ન્યૂઝ18 ગુજરાતી : આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપમાં રવિવારે ઈંગ્લેન્ડની વિરુદ્ધ મોટા લક્ષ્યનો પીછો કરતી ટીમ ઈન્ડિયા ફરી એક વાર વિવશ જોવા મળી. જોકે, શરુઆતમાં જ એક વિકટ ગુમાવ્યા બાદ રોહિત અને વિરાટની પાર્ટનરશીપથી ભારતીય ટીમ ઘણા અંશે મજબૂત રમત દર્શાવી રહી હતી. લક્ષ્ય મોટો હતો એટલા માટે ટીમને ઝડપથી રન કરવાની જરૂર હતી. 44મી ઓવરના પાંચમાં બોલે હાર્દિક પંડ્યા આઉટ થયો ત્યારે ભારતને 31 બોલમાં 71 રનની જરૂર હતી. તે સમયે ધોનીનો સાથ આપવા કેદાર જાધવ આવ્યો હતો. તે સમયે ભારતીય ટીમને આક્રમક બેટિંગની જરૂર હતી પરંતુ બંને સિંગલ્સ પર વધુ ધ્યાન આપી રહ્યા હતા. હવે બંનેની બેટિંગ પર સવાલ ઊભા થઈ રહ્યા છે કે શું ખરેખર બંને જીતવા માટે રમતા હતા?
સૌરવ ગાંગુલી, નાસિર હુસૈને ઉઠાવ્યા સવાલ
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી અને ઈંગ્લેન્ડ ટીમના પૂર્વ કેપ્ટન નાસિર હુસૈને પણ બંને પ્લેયરની ધીમી બેટિંગ પર સવાલ ઉઠાવ્યા. કોમેન્ટ્રી બોક્સમાં બેઠેલા નાસિર હુસૈને કહ્યું કે, હું સમગ્રપણે આશ્ચર્ય ચકિત છું. મને સમજમાં નથી આવતું કે શું થઈ રહ્યું છે. ભારતીય ટીમ જરૂરિયાતથી બિલકુલ ઉલટું રમી રહી છે. ટીમને રનોની જરૂર છે. આ વર્લ્ડ કપની મોટી મેચ છે. મેદાનમાં બેઠેલા પ્રશંસકો પણ ઈચ્છે છે કે ધોની અને જાધવ જોખમ લે અને ફટકા મારે.
તેનો જવાબ આપતાં સૌરવ ગાંગુલએ કહ્યું કે, આપની પાસે 5 વિકેટ છે તેમ છતાંય તમે જીતનો પ્રયાસ નથી કરતા, આ બધું માઇન્ડ સેટ દર્શાવે છે. આ સ્ટેજ પર બોલિંગ કેવી થઈ રહી છે તેનાથી ફરક નથી પડતો, હાલ માત્ર બાઉન્ડ્રી જોઈએ.
આકાશ ચોપડાએ પણ ઉઠાવ્યો સવાલ
જે સમયે હાર્દિક પંડ્યા આઉટ થયો અને કેદાર જાધવ ક્રીઝ પર આવ્યો તે સમયે ઝડપથી રન થાય તે જરૂરી હતું. કોમેન્ટ્રી બોક્સમાં બેઠેલા આકાશ ચોપડાએ કહ્યું કે, એવું ક્યાંયથી પણ નથી લાગી રહ્યું કે ટીમ જીતવા માટે રમી રહી છે. બેટ્સમેનોને જોખમ લેવાની જરૂર છે. અહીં સિંગલ્સથી કામ નહીં ચાલે.
ધોનીએ અણનમ 42 રનની ઇનિંગ રમી. આ દરમિયાન તેણે 31 બોલમાં 4 ફોર અને એક સિક્સર ફટકારી. બીજી તરફ કેદાર જાધવે 13 બોલમાં અણનમ 12 રન કર્યા અને તેણે માત્ર એક ફોર મારી. કમાલની વાત એ છે કે ભારતની ઇનિંગમાં માત્ર એક જ સિક્સર મારવામાં આવી. જ્યારે ઈંગ્લેન્ડના બેટ્સમેનોએ કુલ 13 સિક્સર ફટકારી હતી.