Home /News /sport /T20 World Cup 2021: T20 વર્લ્ડ કપમાં આ 10 યુવા ખેલાડીઓ મચાવશે ધમાલ

T20 World Cup 2021: T20 વર્લ્ડ કપમાં આ 10 યુવા ખેલાડીઓ મચાવશે ધમાલ

ટી20 વર્લ્ડકપ 2021

T20 વર્લ્ડ કપનું આયોજન આ વર્ષે સંયુક્ત આરબ અમીરાત(UAE)માં 17 ઓક્ટોબરથી થવા જઇ રહ્યું છે. આ પહેલા આ ટૂર્નામેન્ટનું આયોજન વર્ષ 2016માં ભારતમાં થયું હતું.

T20 વર્લ્ડ કપનું આયોજન આ વર્ષે સંયુક્ત આરબ અમીરાત(UAE)માં 17 ઓક્ટોબરથી થવા જઇ રહ્યું છે. આ પહેલા આ ટૂર્નામેન્ટનું આયોજન વર્ષ 2016માં ભારતમાં થયું હતું. જેમાં વેસ્ટઇન્ડિઝની ટીમ બીજી વખત ચેમ્પિયન બની હતી. છેલ્લા 5 વર્ષમાં ટી20 ક્રિકેટમાં ઘણા શાનદાર બેટ્સમેન અને બોલર્સ સામે આવ્યા છે, જે પહેલી વખત વિશ્વ કપમાં રમશે.

ભલે ટી20 વર્લ્ડ કપનું આયોજન 5 વર્ષ બાદ થઇ રહ્યુ હોય, પરંતુ આ વચ્ચે વિશ્વભરના દેશોમાં ટી20 લીગનું આયોજન થતું રહ્યું છે. આઇપીએલ, બિગ બેશ લીગ, સીપીએલ, પીસીએલ અને ધ હંડ્રેડ જેવા ટી20 લીગથી ઘણા ક્રિકેટર્સ સામે આવ્યા છે, જેમણે પોતાની રાષ્ટ્રીય ટીમોમાં પણ સ્થાન મેળવ્યું છે. તો આવો જાણીએ ક્યા ક્રિકેટર્સ ટી20 વર્લ્ડ કપમાં ધમાલ મચાવી શકે છે.

ઋષભ પંત

ભારતીય વિકેટકિપર બેટ્સમેન ઋષભ પંતે વર્ષ 2018માં ભારતીય ટીમ માટે ડેબ્યુ કર્યુ હતું. હવે પંત ત્રણેય ફોર્મેટમાં ટીમ ઇન્ડિયાના સ્થાયી સભ્ય બની ચૂક્યા છે. આઇપીએલમાં આ બેટ્સમેન છેલ્લા 4 વર્ષથી શાનદાર રીતે રમી રહ્યો છે. પંતે આઇપીએલમાં એક સદી અને 14 અડધી સદી દ્વારા 2292 રન બનાવ્યા છે. તેમનો સ્ટ્રાઇક રેટ પણ 150 છે. તો 32 ટી20 ઇન્ટરનેશનલમાં આ બેટ્સમેને બે અડધી સદીઓ દ્વારા 512 રન બનાવ્યા છે.

નિકોલસ પૂરન

વેસ્ટ ઇન્ડિઝના વિકેટકિપર બેટ્સમેન નિકોલસ પૂરન ટી20 ક્રિકેટમાં 3400 રન બનાવી ચૂક્યા છે. આઇપીએલમાં આ 25 વર્ષીય બેટ્સમેન પંજાબ કિંગ્સ તરફથી રમે છે. પૂરને 28 આઇપીએલ મેચોમાં લગભગ 158 સ્ટ્રાઇક રેટથી 549 રન બનાવ્યા છે. જ્યારે 41 ટી20 ઇન્ટરનેશનલ મેચોમાં તેમના નામે 635 રન છે.

સૂર્યકુમાર યાદવ

ભારતીય બેટ્સમેન સૂર્યકુમાર યાદવે આ વર્ષે ભારત માટે ડેબ્યુ કર્યુ હતું. માનવામાં આવી રહ્યું છે કે, આ બેટ્સમેન ટી20 વર્લ્ડ કપમાં ત્રીજા નંબર પર બેટિંગ કરશે. સૂર્યાએ માત્ર 4 ટી20 ઇન્ટરનેશનલમાં લગભગ 170ની સ્ટ્રાઇકથી 139 રન કર્યા છે. આટલા નાના કરિયરમાં તેણે બે અડધી સદી પણ ફટકારી છે. આઇપીએલની 108 મેચમાં તેમની નામે 2197 રન છે.

રાશિદ ખાન

અફઘાનિસ્તાનના રાશિદ ખાન આ સમયે ટી20 ક્રિકેટના સૌથી ખતરનાક બોલર છે. તેમણે 51 ટી20 ઇન્ટરનેશનલ મેચોમાં 95 વિકેટ લીધી છે. તેમનો ઇકોનોમી રેટ માત્ર 6.22નો છે. આઇપીએલમાં સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી રમનાર આ 22 વર્ષીય બોલરે 69 મેચોમાં 85 વિકેટ પોતાના નામે કરી છે.

લિયામ લિવિગસ્ટોન

ઇંગ્લેન્ડના બેટ્સમેન લિયામ લિવિંગસ્ટોન દમદાર ફોર્મમાં ચાલી રહ્યા છે. હાલમાં જ પૂરા થયેલા ધ હંડ્રેડમાં આ બેટ્સમેને સૌથી વધુ 342 રન કર્યા છે. 28 વર્ષીય આ બેટ્સમેને 149 ટી20 મેચોમાં બે સદી અને 23 અડધી સદીઓ દ્વારા 3950 રન કર્યા છે. તેનો સ્ટ્રાઇક રેટ પણ 145 રહ્યો છે.

જોશ

વિકેટકિપર બેટ્સમેન જોશ ઇંગ્લિશ ઓસ્ટ્રેલિયાના ટી20 વિશ્વ કપમાં સામેલ એકમાત્ર અનકેપ્ડ ખેલાડી છે. તેમણે 63 ટી20માં 1645 રન બનાવ્યા છે. આ બેટ્સમેને 2 સદીઓ પણ ફટકારી છે.

મોહમ્મદ રિઝવાન

પાકિસ્તાનના મોહમ્મદ રિઝવાન આ વર્ષે ટી20 ક્રિકેટમાં દમદાર ફોર્મમાં ચાલી રહ્યા છે. 29 વર્ષીય આ વિકેટકીપર બેટ્સમેને વર્ષ 2021માં 17 ટી20 મેચોમાં 752 રન બનાવ્યા છે. તેમણે એક સદી અને સાત અડધી સદીઓ ફટકારી છે.

વાનિંદુ હસરંગા

શ્રીલંકાના 24 વર્ષીય લેગ સ્પિનર વાનિંદુ હસરંગાની બોલિંગ તૂફાની છે. આ બોલરે 20 ટી20 ઇન્ટરનેશનલ મેચોમાં 33 વિકેટ લીધી છે. ખાસ વાત એછે કે તેમનો ઇકોનોમી રેટ માત્ર 6.56 ટકા છે. હાલમાં જ ભારતની સામે શાનદાર પ્રદર્શન કરતા તેમને આઇપીએલમાં વિરાટ કોહલીની ટીમ આરસીબી સાથે જોડવામાં આવ્યો છે. ભારત સામે ટી20 સીરિઝમાં મેન ઓફ ધ સીરિઝ પણ રહી ચૂક્યો છે.

ડેવોન કોનવે

ન્યૂઝીલેન્ડના બેટ્સમેન ડેવોન કોનવેએ ગત વર્ષે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યુ હતું અને ત્યાર બાદથી જ તે ફોર્મમાં છે. કોનવેએ પોતાના નાના કરિયરમાં ટી20માં 14 મેચોમાં 60ની સરેરાશ સાથે 473 રન કર્યા છે. તેમણે ચાર અડધી સદીઓ લગાવી છે અને તેમનો હાઇ સ્કોર 99 છે.

એનરિચ નોર્ખિયા

દક્ષિણ આફ્રિકાના ઝડપી બોલર એનરિચ નોર્ખિયા યૂએઇની પિચ પર ઘાતક બોલર સાબિત થઇ શકે છે. ગત વર્ષે આઇપીએલ યૂએઇમાં યોજાયો હતો અને દિલ્હી ડેયરડેવિલ્સ તરફથી આ બોલરે 16 મેચોમાં 22 વિકેટ લીધી હતી. તેણે 50 ટી20 મેચોમાં અત્યાર સુધીમાં 60 વિકેટ ઝડપી છે.
First published:

Tags: T20 World Cup 2021, T20 World Cup news