Home /News /sport /ભારતીય ટીમની જીતથી કોચને ગર્વ, કહ્યું - વર્લ્ડ કપની જીત દર્શાવે છે કે ભારતમાં ટેલેન્ટની કોઈ કમી નથી

ભારતીય ટીમની જીતથી કોચને ગર્વ, કહ્યું - વર્લ્ડ કપની જીત દર્શાવે છે કે ભારતમાં ટેલેન્ટની કોઈ કમી નથી

ફાઇલ તસવીર

ભારતની અંડર-19 મહિલા ક્રિકેટ ટીમે તેની પ્રથમ ICC ટ્રોફી જીત્યા બાદ, મુખ્ય કોચ નુશીન અલ ખાદીરે કહ્યું કે દેશ લાંબા સમયથી આ ક્ષણની રાહ જોઈ રહ્યો હતો. તેમણે કહ્યું કે આ જીત દર્શાવે છે કે ભારતમાં પ્રતિભાની કોઈ કમી નથી.

નવી દિલ્હીઃ ભારતની અંડર-19 મહિલા ક્રિકેટ ટીમે તેની પ્રથમ ICC ટ્રોફી જીત્યા બાદ મુખ્ય કોચ નૂશિન અલ ખાદીરે રવિવારે કહ્યું હતું કે, ‘દેશ લાંબા સમયથી આ ક્ષણની રાહ જોઈ રહ્યો હતો.’ તેમણે કહ્યું હતું કે, ‘આ જીત દર્શાવે છે કે ભારતમાં પ્રતિભાની કોઈ કમી નથી. ભારતીય મહિલા ટીમે રવિવારે અંડર-19 T20 વર્લ્ડ કપની ફાઇનલમાં ઇંગ્લેન્ડને સાત વિકેટે હરાવીને પ્રથમ વખત ICC ટ્રોફી જીતી હતી.’ નુશિને મેચ બાદ કહ્યું હતું કે, ‘આ એક શાનદાર લાગણી છે. આ તે અનુભૂતિ છે જેની આપણે ઘણાં સમયથી રાહ જોઈ રહ્યા હતા. આ પ્રથમ વખત છે જ્યારે અમે (વર્લ્ડ) કપ જીત્યો છે અને તે U-19 બાળકો સાથે આવ્યો છે. તે દર્શાવે છે કે પ્રતિભાના સંદર્ભમાં આપણી પાસે કેવું ઊંડાણ છે અને આપણું ભવિષ્ય કેવું હશે.’

આ વર્લ્ડ કપમાં ભારતને પોતાના અભિયાન દરમિયાન માત્ર એક મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ટીમને 'સુપર સિક્સ' તબક્કામાં ઓસ્ટ્રેલિયાએ સાત વિકેટે હરાવ્યું હતું. નુશિને કહ્યું હતું કે, ‘આ ટીમમાં સૌથી મહત્વની બાબત એ છે કે તેમાં કોઈનો વિશ્વાસ ડગમગતો નથી. હું જાણતી હતી કે, તેમણે ઓસ્ટ્રેલિયા સામે ખરાબ પ્રદર્શન કર્યું હતું. જો કે, તે પછી ટીમ જે રીતે એકસાથે રમી હતી તે શાનદાર હતું. અમે આ રીતે વસ્તુઓને ખૂબ જ સરળ રાખવાનો પ્રયાસ કર્યો. અમને એવી લાગણી હતી કે અમે આ અમારી રીતે હાંસલ કરીશું.’

આ પણ વાંચોઃ ભારતે ઘાતક બોલિંગ કરી ન્યૂઝિલેન્ડને હરાવ્યું

તેમણે કહ્યું હતું કે, ‘રાષ્ટ્રગીતથી લઈને ચેમ્પિયન બનવા સુધી અમને ગુસબમ્પ્સ હતા. હું અંગત રીતે અનુભવું છું અને સમજું છું કે તે અમારા માટે કેટલું ખાસ છે.’ ભારતીય કેપ્ટન શેફાલી વર્માએ ટીમને ટેકો આપવા બદલ સપોર્ટ સ્ટાફની પ્રશંસા કરી. તેમણે એવોર્ડ સેરમની વખતે કહ્યું હતું કે, ‘છોકરીઓએ (ખેલાડીઓ) જે રીતે પ્રદર્શન કર્યું અને એકબીજાને ટેકો આપ્યો તેનાથી હું ખુશ છું. તે એક અવિશ્વસનીય લાગણી છે. સહાયક ટીમના સભ્યોનો આભાર. જે રીતે તેઓ દરરોજ અમને ટેકો આપી રહ્યા છે અને અમને કહી રહ્યા છે કે, અમે અહીં કપ માટે આવ્યા છીએ. તેમના કારણે અમે અહીં છીએ.’


ભારતીય સુકાનીએ કહ્યું હતું કે, ‘મને ખેલાડીઓ તરફથી ખૂબ સારો સપોર્ટ મળ્યો. મને આ શાનદાર ટીમની જવાબદારી સોંપવા બદલ હું BCCIનો આભાર માનું છું. આ ખિતાબ જીતીને હું ખૂબ જ ખુશ છું.’ શેફાલી આ ટુર્નામેન્ટમાં વધારે રન ન મેળવી શકી પરંતુ તેની ઓપનિંગ પાર્ટનર શ્વેતા સેહરાવત 99ની એવરેજથી 297 રન સાથે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી તરીકે ઉભરી આવી હતી. શેફાલીએ કહ્યું હતું કે, ‘તે (શ્વેતા સેહરાવત) શાનદાર રહી છે અને તેણે ટીમની તમામ યોજનાઓનું પાલન કર્યું છે. માત્ર તે જ નહીં, અર્ચના, સૌમ્યા અને બધાએ અદ્ભુત રમત બતાવી.’

ટીમની અન્ય એક સિનિયર ખેલાડી રિચા ઘોષે કહ્યું કે, ‘આ જીત સિનિયર ટીમને આવતા મહિને યોજાનાર ટી20 વર્લ્ડ કપમાં ટાઈટલ જીતવા માટે પ્રોત્સાહિત કરશે. તે એક અદ્ભુત લાગણી છે. હું ઘણા વર્ષોથી આ ક્ષણની રાહ જોઈ રહી હતી. તમામ ખેલાડીઓમાં સારી સકારાત્મક ઉર્જા છે. મને તેમની સાથે રહેવાનો ખરેખર આનંદ આવ્યો. જો અમે સિનિયર ટીમ સાથે પણ વર્લ્ડ કપ જીતીશું તો તે ખૂબ જ સારું રહેશે.’ મેચમાં ચાર ઓવરમાં છ રન આપીને બે વિકેટ લેવા બદલ પ્લેયર ઑફ ધ મેચ જાહેર થયેલા ફાસ્ટ બોલર તિતાસ સાધુએ કહ્યું હતું કે, ‘આ એક અદ્ભુત લાગણી છે. ઘણાં સમયથી આ દિવસની રાહ જોઈ રહ્યા હતા. અમારે મનમાં એક યોજના હતી અને સદભાગ્યે અમે જે આયોજન કર્યું હતું તે અમે અમલમાં મૂક્યું. સ્પિનરોએ ખરેખર સારો બેકઅપ લીધો હતો.’
First published:

Tags: Cricket News Gujarati, ICC Cricket World Cup

विज्ञापन