ન્યૂઝ18 ગુજરાતી : છેવટે વર્લ્ડ કપનો એ પડાવ પણ આવી ગયો જેની ઘણી લાંબા સમયથી ક્રિકેટપ્રેમીઓ રાહ જોઈ રહ્યા હતા. નોકઆઉટ રાઉન્ડનો પહેલો મુકાબલો મંગળવારે થવા જઈ રહ્યો છે અને પહેલી સેમીફાઇનલમાં ભારત અને ન્યૂઝીલેન્ડની ટીમ સામ-સામે હશે. દુનિયાભરની નજરો આ મુકાબલા પર ટકેલી છે, કારણે આજે એક ફાઇનલિસ્ટ ટીમ નક્કી થઈ જશે. સાથોસાથ આ વર્લ્ડ કપમાં બંને ટીમો પહેલીવાર સામ-સામે થશે.
ગ્રુપ સ્ટેજમાં બંને ટીમોની મેચ વરસાદના કારણે ધોવાઈ ગઈ હતી. પરંતુ ફરી એકવાાર વરસાદ તેમની મેચમાં વિલન બની શકે છે. જો આ વખતે વરસાદ વિલન બને તો ફાયદો ભારતને જ થવાનો છે, પરંતુ નુકસાન દર્શકોને થશે. તેઓ ફરી એકવાર ટાઇટલના પ્રબળ દાવેદાર મનાતી ટીમોની વચ્ચે થનારા રોમાંચક મુકાબલો જોવાનું ચૂકી જશે.
અટકી-અટકીને પડશે વરસાદ!
બ્રિટિશ મેટ ડિપાર્ટમેન્ટ અનુસાર મેનચેસ્ટરમાં આજે રમાનારા મુકાબલા પર વરસાદનો ખતરો ઊભો થયો છે. દિવસભર વાદળ ઘેરાયેલા રહેશે અને અટકી-અટકીને વરસાદ પડવાની શક્યતા છે.
Dark grey clouds seen in the sky of Manchester, England where India will take on New Zealand in the first semi-final of #CWC19 , at Old Trafford today. #INDvNZpic.twitter.com/aPuSZbT3ih
હવામાન વિભાગ મુજબ, મેનચેસ્ટરમાં સવારે 10 વાગ્યાની આસપાસ 50 ટકા વરસાદ પડવાની શક્યતા છે જ્યારે ભારત અને ન્યૂઝીલેન્ડની વચ્ચે મેચ સવારે 10.30 વાગ્યે શરૂ થશે. તેનો અર્થ છે કે મુકાબલો શરૂ થવામાં મોડું થઈ શકે છે. જોકે, બપોરે 1 વાગ્યા બાદ આકાશ ચોખ્ખું રહેવાની પણ આગાહી છે. મેનચેસ્ટરનું આજે તાપમાન મહત્તમ 20 ડિગ્રી સુધી રહેવાની શક્યતા છે.
રિઝર્વ ડેના દિવસે વધુ વરસાદ
જો મંગળવારે વરસાદના કારણે મેચ રદ થાય છે તો બુધવારનો દિવસ રિઝર્વ રાખવામાં આવ્યો છે. પરંતુ આ બંને દેશો માટે ખરાબ સમાચાર એ છે કે રિઝર્વ ડે એટલે કે બુધવારે આજની તુલનામાં વધુ વરસાદ પડવાની આગાહી છે.