ન્યૂઝ18 ગુજરાતી : ઈંગ્લેન્ડે ખૂબ રોમાંચક મુકાબલામાં ન્યૂઝીલેન્ડને પાછળ છોડી પહેલીવાર આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2019 જીત્યો છે. સુપર ઓવર સુધી ચાલેલા મુકાબલમાં પણ બંને ટીમો બરાબર રહી પરંતુ ઈંગ્લેન્ડે સુપર ઓવરમાં વધુ ફોર-સિક્સર મારી અને એવામાં નિર્ણય તેમના પક્ષમાં ગયો. આ પહેલા ન્યૂઝીલેન્ડે પહેલા બેટિંગ કરતાં 241 રનનો સ્કોર ઊભો કર્યો. તેના જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ પરિશ્રમ કરીને લક્ષ્ય સુધી પહોંચી ગઈ. બેન સ્ટોક્સ (84)એ એક છેડો સાચવી રાખ્યો અને છેલ્લા બોલે મેચ ટાઈ થઈ. ત્યારબાદ મેચ સુપર ઓવરમાં ગઈ જ્યાં ઈંગ્લેન્ડે પહેલા રમતાં 15 રન કર્યા. મજેદાર વાત એ રહી કે ન્યૂઝીલેન્ડની ટીમે પણ આ જ સ્કોર કર્યો. પરંતુ વધુ ફોર-સિક્સર મારવાના કારણે ઈંગ્લેન્ડનો પક્ષ ભારે રહ્યો અને તે પહેલીવાર ક્રિકેટ ચેમ્પિયન બની ગયું.
શ્વાસ થંભાવનારી ફાઇનલ ઓવરમાં શું થયું?
50મી ઓવર (ટ્રેન્ટ બોલ્ટની બોલિંગ અને બેટિંગ માટે બેન સ્ટોક્સ અને આદિસ રશીદ ક્રીઝ પર)
પહેલો બોલ- ટ્રેન્ટ બોલ્ટે પહેલો બોલે કોઈ રન ન આપ્યા. ઓફસાઇડની બહાર યોર્કર બોલ જેને બેન સ્ટોક્સે એકસ્ટ્રા કવરની તરફ ધકેલ્યો. કેન વિલિયમસને તેને રોક્યો. ઈંગ્લેન્ડને કોઈ રન નહીં.
બીજો બોલ- ફરી એકવાર બોલ્ટે બોલને ઓફમાં ફુલ લેન્થ પર નાખ્યો જોકે બોલ યોર્કર ન રહ્યો. સ્ટોક્સે ફટકો માર્યો પરંતુ બોલ ફરીથી એકસ્ટ્રા કવર પર કેન વિલિયમસનની પાસે ગયો. કોઈ રન ન થયો.
ત્રીજો બોલ- સિક્સર. બોલ્ટે આ વખતે યોર્કરના સ્થાને ધીમો બોલ નાખ્યો. બોલ ઓફસાઇડમાં ફુલ લેન્થ પર હતો જેને સ્ટોક્સે એક ઘૂંટણે બેસી સ્લોગ સ્વીપ દ્વારા મિડવિકેટની ઉપરથી દર્શકોની વચ્ચે મોકલી દીધો. 6 રન. લોર્ડ્સમાં જોરદાર ઘોંઘાટ.
ઈંગ્લેન્ડ માટે બેન સ્ટોક્સ જીતનો નાયક રહ્યો. (AP Photo)
ચોથો બોલ- બોલ્ટનો બોલ આ વખતે મિડલ સ્ટમ્પ પર ફુલટોસ રહ્યો. સ્ટોક્સે ડીપ મિડવિકેટની તરફ ઘુમાવી દીધો. માર્ટિન ગપ્ટિલે ઝડપથી દોડી અને બોલ ફેંક્યો. પરંતુ સ્ટ્રાઇકર એન્ડ પર બોલ સ્ટોક્સના બેટને ભટકાઈ બાઉન્ડ્રીની બહાર જતો રહ્યો. કિસ્મતની ઈંગ્લેન્ડની સાથે. ઈંગ્લેન્ડને 6 રન મળ્યા.
પાંચમો બોલ- ઈંગ્લેન્ડને બે બોલમાં ત્રણ રનની જરુર. બોલ્ટે મિડલ સ્ટમ્પ પર યોર્કર નાખ્યો. સ્ટોક્સે લેગ સાઇડમાં ખસીને બોલને લોન્ગ ઓફ તરફ ધકેલ્યો. મિચેલ સેંટનરે ઝડપથી બોલ રોક્યો અને તેને નોન સ્ટ્રાઇક પર થ્રો કરી દીધો. બોલ્ટે આરામથી સ્ટમ્પ ઉખાડી દીધી. આદિલ રશીદ ક્રીઝમાં ન પહોંચી શક્યો. તે દોડતો બહાર નીકળી ગયો. ઈંગ્લેન્ડને હજુ પણ બે રનની જરુર અને તેની પાસે એક વિકેટ બચી છે. સારી વાત એ છે કે બેન સ્ટોક્સ ક્રીઝ પર હાજર.
છઠ્ઠો બોલ- ઈંગ્લેન્ડને જીત માટે એક બોલમાં બે રનની જરૂર. બોલ્ટનો બોલ મિડલ સ્ટમ્પ પર ફુલ ટોસ રહ્યો. સ્ટોક્સે તેને લોન્ગ ઓન તરફ ધકેલ્યો. એક રન ઝડપથી પુરો અને બીજા રનનો પ્રયાસ. પરંતુ જેમ્સ નીશમે ઝડપથી બોલ થ્રો કર્યો અને નોન સ્ટ્રાઇક પર બોલને ફેંકયો. બોલ્ટે તેને પકડ્યો અને સ્ટમ્પ ઉખેડી દીધી. માર્ક વુડ દૂર રહી ગયો. મેચ ટાઈ. બંને ટીમોનો સ્કોર નિર્ધારિત 50 ઓવરમાં 241 રન.