નવી દિલ્હી : પૂર્વ ભારતીય ક્રિકેટર અને વર્લ્ડ કપ વિજેતા ઈરફાન પઠાણ ઘણા સમયથી સોશિયલ મીડિયા પર એક્ટિવ છે. ક્રિકેટ વિશે પોતાનો અભિપ્રાય આપવાની સાથે તે અવારનવાર સોશિયલ મીડિયા પર પોતાની લાઈફસ્ટાઈલના તેમજ ફની વીડિયો શેર કરતો રહેતો હોય છે. ઈરફાન મોટાભાગે ફની વીડિયો દ્વારા તેના ફેન્સનું ખૂબ મનોરંજન કરતો રહેતો હોય છે, પરંતુ આ વખતે ઈરફાને ઈન્સ્ટાગ્રામ પર જે વીડિયો શેર કર્યો છે તેના ખૂબ વખાણ થઈ રહ્યા છે. વાસ્તવમાં, તેના નવા વિડિયોમાં, ઇરફાન પઠાણ તેના પિતાના પગ દબાવતો જોવા મળી રહ્યો છે, જે જોઈને ફેન્સ ઈરફાનના ખૂબજ વખાણ કરી રહ્યાં છે.
ઈરફાન પઠાણે પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં ઈરફાનના પિતા પલંગ પર સૂઈ રહ્યા છે. પૂર્વ ક્રિકેટર એ જ બેડ પર બેઠો છે અને પોતાના હાથ વડે પિતાના પગની માલિશ કરી રહ્યો છે. આ વીડિયોને શેર કરતા ઈરફાન પઠાણે લખ્યું છે કે, માતાના ચરણોમાં જન્નત અને પિતાના ચરણોમાં સ્વર્ગનો દરવાજો.
ઈરફાન પઠાણના આ સુંદર વીડિયોએ ફેન્સનો દિવસ બનાવી દીધો છે. પિતાની સેવા કરવા બદલ ફેન્સ ઈરફાન પઠાણના વખાણ કરી રહ્યા છે. એક પ્રશંસકે લખ્યું, “ઈરફાન ભાઈ, આજે તમે તમારા માતા-પિતાની સેવા કરીને આ સ્થાને પહોંચ્યા છો. અલ્લાહ તમને આવી જ ઉંચાઈઓ પર રાખે. અન્ય એક યુઝરે લખ્યું, "શાબાશ ઈરફાન ભાઈ... જ્યારે તમે દેશ માટે રમતા ત્યારે તમે દિલ જીતી લેતા હતા અને એક સારા પુત્રની જેમ તમારા પિતાની સેવા કરીને દિલ જીતી રહ્યા છો."
તમને જણાવી દઈએ કે ઈરફાન પઠાણની ક્રિકેટની શાનદાર કારકિર્દી રહી હતી, જેની શરખામણી દિગ્ગજો સાથે પણ કરવામાં આવી હતી, પરંતુ તેનો અંત ખરાબ રીતે થયો. પઠાણ 2006માં ટેસ્ટ અને ODI ઓલરાઉન્ડર માટે ICC રેન્કિંગમાં ટોચ પર પહોંચ્યો હતો, ત્યારબાદ તેનું ફોર્મ કથળ્યું હતું અને ખરાબ પ્રદર્શન માટે કથિત રીતે BCCI દ્વારા તેને 2006માં ઘરે મોકલી દેવામાં આવ્યો હતો. એક વર્ષ બાદ તેણે જોરદાર પુનરાગમન કર્યું. જેમાં તે વધઘટના પરિણામો વચ્ચે ભારતીય ટીમમાં પોતાનું સ્થાન જાળવી રાખવામાં સફળ રહ્યો હતો. તેણે પાકિસ્તાન સામેના પ્રથમ વિશ્વ T20માં ભારતની જીત વખતે 'મેન ઓફ ધ મેચ' ટ્રોફી જીતી હતી.
2009માં અને ત્યારપછી તે લાંબા સમય સુધી ઈજાઓથી દૂર રહ્યો હતો. અને તે છેલ્લે 2012માં ભારત માટે રમ્યો હતો. પઠાણે 2020માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું હતું. પઠાણે દેશ માટે 29 ટેસ્ટમાં 1105 રન સાથે 100 વિકેટ લીધી હતી. તેણે 120 વનડેમાં 1544 રન અને 173 વિકેટ લીધી હતી. પઠાણે 24 T20 આંતરરાષ્ટ્રીય મેચમાં 172 રન અને 28 વિકેટ લીધી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર