Home /News /sport /Ind vs Eng 2nd Test Highlights: લોર્ડ્સમાં દાદાની હાજરીમાં ટીમ કોહલીની 'દાદા'ગીરી

Ind vs Eng 2nd Test Highlights: લોર્ડ્સમાં દાદાની હાજરીમાં ટીમ કોહલીની 'દાદા'ગીરી

ક્રિકેટમાં ટીમ ઈન્ડિયાનું રૌદ્ર રૂપ, અંગ્રેજોને ઘરમાં ઘૂસીને હણ્યા. (તસવીર- AFP)

India Beat England in Lord’s Test: ટીમ ઈન્ડિયાનું રૌદ્ર રૂપ, અંગ્રેજોને ઘરમાં ઘૂસીને હણ્યા

  શૈલેષ મકવાણા, અમદાવાદ. આજથી લગભગ 19 વર્ષ પહેલા લોર્ડ્સ (Lords)ના મેદાન પર નેટવેસ્ટ સિરીઝ (Netwest Series)ની જીતેલી ફાઈનલ, અને ત્યાર બાદ કેપ્ટન સૌરવ ગાંગુલી (Sourav Ganguly) એ ટી-શર્ટ ઉતારીને કરેલી જીતની ઉજવણી, આટલું જ નહીં અંગ્રેજોને તેમની જ ધરતી પર આપેલા જડબાતોડ જવાબની યાદ ફરી તાજા થઈ ગઈ. વર્ષો બાદ ફરી ઈંગ્લીશ ટીમ (England Cricket Team)ને ભારત (Team India)ના હાથે જ લોર્ડ્સના મેદાન પર શરમજનક હાર (India Beats England in Lord’s Test) સ્વીકારવી પડી. એ વખતે વન-ડે સિરીઝ અને આ વખતે ટેસ્ટ સિરીઝનું ફોર્મેટ ભલે અલગ હતું પરંતુ જીત માટેના તેવરમાં કોઈ કમી નહોતી. માત્ર 120 રનમાં જ ફીંડલુ વળી ગયેલી રૂટ એન્ડ કંપનીને ટાર્ગેટ ચેઝ કરવામાં પનો ટૂંકો પડ્યો.

  ભારતીય પેસ બોલર્સ (Indian Pacers)ની આગ ઝરતી બોલિંગનો અંગ્રેજ બેટ્સમેન પાસે કોઈ જવાબ નહોતો. ટેસ્ટ મેચના પાંચમાં દિવસે લોર્ડ્સના મેદાન પર ભારતીય ખેલાડીઓ રીતસરના આક્રમક બન્યા. અને આ ખેલાડીઓના આક્રમણને પીઠ બળ મળ્યું લોર્ડ્સમાં હાજર બીસીસીઆઈ (BCCI)ના પ્રેસિડેન્ટ અને દાદાના હુલામણા નામથી જાણીતા સૌરવ ગાંગુલી પાસેથી. લોર્ડ્સમાં ગાંગુલીની હાજરી અને કોહલીના આક્રમક અંદાજે જાણે કે અનોખો સંયોગ ઉભો કર્યો. મેદાન પર કોહલીની કેપ્ટનશિપે ગાંગુલીના એ વખતના સમયની યાદ અપાવી, જ્યારે હરીફ ટીમોને માત્ર રમતથી જ નહીં પણ વિરોધીઓને જડબાતોડ જવાબ આપીને જીત હાંસલ કરી હોય.

  આ પણ જુઓ, Video: બુમરાહ સાથે ઇંગ્લેન્ડની આખી ટીમે કર્યો ઝઘડો લોર્ડ્સની બાલ્કનીમાંથી વિરાટે આપી ગાળ, જુઓ Video

  મેચ દરમિયાન ઈંગ્લેન્ડના ખેલાડીઓએ શાબ્દીક યુદ્ધથી ભારતીયોને પરેશાન કરવાના અનેક પ્રયત્ન કર્યા. પરંતુ અંગ્રેજ ખેલાડીઓ કદાચ જાણતા નહોતા કે ઈંટ ફેંકશુ તો સામેથી પથ્થર આવશે. હરીફ ટીમને તેમની જ ભાષામાં જવાબ આપવા કેપ્ટન કોહલી જાણીતો છે અને મેદાન પર કોહલીનું આક્રમક વલણ અંગ્રેજોને આ વખતે પણ દઝાડી ગયું. મેચના અંતિમ દિવસે ટીમ ઈન્ડિયાને સસ્તામાં સમેટીને જીતના સપના જોતી રુટની ટીમને સપને પણ ખ્યાલ નહોતો કે મોહમ્મદ શામી અને જસપ્રિત બુમરાહ નવમી વિકેટ માટે 89 રન જોડીને મેચમાં વળાંક લાવી દેશે. ઈંગ્લેન્ડની ટીમ આ ભાગીદારીના આઘાતમાંથી બહાર આવે એ પહેલા તો બે ઓવરમાં તો ઈંગ્લેન્ડના બંને ઓપનર પેવેલિયન પરત ફરી ચૂક્યા હતા. બીજી ઈનિંગ્સમાં કોહલીએ શરુઆતથી જ ઈંગ્લીશ બેટ્સમેનોને ઘેરી લેતી ફિલ્ડિંગનો ચક્રવ્યૂહ ગોઠવ્યો. જેમાં એક પછી એક બેટ્સમેન ફસાતા ગયા.

  આ પણ વાંચો, ICC T20 world cup 2021 schedule: ટી-20 વર્લ્ડ કપનું શિડ્યૂલ જાહેર, ભારતની પ્રથમ મેચ પાકિસ્તાન સામે


  ખરા સમયે બોલિંગમાં ફેરફાર કરીને હરીફ ટીમ પાસેથી જીતનો કોળીયો છીનવી લેવામાં ગાંગુલી જેવી જ અદા આ વખતે કોહલીમાં જોવા મળી. કોહીલીએ જે પણ બોલરને અજમાવ્યો તેણે વિકેટ અપાવી. કેપ્ટન રૂટને બાદ કરતા એક પણ અંગ્રેજ બેટ્સમેન લાંબો સમય ટકી ન શક્યો. ઈંગ્લેન્ડની ટીમને માત્ર ભારતની આક્રમક બોલિંગનો જ સામનો નહોતો કરવાનો, મેદાન પર રૌદ્ર રૂપમાં આવી ગયેલી ભારતીય ટીમ સામે પણ બાથ ભીડવાની હતી. ટીમ રૂટને એવા ખેલાડીઓનો ભેટો થયો જે આંખથી આંખ મિલાવીને જવાબ આપવાનું જાણે છે. મેચના છેલ્લાં દિવસે આક્રમકતાની આગેવાની ખુદ કેપ્ટન કોહલીએ લીધી. અન્ય ખેલાડીઓમાં ઉત્સાહ ભરવા માટે કોહલીનો આ અંદાજ પણ જરુરી હતો અને તેનું પરિણામ એ છે કે પાંચ ટેસ્ટ મેચની સિરીઝમાં ભારતે 1-0ની લીડ મેળવી લીધી છે. સિરીઝની ત્રીજી ટેસ્ટ 25 ઓગસ્ટથી લીડ્સમાં શરૂ થશે.
  Published by:Mrunal Bhojak
  First published:

  Tags: Sourav ganguly, Sports news, Team india, ક્રિકેટ, બીસીસીઆઇ

  विज्ञापन
  विज्ञापन