ન્યૂઝ18 ગુજરાતી : ટીમ ઈન્ડિયા આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2019માં ઈંગ્લેન્ડ સામે 31 રને હારી ગઈ. આ હારે તેના અજેય રહેવાના ક્રમને તોડી દીધો. ટીમ ઈન્ડિયાની હાર બાદ ભારતીય ઇનિંગની છેલ્લી 5 ઓવરોની ઘણી ચર્ચા થઈ રહી છે. છેલ્લી ઓવરોમાં એમએસ ધોની અને કેદાર જાધવ ક્રીઝ પર હતા. પરંતુ આ બંને 39 રન જ કરી શક્યા જ્યારે તેમને જીતવા માટે 71 રન કરવાના હતા. બીજી તરફ, ઈંગ્લેન્ડ માટે બેન સ્ટોક્સ અને જોસ બટતથા તથા ક્રિસ વોક્સે મળીને 47 રન કર્યા હતા. ઈન્ડિયાની અંતિમ ઓવરોમાં 7 બોલ ડોટ હતા, 20 સિંગલ, 3 ફોર અને એક સિક્સર હતી.
છેલ્લી 5 ઓવરમાં એવું લાગ્યું કે ધોની અને જાધવે હાર માની લીધી હતી અને તેઓ સિંગલ-ડબલથી જ ખુશ હતા. જોકે, અહીં ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલરોના વખાણ જરૂરી છે, તેમણે જોરદાર બોલિંગ કરી. ઈંગ્લિશ બોલરોએ યોગ્ય લાઇન તથા લેન્થ પર બોલિંગ કરી અને ઘણા વેરિએશન લાવ્યા.
કોહલીએ કર્યો બચાવ
ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ છેલ્લી 5 ઓવરોમાં ધોની-જાધવની બેટિંગનો બચાવ કર્યો. તેણે મેચ બાદ કહ્યું કે, કેવી રીતે બેટિંગ કરવી તે ક્રિઝ પર બેટિંગ કરી રહેલા બેટ્સમેનો પર નિર્ભર કરે છે. મને લાગે છે કે એમએસ ધોની ફોર-સિક્સર મારવા માટે ખૂબ મહેનત કરી રહ્યા હતા. પરંતુ ઈંગ્લેન્ડે શાનદાર બોલિંગ કરી. અમારે આગામી મેચો માટે બસીને રમતને સુધારવા પર વાત કરવી પડશે.
હાર્દિક પંડ્યા આઉટ થઈને પેવેલિયન જતો (AP Photo)
મોર્ગને કહ્યું- અમારી બોલિંગ સારી હતી
બીજી તરફ, ઈંગ્લેન્ડના કેપ્ટન મોર્ગને કહ્યું કે ટીમ ઈન્ડિયાની છેલ્લી ઓવરની બેટિંગથી તેમને મુશ્કેલી નહોતી. તેમને તે બધું સારું લાગી રહ્યું હતું. પરંતુ તેમના બોલરોએ જોરદાર બોલિંગ કરી.
રસપ્રદ વાત એ રહી કે મેચમાં ઈંગ્લિશ બેટ્સમેનોએ 13 સિક્સર મારી જ્યારે ભારત તરફથી માત્ર એક સિક્સર વાગી અને તે પણ છેલ્લી ઓવરમાં ધોનીના બેટથી. ઈંગ્લેન્ડ તરફથી જોની બેટરસ્ટોએ 6, બેન સ્ટોક્સે 3 અને જેસન રોય તથા જોસ બટલરે 2-2 સિક્સર મારી હતી.