Home /News /sport /ઈંગ્લેન્ડમાં કોણ હશે રોહિતનો સાથીદાર? અંગ્રેજોની આગઝરતી બોલિંગ સામે અગ્નિપરીક્ષા

ઈંગ્લેન્ડમાં કોણ હશે રોહિતનો સાથીદાર? અંગ્રેજોની આગઝરતી બોલિંગ સામે અગ્નિપરીક્ષા

તસવીર સાભાર: એપી

શુભમન ગિલ ઈજાગ્રસ્ત થતાં ટીમ ઈન્ડિયાને ઓપનિંગ બેટ્સમેન શોધવામાં થઈ રહી છે પરેશાની, આ ખેલાડીને મળી શકે છે જવાબદારી

શૈલેષ મકવાણા, અમદાવાદ. ટેસ્ટ ક્રિકેટમાં ઓપનર તરીકે ફિટ અને હિટ જઈ રહેલો ઈજાગ્રસ્ત શુભમન ગિલ (Shubman Gill) ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ (India Vs England Test Series) નહીં રમી શકે. ન્યૂઝીલેન્ડ (New Zealand) સામેની વર્લ્ડ ટેસ્ટ સિરીઝની ફાઈનલ (WTC Final 2021)માં શુભમન ગિલે રોહિત શર્મા (Rohit Sharma) સાથે ટીમ ઈન્ડિયા (Team India)ને મજબૂત ઓપનિંગ શરૂઆત અપાવી હતી. પરંતુ ગીલને ઈજા થતા તે હવે ઈંગ્લેન્ડ સામેની સિરીઝ ગુમાવશે.

ગીલની ગેરહાજરીમાં રોહિત શર્માનો ઓપનિંગ પાર્ટનર કોણ હશે એ ચર્ચાનો વિષય છે. કેમ કે અગાઉ ગીલના ઓપ્શન તરીકે પૃથ્વી શૉ ટેસ્ટ ટીમનો ભાગ હતો. પરંતુ શ્રીલંકા પ્રવાસે ગયેલી ભારતની વન-ડે ટીમમાં પૃથ્વી શૉનો સમાવેશ કરાયો છે. જો ગિલના સ્થાને ઓપનર તરીકે પૃથ્વી શૉની પસંદગી થાય તો શ્રીલંકામાં વન-ડે સિરીઝ છોડીને ઈંગ્લેન્ડમાં ટેસ્ટ ક્રિકેટ રમવાનો અનુભવ મળી શકે. એક ચર્ચા એવી પણ છે કે આઈપીએલમાં શાનદાર દેખાવ કરનારા RCBના ઓપનર દેવદત્ત પડિક્કલને પણ ઈંગ્લેન્ડની ટિકિટ મળી શકે છે.

આ પણ વાંચો, ઊંઘમાં પણ PUBG વિશે બબડતો રહે છે ધોની, પત્ની સાક્ષીએ કર્યો મોટો ખુલાસો

શુભમન ગિલની ઈજા બાદ ઓપનર તરીકે મયંક અગ્રવાલ, કે.એલ. રાહુલ અને અભિમન્યુ ઈશ્વરનનું નામ પણ સામે આવી રહ્યું છે. જોકે ટીમ ઈન્ડિયાના પૂર્વ ઓપનર બેટ્સમેન વસીમ જાફરે જણાવ્યું કે, ગિલના સ્થાને ટેસ્ટ ક્રિકેટમાં મયંક અગ્રવાલને ટેસ્ટમાં રમવાની તક આપવી જોઈએ. હાલમાં જ રમાયેલી ન્યૂઝીલેન્ડ સામેની વર્લ્ડ ટેસ્ટ સિરીઝની ફાઈનલમાં જોવા મળ્યું કે પેસ બોલિંગ સામે ભારતીય બેટ્સમેનો મુશ્કેલી અનુભવતા હતા.

હવે જ્યારે મુકાબલો ઈંગ્લેન્ડ સામે છે ત્યારે અંગ્રેજોના આગઝરતા બોલિંગ આક્રમણ સામે રોહિત શર્માનો જે કોઈ પણ પાર્ટનર હશે એના માટે કસોટી અગ્નિપરીક્ષાથી ઓછી નહીં હોય. ઈંગ્લેન્ડ પાસે સૌથી અનુભવી બોલર જેમ્સ એન્ડરસન છે એન્ડરસને હાલમાં જ ફર્સ્ટક્લાસ ક્રિકેટમાં એક હજાર વિકેટની સિદ્ધિ પ્રાપ્ત કરી છે. લગભગ 39 વર્ષની ઉંમરે પણ એન્ડરસન ઘાતક બોલિંગ કરી રહ્યો છે. માત્ર એન્ડરસન જ નહીં સ્ટૂઅર્ટ બ્રોડ, માર્ક વુડ અને જોફ્રા આર્ચર પણ કોહલી એન્ડ કંપનીની કસોટી કરશે.

આ પણ વાંચો, IPLના મેગા ઓક્શનની તારીખ નક્કી, 2 નવી ટીમોના 50 ખેલાડીઓને ટી20 લીગમાં રમવાની તક મળશે

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં હાર મળ્યા બાદ ભારતની ટેસ્ટ ટીમ ઈંગ્લેન્ડમાં જ રોકાઈ છે. નોટિંગહામમાં ચોથી ઓગસ્ટથી પાંચ ટેસ્ટ મેચની સિરીઝની પ્રથમ ટેસ્ટ મેચ શરૂ થશે. સિરીઝ પહેલા જ ગિલ ઇજાગ્રસ્ત થતા ઓપનિંગની સમસ્યા આવી પડી છે. સાથોસાથ કેપ્ટન કોહલી સહિત મિડલ ઓર્ડરના બેટ્સમેનોના દેખાવની પણ ચિંતા છે. ટેસ્ટ ટીમના કરોડરજ્જૂ સમાન ચેતેશ્વર પુજારાનું બેટ છેલ્લાં ઘણા સમયથી ખામોશ છે. જો ઓપનર નિષ્ફળ જાય તો પુજારાનું આઉટ ઓફ ફોર્મ હોવું ટીમના બેલેન્સને બગાડી શકે છે.
" isDesktop="true" id="1111599" >

ફાઈનલ બાદ કોહલીએ પણ પુજારાની ધીમી બેટિંગ અંગે ટીપ્પણી કરી હતી. વિકેટકીપર ઋષભ પંત માટે ઈંગ્લેન્ડ સામેની સિરીઝ ખુબ જ મહત્વની છે. કેમ કે લોઅર ઓર્ડરમાં પંત પોતાના અલગ અંદાજમાં આક્રમક બેટિંગ કરીને ટીમને લીડ અપાવવાની ક્ષમતા રાખે છે. ફાઈનલમાં નિષ્ફળતા બાદ ટીકાકારોને બેટથી જવાબ આપવાની પંત પાસે સુવર્ણ તક છે. પરંતુ એ પહેલા ટીમ ઈન્ડિયાએ ઓપનિંગની ખાલી પડેલી જગ્યા અંગે કોઇ મજબૂત વિકલ્પ શોધવો પડશે.
First published:

Tags: India vs england, Shubman Gill, Team india, ક્રિકેટ, બીસીસીઆઇ, રોહિત શર્મા, સ્પોર્ટસ