પ્રો-કબડ્ડી લીગ ટીમ ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટ્સ હાલ પોતાના હોમગ્રાઉન્ડ અમદાવાદમાં રમી રહી છે. ગુજરાતની ટીમ આ સિઝનમાં પણ શાનદાર પ્રદર્શન કરી રહી છે. પોઇન્ટ ટેબલમાં ગુજરાત ઝોન-એ માં 47 પોઇન્ટ સાથે બીજા નંબરે છે. આ સિઝનમાં તેણે 8 મેચમાં વિજય મેળવ્યો છે. 2 ટાઇ પડી છે અને ફક્ત 1 માં જ પરાજય થયો છે. પોતાના હોમગ્રાઉન્ડ અમદાવાદમાં તો વધારે ખીલી ઉઠે છે. હજુ સુધી ટીમ અમદાવાદમાં હારી નથી. ટીમના શાનદાર પ્રદર્શન પાછળ કોનો હાથ છે. ગુજરાતમાં કેવો અનુભવ રહ્યો અને કબડ્ડીમાં ગુજરાતનું ભવિષ્ય કેવું છે તે બધા સવાલો પર ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટ્ના કોચ મનપ્રીત સિંહે Gujarati.News18.com સાથે ખાસ વાતચીત કરી હતી.
સવાલ - ગુજરાતના શાનદાર પ્રદર્શન પાછળ કોનો ફાળો છે?
જવાબ - ગુજરાતના શાનદાર પ્રદર્શન પાછળ ટીમ વર્ક કામ છે. જેમાં ટીમના માલિક, સપોર્ટિંગ સ્ટાફ, ખેલાડીઓ અને ગુજરાતના લોકોનો ફાળો છે. ખેલાડીઓને ટીમના ઓનર સતત પ્રોત્સાહિત કરે છે અને જેથી ખેલાડીઓ પણ નિશ્ચિત બનીને રમે છે. જેનું પરિણામ મેદાનમાં જોવા મળે છે. ટીમના દરેક ખેલાડી પોતાની ક્ષમતા પ્રમાણે પ્રદર્શન કરી રહ્યા છે.
સવાલ - ગુજરાતની ટીમ હોવા છતા ગુજરાતના પ્લેયર્સ કેમ નથી?
જવાબ - ગુજરાતમાં હવે કબડ્ડીની શરુઆત થઈ ગઈ છે. ગ્રાસરુટ પણ ઘણું કામ થઈ રહ્યું છે. રાજ્યની ટોપ સ્કુલોમાં પણ કબડ્ડી રમાઈ રહી છે. અમે ત્રણ મહિના કેમ્પ કર્યો હતો. જેના સારા પરિણામ મળી રહ્યા છે. આવનાર સમયમાં ગુજરાતમાંથી પણ સારા પ્લેયર મળશે તે નક્કી છે. બે-ત્રણ વર્ષમાં ગુજરાતના ઘણા ખેલાડી લીગમાં રમતો જોવા મળશે.
પ્રો-કબડ્ડી લીગ ટીમ ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટ્સ
સવાલ - ટીમનો કેપ્ટન યુવા છે, આ પાછળનું કોઈ કારણ?
જવાબ - ટીમનો કેપ્ટન યુવા ના હોઈ શકે તેવો કોઈ નિયમ નથી.જેનામાં ક્ષમતા અને કાબેલિયત હોય તે કેપ્ટન બને છે. ફક્ત કેપ્ટન જ નહીં. ટીમના બધા જ ખેલાડી સારા છે.
સવાલ - ગુજરાત વિશે તમારો શું મત છે. અહીંના વ્યંજનો તમને ભાવે છે?
જવાબ - મારો જન્મ ભલે પંજાબમાં થયો હોચ પણ મારી કર્મભુમિ ગુજરાત જ છે. હું છેલ્લા પંદર વર્ષથી ગુજરાત સાથે જોડાયેલ છે. એમ કહી શકાય કે હું ગુજરાતનું ઘી-દુધ પીને કબડ્ડી પ્લેયર બન્યો છું. અહીંના લોકો ઘણા પ્રેમાળ અની મીઠા હોય છે. ગુજરાત તો ભારતનું દિલ છે. રાજ્ય ઘણું સમુદ્ધ છે. અહીંના ખાખરા, ઢોકળા ઘણા ભાવે છે.
પ્રો-કબડ્ડી લીગ ટીમ ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટ્સ હાલ પોતાના હોમગ્રાઉન્ડ અમદાવાદમાં રમી રહી છે
સવાલ - આ સિઝનમાં કઈ ટીમ ચેમ્પિયન બનવા ફેવરિટ છે?
જવાબ - આ સિઝનમાં એકમાત્ર ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટ્સ જ છે, જે ચેમ્પિયન બનવા ફેવરિટ છે. ગુજરાતની ટીમને હરાવી શકે તો તે માત્ર ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટ્સ ટીમ જ હરાવી શકે છે.
સવાલ - ટીમને ગુજરાતમાં કેવો સપોર્ટ મળી રહ્યો છે?
જવાબ - ગુજરાતના લોકો ટીમને ઘણો સપોર્ટ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા ઉપર પણ તે જોવા મળે છે. અમદાવાદમાં આવીએ ત્યારે મેદાનમાં એક સીટ પણ ખાલી હોતી નથી. ગુજરાતના લોકો ટીમને ઘણો સપોર્ટ કરી રહ્યા છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર