ન્યૂઝ18 ગુજરાતી : મહેન્દ્ર સિંહ ધોનીના સંન્યાસને લઈને ઘણી વાતો કહેવામાં આવી રહી છે. ચર્ચા એવી ચાલી રહી છે કે ટૂંક સમયમાં ધોની વનડે ક્રિકેટને અલવિદા કહી શકે છે. ધોનીના સંભવિત સંન્યાસને લઈને બીસીસીઆઈના કાર્યકારી અધ્યક્ષ સીકે ખન્ના અને પ્રશાસક સમિતિના સભ્ય ડાયના ઇડુલ્જીએ પણ પ્રતિક્રિયા આપી છે. તેઓએ વર્લ્ડ કપ 2019માં ટીમ ઈન્ડિયાના પ્રદર્શનના વખાણ કર્યા અને સેમીફાઇનલમાં હારીને બહાર થવાને નિરાશાજનક ગણાવ્યું. ક્રિકેટ વર્લ્ડ કપ 2019ની પહેલી સેમીફાઇનલમાં ન્યૂઝીલેન્ડે ભારતને 18 રને હરાવ્યું હતું. તેના કારણે ઈન્ડિયા વર્લ્ડ કપથી બહાર થઈ ગયું હતું જ્યારે ન્યૂઝીલેન્ડ ફાઇનલમાં પહોંચી ગયું હતું.
ધોનીના સંન્યાસની અટકળો પર ડાયના ઇડુલ્જીએ કહ્યું કે, સમગ્ર ટૂર્નામેન્ટમાં તેઓએ જે રીતે પ્રદર્શન કર્યુ તેના વખાણ કરું છું. તે (સંન્યાસ) તેમનો અંગત નિર્ણય છે. માત્ર તે જ નિર્ણય લઈ શકે છે અને માત્ર તેઓ જ આ વિશે જણાવી શકે છે. મને લાગે છે કે તેમનામાં ઘણું ક્રિકેટ બચ્યું છે. ટીમના યુવા સભ્યોને તેમના માર્ગદર્શનની જરૂર છે.
જાડેજા અને ધોનીને સલામ
ટીમ ઈન્ડિયાની રમત પર તેમણે કહ્યું કે, ટીમ સારું રમી. ખરાબ નસીબ રહ્યા કે રમત બે દિવસ ચાલી. ત્રણ વિકેટ વહેલી પડવાથી ટીમ બેકફૂટ પર આવી ગઈ. પરંતુ રવિન્દ્ર જાડેજા અને ધોનીએ સારી વાપસી કરાવી. ઘણી નજીકનો મુકાબલો હતો તેમ છતાંય જીત દૂર રહી ગઈ. જાડેજા અને ધોનીને સલામ જેઓએ આ પ્રકારની રમત દર્શાવી.
બીસીસીઆઈ પ્રશાસક સમિતિની સભ્ય ડાયના ઇડુલ્જી
ભારતે તમામ બળ હોમી દીધું
સીકે ખન્નાએ પણ ટીમ ઈન્ડિયાની રમતના વખાણ કર્યા. તેઓએ કહ્યું કે, ઘણો જોરદાર મુકાબલો હતો અને મને લાગે છે કે અમારા ખેલાડી દીલેરીથી રમ્યા. કોઈ પણ હારવા નથી માંગતું. પ્રત્યેક ખેલાડીએ ઘણી મહેનત કરી પરંતુ તે પૂરતી નથી. લીગ ફેઝમાં ભારત સુંદર રમ્યું. મને વિશ્વાસ છે કે આપણી ટીમ અથાગ મહેનત કરશે અને આવનારા સમયમાં સફળતા મેળવશે. ન્યૂઝીલેન્ડને શુભેચ્છાઓ.
માનચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ મેદાનમાં વરસાદના વિઘ્ના વચ્ચે બે દિવસ સુધી ચાલેલી સેમીફાઇનલમાં ન્યૂઝીલેન્ડે પહેલા બેટિંગ કરતાં 8 વિકેટ પર 239 રન કર્યા. તેના જવાબમાં ભારતની શરૂઆત ખરાબ રહી અને રોહિત શર્મા, વિરાટ કોહલી અને કેએલ રાહુલ 5 રનના સ્કોરે આઉટ થઈ ગયા. આ ત્રણેયે એક-એક રન કર્યો. રવિન્દ્ર જાડેજા અને મહેન્દ્ર સિંહ ધોનીએ સાતમી વિકેટ માટે 116 રન કરીને ટીમની મેચમાં વાપસી કરાવી. આ બંને ટીમ ઈન્ડિયાને લક્ષ્યની નજીક ગઈ ગયા પરંતુ જીત ન અપાવી શક્યા. ભારત 49.3 ઓવરમાં 221 રને ઓલઆઉટ થઈ ગયું.