નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ 2020 (IPL 2020)ની પહેલી ક્વોલિફાયર મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians)એ દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals)ને એકતરફી અંદાજમાં 57 રનથી હરાવી દીધું. મુંબઈ ઈન્ડિયન્સે પહેલા બેટિંગ કરતાં 20 ઓવરમાં 5 વિકેટ પર 200 રન કર્યા. તેના જવાબમાં દિલ્હી કેપિટલ્સ માત્ર 143 રન જ કરી શકી. મુંબઈ ઈન્ડિયન્સે આ જીતની સાથે જ છઠ્ઠી વાર આઇપીએલ ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. મુંબઈ પોતાના બેટ્સમેનો અને બોલરોના દમ પર ફાઇનલ સુધી પહોંચી પરંતુ ક્વોલિફાયરમાં તેની જીતનો હીરો જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) રહ્યો. આ મુકાબલામાં જસપ્રીત બુમરાહ એ દર્શાવી દીધું કે કેમ તે મુંબઈનો સૌથી મોટો મેચ વિનર બની ચૂક્યો છે અને કદાચ તેનું કદ હવે રોહિત શર્મા (Rohit Sharma)થી પણ ઉપર છે.
જસપ્રીત બુમરાહનું રેકોર્ડબ્રેક પ્રદર્શન
મોટો ખેલાડી હંમેશા મોટી તક પર પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન દર્શાવે છે. આ બોલરે પણ કંઈક આવું જ કર્યું. મુંબઈના આ ફાસ્ટ બોલરે દિલ્હીના બેટ્સમેનોને પોતાના બોલિંગના તરખાટથી હેરાન કરી દીધા. તેણે 4 ઓવરમાં 14 રન આપીને 4 વિકેટ ઝડપી લીધી. નોંધનીય છે કે બુમરાહની આઇપીએલ જ નહીં ટી20 કારકિર્દીનું આ બેસ્ટ પ્રદર્શન છે.
સાથોસાથ મુંબઈ ઈન્ડિયન્સ તરફથી આ પ્લેઓફમાં સૌથી સારા બોલિંગના આંકડા છે. બુમરાહે આઇપીએલ 2020માં બીજી વાર ચાર વિકેટ હૉલ લીધો છે અને આ કારનામું કરાનારો તે એકમાત્ર બોલર છે. બુમરાહ આ આઇપીએલમાં સૌથી વધુ 27 વિકેટ પણ ઝડપી ચૂક્યો છે. બુમરાહ આઇપીએલ ઈતિહાસની એક સીઝનમાં સૌથી વધુ વિકેટ ઝડપનારો બોલર પણ બની ગયો છે. તેના પહેલા 26 વિકેટ લઈને ભુવનેશ્વર કુમારના નામે આ રેકોર્ડ હતો.
દિલ્હીની વિરુદ્ધ મુંબઈને ટ્રેન્ટ બોલ્ટે પહેલી જ ઓવરમાં બે વિકેટ લઈને ગજબની શરૂઆત અપાવી. પરંતુ જ્યારે બોલ બુમરાહના હાથમાં આવ્યો તો તેણે દિલ્હીના સોથી સફળ બેટ્સમેન શિખર ધવન અને કેપ્ટન શ્રેયસ અય્યરની વિકેટ ઝડપીને તેમની કમર તોડી દીધી. શિખર ધવનને તો તેણે ઇનસ્વિંગ યોર્કર પર બોલ્ડ કર્યો. બીજી તરફ શ્રેયસને પણ તેણે પોતાની લેન્થ બોલ પર ફસાવ્યો. બુમરાહે 65 રન કરીને સેટ થયેલા સ્ટોયનિસને પણ ગજબના ઇન સ્વિંગર પર બોલ્ડ કર્યો. ડેનિલયલ સેમ્સ પણ બુમરાહના યોર્કરનો શિકાર બન્યો. કુલ મળીને બુમરાહે દરેક પ્રકારના બોલથી કહેર વરસાવ્યો. આ વખતે એવું લાગ્યું કે બુમરાહ મુંબઈને પાંચમી વાર આઈપીએલ ચેમ્પિયન બનાવીને જ નિરાંતનો શ્વાસ લેશે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર