ભારતીય ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીના પરિવાર સામે તેની પત્ની હસીન જહાંએ એફઆઈઆર નોંધાવી છે. આ એફઆઈઆરમાં શમીની માતા, બહેન, ભાઈ અને ભાભીના નામ પણ સામેલ છે. શમી પર હત્યાના પ્રયાસ અને ભાઈ પર બળાત્કારનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. શમીની પત્નીનું કહેવું છે કે તેને બળજબરીથી તેના પતિના ભાઈ સાથે સંબંધ બનાવવા માટે મજબૂર કરવામાં આવતી હતી.
હસીન જહાંની ફરિયાદ પ્રમાણે શમી અને તેના પરિવાર વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 498A, 323 (ગંભીર ઈજા), 307 (હત્યાનો પ્રયાસ), 376 (બળાત્કાર) 506, 328, 34 જેવી ગંભીર કલમ લગાવવામાં આવી છે.
નોંધનીય છે કે શમીની પત્ની હસીન જહાંએ શમીની ફેસબુક ચેટના સ્ક્રિન શોટ મીડિયામાં શેર કર્યા હતા. જેના બાદમાં ક્રિકેટર શમીએ એક ભાવુક પોસ્ટ પણ લખી હતી. શમીનું કહેવું હતું કે કોઈ તેના પરિવારને તોડવા માંગે છે.
શું છે આખો કેસ?
ભારતના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીની પત્નીએ તેના પર મારપીટ અને લગ્નેત્તર સંબંધ હોવાના આરોપ લગાવ્યા છે. મંગળવારે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ વાયરલ થઈ હતી. શમીની પત્નીએ મંગળવારે પોતાના ફેસબુક એકાઉન્ટ પર એક પછી એક અનેક પોસ્ટ શેર કરી હતી. જેમાં તેણે પોતાના પતિ પર અન્ય મહિલાઓ સાથે સંબંધ રાખવાનો આરોપ લગાવ્યો હતો. સવારના નવ વાગ્યાથી લઈને 11 વાગ્યા સુધી તેણે આ અંગે 11 પોસ્ટ કરી હતી. જેમાં તેણે શમીના અન્ય મહિલાઓ સાથેની વોટ્સએપ ચેટ જાહેર કરી હતી.
હસીન જહાંએ શું ખુલાસા કર્યા?
હસીન જહાંએ પોતાની પોસ્ટમાં મહિલાઓની તસવીરો અને અશ્લીલ વાતો સામેલ છે. જોકે, આમાંથી કોઈ પણ પોસ્ટમાં શમીના નામની ઓળખ નથી થઈ રહી. પરંતુ એક ચેનલની રિપોર્ટર સાથે હસીન જહાંએ વાત કરતા કહ્યું હતું કે આ ફેસબુક એકાઉન્ટ તેનું જ છે. શમી હાલમાં ધર્મશાળા ખાતે મેચ રમી રહ્યો છે.
પોસ્ટમાં કોના નામનો ઉલ્લેખ?
શમીની પત્નીએ 11 ફેસબુક પોસ્ટમાં નાગપુર અને પાકિસ્તાન સાથે જોડાયેલી મહિલાઓના નામનો ઉલ્લેખ કર્યો છે. એક મહિલા પાકિસ્તાનની કરાચીની રહેવાશી છે. આ પોસ્ટમાં મહિલાઓના નામ પણ આપવામાં આવ્યા છે. બે અન્ય મહિલાઓનો પણ આ પોસ્ટમાં ઉલ્લેખ છે. જેમાંથી એક મહિલા સાથે શમી નજરે પડી રહ્યો છે. આ મહિલા સાંબાની નિવાસી છે.
શમી પર મારપીટનો આરોપ
શમીની પત્ની હસીન જહાંના જણાવ્યા પ્રમાણે તેની પાસે શમી વિરુદ્ધ અનેક પુરાવા છે. તેણે લખ્યું છે કે દક્ષિણ આફ્રિકાથી પરત ફર્યા બાદ તેણે તેની સાથે મારપીટ પણ કરી હતી. તેણે લખ્યું છે કે શમીના અન્ય મહિલાઓ સાથે સંબંધ હોવાના તેની પાસે અનેક પુરાવા પણ છે. તે શમીના અન્ય મહિલાઓ સાથે સંબંધ હોવાની વાત સાબિત કરી શકે છે.
મેચ દરમિયાન યુવતીઓને બોલાવતી હોવાનો આક્ષેપ
હસીને એક ટીવી ચેનલ સાથે વાતચીત કરતા કહ્યું હતું કે, શમીની બીએમડબલ્યૂ કારની સીટ નીચેથી ચાર કોન્ડોમ મળ્યા હતા. તે દુબઇ ગયો હતો ત્યારે પણ તેણે પોતાના રૂમમાં છોકરીઓને બોલાવી હતી. તે મેચ રમવા જાય છે ત્યારે ત્યાં છોકરીઓને બોલાવે છે. તે છોકરીઓને સ્નાન કરતાં કરતાં વીડિયો કોલિંગ કરવાનું કહે છે.
કોણ છે શમી?
શમી ભારતીય ટીમનો ફાસ્ટ બોલર છે. તે મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાશી છે. 2014માં તેના લગ્ન કોલકાતાની રહેવાશી હસીન જહાં સાથે થયા હતા. હસીન એક મોડલ રહી ચુકી છે. પોતાની પત્ની સાથે ફોટો શેર કરીને શમી કટ્ટરવાદીઓના નિશાને પણ આવ્યો હતો. કટ્ટરવાદીઓ તરફથી તેને ધમકીઓ મળી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર