છે કે, તુષાર અરોઠે 52 વર્ષના છે અને તેઓએ 1985થી 2003 સુધી 114 ફર્સ્ટ ક્લાસ અને 51 લિસ્ટ એ મેચ રમી છે. પોતાની નાની કારર્કિદીમાં આરોઠેએ 13 સદી અને 11 પાંચ વિકેટ હોલ પોતાના નામે કર્યા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર