Home /News /sport /

કપિલ દેવને આવ્યો હાર્ટ અટેક, દિલ્હીની હૉસ્પિટલમાં દાખલ કરાયા

કપિલ દેવને આવ્યો હાર્ટ અટેક, દિલ્હીની હૉસ્પિટલમાં દાખલ કરાયા

હાર્ટમાં બ્લોકેજના કારણે કપિલ દેવની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી, ડૉક્ટરો મુજબ હાલ ખતરાથી બહાર

હાર્ટમાં બ્લોકેજના કારણે કપિલ દેવની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી, ડૉક્ટરો મુજબ હાલ ખતરાથી બહાર

  નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન કપિલ દેવ (Kapil Dev)ને હૃદયરોગ (Heart Attack)નો હુમલો થયો છે. મળતા રિપોર્ટ મુજબ તેમને દિલ્હીની એક હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે છાતીમાં દુખાવા બાદ તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. હાર્ટમાં બ્લોકેજના કારણે તેમની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી છે. ડૉક્ટરોના જણાવ્યા મુજબ હાલ તેઓ ખતરાથી બહાર છે. કપિલ દેવની ઉંમર 61 વર્ષની છે.

  ન્યૂઝ એજન્સી ANI મુજબ, દિલ્હીની ફોર્ટિસ હૉસ્પિટલમાં 23મી ઓક્ટોબરે રાત્રે 1 વાગ્યે ઇમરજન્સી ડિપાર્ટમેન્ટમાં છાતીમાં દુખાવાની ફરિયાદ સાથે દાખલ કરવામાં આવ્યા હતા. તેમની તાત્કાલિક એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી.

  કપિલ દેવની તબિયત ખરાબ થતાં ક્રિકેટ સાથે જોડાયેલાં અનેક દિગ્ગજોએ તેઓ જલ્દી સાજા થઈ જાય તેવી પ્રાર્થના કરી છે. ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર ઈરફાન પઠાણ (Irfan Pathan)એ ટ્વિટ કરીને લખ્યું છે કે, કપિલ દેવ પાજી તમે જલ્દીથી સાજા થઈ જાઓ તેના માટે મારી પ્રાર્થના. આ ઉપરાંત જાણીતા કોમેન્ટટેટર હર્ષ ભોગલેએ પણ ટ્વિટ કરીને લખ્યું છે કે, વિશાળ હૃદયના કપિલ દેવની સ્પીડી રિકવરી માટે હું પ્રાર્થના કરું છું.  આ પણ વાંચો, IPL 2020: ધોનીની ટીમ હજુ પણ પહોંચી શકે છે પ્લેઓફમાં, આ છે પૂરું ગણિત

  હાલમાં જ આવ્યો હતો તેમનો નવો લુક

  લૉકડાઉનમાં કપિલ દેવનો નવો લુક સામે આવ્યો હતો. તેઓએ માથાના તમામ વાળ કપાવી દીધા હતા. પરંતુ તેઓએ દાઢી હટવી નહોતી. આ કારણે તેઓ બિલકુલ નવા અંદાજમાં જોવા મળી રહ્યા હતા.

  ચેમ્પિયન કેપ્ટન

  નોંધનીય છે કે, 37 વર્ષ પહેલા ભારતે પહેલી વાર કપિલ દેવની કેપ્ટન્સીમાં વર્લ્ડ કપ પર કબજો કર્યો હતો. ભારતીય ટીમે કપિલ દેવની આગેવાનીમાં વેસ્ટ ઈન્ડિઝ જેવી મજબૂત ટીમને 43 રનથી હરાવી દીધી હતી. પહેલા બેટિંગ કરતાં ભારતે માત્ર 183  રન નોંધાવ્યા હતા પરંતુ વેસ્ટ ઈન્ડિઝની મજબૂત ટીમ જવાબમાં માત્ર 140 રન જ કરીને ઓલઆઉટ થઈ ગઈ હતી.

  શાનદાર કારકિર્દી

  વર્ષ 1978માં પાકિસ્તાનની વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરનારા કપિલ દેવે 131 ટેસ્ટ મેચો રમી હતી. કપિલે ન્યૂઝીલેન્ડના રિચર્ડ હેડલીનો સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ તોડી દીધો હતો. તેઓએ કુલ 434 વિકેટ ઝડપી હતી. ભારત તરફથી ટેસ્ટમાં અનિલ કુંબલે બાદ સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ કપિલના નામે જ છે. ટેસ્ટમાં તેમના નામે 5 હજારથી વધુ રન છે. આ દરમિયાન તેઓએ 8 સદી પણ ફટકારી હતી. આ ઉપરાંત 225 વનડેમાં કપિલ દેવે 253 વિકેટ ઝડપી હતી. તેમની કેપ્ટન્સીમાં ભારતને અનેક યાદગાર જીત મળી હતી.

  આ પણ વાંચો, Royal Enfield ભારતમાં લૉન્ચ કરવા જઈ રહી છે Meteor 350, જાણો ખાસિયતો

  ટીમ ઈન્ડિયાના કોચ પણ રહ્યા

  કપિલ દેવ લગભગ 10 મહિના સુધી ટીમ ઈન્ડિયાના કોચ પણ રહી ચૂક્યા છે. તેઓ ઓક્ટોબર 1999થી ઓગસ્ટ 2000 સુધી ટીમના કોચ હતા. મેચ ફિક્સિંગના આરોપોને કારણે તેઓએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. જોકે બાદમાં તેમની વિરુદ્ધ લગાવવામં આવેલા આરોપ પડતાં મૂકવામાં આવ્યા હતા.
  Published by:Mrunal Bhojak
  First published:

  Tags: Heart attack, Kapil Dev, ક્રિકેટ, દિલ્હી, સ્પોર્ટસ, હોસ્પિટલ

  આગામી સમાચાર