પુણે. ભારત અને ઈંગ્લેન્ડ (India Vs England)ની વચ્ચે પહેલી વનડેમાં ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યા (Krunal Pandya)એ શ્રેષ્ઠ બેટિંગનું પ્રદર્શન કર્યું. કૃણાલે પોતાની પહેલી જ વનડે મેચમાં 31 બોલમાં રણનમ 58 રન ફટકાર્યા. કૃણાલ પંડ્યાએ ઈંગ્લેન્ડના બોલરોની જોરદાર ધોલાઈ કરી અને પોતાની ઇનિંગમાં 7 ફોર અને 2 સિક્સર ફટકારી. જોકે પોતાની સ્ફોટક ઇનિંગ દરમિયાન કૃણાલ પંડ્યા ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર ટોમ કર્રન (Tom Curran) પર ભડકી ગયો.
કૃણાલ પંડ્યાએ જેવી પોતાની અડધી સદી પૂરી કરી તો તે ટોમ કર્રન (Tom Curran)ને ગુસ્સામાં કંઈક બોલતો જોવા મળ્યો. આ દરમિયાન અમ્પાયર અને ઈંગ્લેન્ડના વિકેટકીપર જોસ બટલર વચ્ચે પડ્યા. આ ઘટના ભારતીય ઇનિંગની 49મી ઓવરમાં બની જ્યારે કૃણાલ પંડ્યા એક રન લઈને નોન સ્ટ્રાઇક એન્ડ પર પહોંચ્યો અને ટોમ કર્રને તેને કંઈક કહ્યું. કર્રનની વાત સાંભળીને કૃણાલ ભડકી ગયો અને તેને પાછળ જઈને કંઈક કહેવા લાગ્યો. ત્યારબાદ અમ્પાયરે કૃણાલ પંડ્યાને આગળ વધતા રોક્યો. કૃણાલ પંડ્યાએ કર્રનની ફરિયાદ અમ્પાયરને કરી.
નોંધનીય છે કે, ટોમ કર્રને પહેલી વનડેમાં માત્ર વાતો જ કરી કારણ કે બોલિંગના મોરચે તે ફ્લોપ સાબિત થયો. કૃણાલ સાથે ઝઘડો કર્યા બાદ ટોમ કર્રનની બોલિંગમાં કેએલ રાહુલે જોરદાર સિક્સર ફટકારી. ટોમ કર્રને 10 ઓવરમાં 63 રન આપ્યા અને તેને કોઈ સફળતા ન મળી.
બીજી તરફ કૃણાલ પંડ્યાએ માત્ર 26 બોલમાં અડધી સદી ફટકારી ડેબ્યૂ મેચમાં સૌથી ઝડપથી અડધી સદી ફટકારવાનો રેકોર્ડ નોંધાવી દીધો. પોતાની અડધી સદી બાદ કૃણાલ પંડ્યા ભાવુક થયેલો જોવા મળ્યો. તે નાના ભાઈ હાર્દિક પંડ્યાને ભેટીને રડતો જોવા મળ્યો. કૃણાલ પંડ્યાએ પોતાની અડધી સદી પિતા હિમાંશુ પંડ્યાને સમર્પિત કરી જેમનું થોડા સમય પહેલા જ નિધન થયું છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર