વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડ સામે સુપર ઓવરમાં જીત મેળવનાર ઇંગ્લેન્ડના કેપ્ટન ઇયોન મોર્ગને મોટુ નિવેદન આપ્યું છે. મોર્ગનની કેપ્ટનશિપમાં ઇંગ્લેન્ડે પોતાનો વર્લ્ડ કપ જીતી લીધો છે પણ તેની આ જીત વિવાદ સાથે જોડાયેલી રહી છે. કારણ કે ફાઇનલમાં સ્ટોક્સના બેટને અડીને મળેલ ઓવરથ્રોના રનના કારણે ન્યૂઝીલેન્ડનો પરાજય થયો હતો. જ્યારે નિયમ પ્રમાણે ઇંગ્લેન્ડને 6 રનના બદલે 5 રન મળવા જોઈતા હતા. આ પછી સુપર ઓવરમાં પણ સ્કોર બરાબર રહેતા બાઉન્ડ્રીના આધારે ઇંગ્લેન્ડને વિજેતા જાહેર કરવામાં આવ્યું હતું.
વર્લ્ડ કપના વિજેતા કેપ્ટન ઇયોન મોર્ગને આ મામટે નિવેદન આપ્યું છે. મોર્ગને કહ્યું છે કે મને નથી લાગતું કે આ ફાઇનલ મેચનું પરિણામ આ રીતે કાઢવું યોગ્ય છે. ખાસ કરીને ત્યારે જ્યારે બંને ટીમો વચ્ચે જીતનું અંતર નજીકનું હોય. મોર્ગને એમ પણ કહ્યું હતું કે મને નથી લાગતું કે મેચમાં કોઈ એવી સ્થિતિ હતી જે જોઈને તમે કહી શકો કે મેચ ગુમાવી દીધી છે. આ મેચ આટલી બેલેન્સ હતી.
મોર્ગન પોતાના સ્પષ્ટ વિચારો માટે ઓળખાય છે. મોર્ગને કહ્યું હતું કે હું જાણું છું કે હું ત્યાં હાજર હતો અને આ બધું બન્યું હતું. મને નથી લાગતું કે જીતે આ બાબતને આસાન કરી દીધી છે. મેચમાં એક ક્ષણ પણ એવી આવી નથી જેના પછી તમે કહી શકો કે અમે આ ડિઝર્વ કરતા હતા. આ ઘણો નજીકનો મામલો હતો.
મોર્ગનના મતે ફાઇનલમાં ઘણી વખત મેચ ઇંગ્લેન્ડ કે ન્યૂઝીલેન્ડના પક્ષમાં ગઈ હતી. મેં કેટલાક દિવસોમાં વિલિયમ્સન સાથે ઘણી વખત વાત કરી હતી. અમારા બનેનો સંબંધ એવો નથી કે અમારે એકબીજાને સફાઇ આપવાની જરુર પડે. જોકે મોર્ગને એ વાતથી સહમતિ બતાવી હતી કે વર્લ્ડ કપની ફાઇનલ ક્રિકેટની સૌથી શાનદાર મેચ હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર