નવી દિલ્હી : યજમાન ટીમ ઈન્ડિયા (Team India)એ ત્રીજી ટેસ્ટમાં ઇંગ્લેન્ડ સામે વિકેટથી શાનદાર જીત મેળવી છે. વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ (Motera Stadium) (મોટેરા) ખાતે રમાયેલી આ મેચ માત્ર 2 જ દિવસમાં સમાપ્ત થઈ ગઈ. આ જીત સાથે ભારતે 4 મેચની શ્રેણીમાં 2-1થી અજેય લીડ મેળવી લીધી છે. અમદાવાદના મોટેરા સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચમાં ઓછામાં ઓછા એવા 10 રેકોર્ડ (Cricket Record) થયા હતા, જે લાંબા સમય સુધી રેકોર્ડ બુકમાં નોંધાયેલા રહેશે. ઇશાંત શર્મા, રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, વિરાટ કોહલી (Virat Kohli), જો રૂટ જેવા ક્રિકેટરોએ તેમની કારકિર્દીમાં ઘણી સિધ્ધિઓ હાંસલ કરી છે. જો કે, આ સિદ્ધિ છતાં જો રુટ પોતાની ટીમને જીતાડી શક્યો નથી.
અશ્વિને 400 વિકેટ ઝડપી હતી
ઓફ સ્પીનર રવિચંદ્રન અશ્વિને આ મેચમાં કુલ 7 વિકેટ લીધી હતી. તેણે પ્રથમ ઇનિંગ્સમાં 3 અને બીજી ઇનિંગમાં 4 વિકેટ ઝડપી હતી. આ સાથે તેણે તેની ટેસ્ટ કારકિર્દીમાં 400 વિકેટનો આંકડો પાર કર્યો છે. તેણે જોફ્રા આર્ચરને તેનો 400મો શિકાર બનાવ્યો. અશ્વિને હવે ટેસ્ટ મેચમાં 401 વિકેટ લઈ ચુક્યો છે. તે ભારતનો ચોથો સૌથી સફળ બોલર છે. ભારતીય બોલરોમાં ફક્ત અનીલ કુંબલે (619), કપિલ દેવ (434) અને હરભજન સિંઘ (414) અશ્વિન કરતા વધારે ટેસ્ટ વિકેટ ઝડપી શક્યા છે.
ઇશાંત શર્માની 100મી ટેસ્ટ, પ્રથમ છક્કો
ઇશાંત શર્માએ કારકિર્દીની 100 મેચ પૂર્ણ કરી છે. મોટેરા તેની 100 મી ટેસ્ટનું સાક્ષી બન્યું છે. તેણે આ મેચમાં એક વિકેટ ઝડપી હતી અને એક છગ્ગો પણ ફટકાર્યો હતો. ઇશાંતે હવે 100 ટેસ્ટમાં 303 વિકેટ ઝડપી છે. ભારતીય ફાસ્ટ બોલરોમાં ફક્ત કપિલ દેવ જ છે જેણે 100થી વધુ ટેસ્ટ મેચ રમી છે. ઇશાંતે આ મેચમાં પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દીનો પ્રથમ છગ્ગો ફટકાર્યા હતો.
અક્ષર પટેલ માટે પણ આ મેચ ખૂબ યાદગાર રહી. તેણે પ્રથમ ઇનિંગમાં 6 વિકેટ લીધી હતી અને આ ટેસ્ટની બીજી ઇનિંગ્સમાં 5 વિકેટ ઝડપી હતી. આ રીતે, તેના નામે કુલ 11 વિકેટ નોંધાઈ. ડાબા હાથના સ્પિનરે ચેન્નઈ ટેસ્ટની બીજી ઇનિંગમાં 5 વિકેટ પણ લીધી હતી. આ રીતે, તેણે સતત ત્રણ ઇનિંગ્સમાં 5 કે તેથી વધુ વિકેટ ઝડપી છે. અક્ષરે બીજી ઇનિંગમાં બોલિંગ શરૂ કરી અને પહેલા જ બોલ પર વિકેટ લીધી.
વિરાટ કોહલીએ ધોનીને પાછળ છોડી દીધો
આ મેચ વિરાટ કોહલી માટે પણ યાદગાર બની ગઈ છે. વિરાટ કોહલીની કપ્તાની હેઠળ ઘરેલુ ભારતીય ટીમનો આ 22મો વિજય છે. કોહલીએ પણ ઘરેલું સૌથી વધુ ટેસ્ટ જીતવાની દ્રષ્ટિએ મહેન્દ્રસિંહ ધોનીને પાછળ છોડી દીધો છે. ભારતે ધોનીની કેપ્ટનશીપ હેઠળ ઘરેલુ 21 ટેસ્ટ મેચ જીતી છે.
ઇંગ્લેન્ડ તેની બીજી ઇનિંગમાં 81 રનમાં જ આઉટ થઈ ગયું હતું. ભારત સામે આ તેનો સૌથી નાનો સ્કોર છે. તે ચેન્નઈમાં 134 અને 164 અને અમદાવાદમાં 112 અને 81નો સ્કોર કરી શકી હતી. આ મેચ પહેલા ઇંગ્લેન્ડનો ભારત સામે લઘુતમ સ્કોર 101 રન હતો, જે તેણે 1971માં ઓવલમાં બનાવ્યો હતો.
ભારતે 10 વિકેટથી જીત મેળવી છે
ભારતે ઇંગ્લેન્ડની ટીમને 10 વિકેટથી હરાવી હતી. વિકેટની દ્રષ્ટિએ ઇંગ્લેન્ડ સામેની આ ભારતની સૌથી મોટી જીત છે. ટેસ્ટ ઇતિહાસની વાત કરીએ તો ભારતે નવમી વખત ટેસ્ટ મેચ 10 વિકેટથી જીતી લીધી છે.
22મી વખત 2 દિવસમાં સમાપ્ત થઈ ટેસ્ટ મેચ
ટેસ્ટ મેચના ઇતિહાસમાં આ 22મી વખત છે, જ્યારે કોઈ મેચ 2 દિવસમાં સમાપ્ત થઈ છે. ભારતીય ટીમ આવી બે મેચમાં સામેલ રહી છે અને બંને મેચમાં જીત મેળવી છે. આ પહેલા તેણે 2018માં બેંગલુરુમાં બે દિવસમાં અફઘાનિસ્તાનને પરાજિત કર્યું હતું. ભારતે આ મેચ ઇનિંગ્સ અને 262 રનથી જીતી હતી. ઇંગ્લેન્ડની ટીમ સૌથી વધારે 13 વખત બે દિવસમાં ખતમ થયેલા ટેસ્ટમાં સામેલ થઈ ગઈ છે. તેણે આવી 9 મેચ જીતી છે.
ઇંગ્લેન્ડના કેપ્ટન જો રૂટ વિશ્વની શ્રેષ્ઠ બેટિંગ માટે જાણીતો છે. પરંતુ તેણે આ મેચમાં બોલર તરીકે આશ્ચર્યજનક પ્રદર્શન કર્યું. આ મેચમાં જો રૂટે ભારતની પ્રથમ ઇનિંગ્સમાં 5 વિકેટ લીધી હતી. આ તેની કારકિર્દીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે.
રોહિત શર્મા નંબર -1 ઓપનર બન્યો
રોહિત શર્મા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો છે. તેણે 10 મેચમાં 981 રન બનાવ્યા છે. તેણે ડેવિડ વોર્નર (961)ને પાછળ છોડી દીધો. રોહિત ચેમ્પિયનશીપમાં ઓવરઓલ સર્વોચ્ચ સ્કોરની દ્રષ્ટિએ છઠ્ઠા ક્રમે છે. ઓસ્ટ્રેલિયાનો માર્નસ લ્યુબુશેન 1675 રન બનાવીને પહેલા નંબર પર છે.
ખુશ હોવા છતાં જસપ્રિત બુમરાહ નિરાશ થયો
આ મેચ જસપ્રિત બુમરાહ માટે વધુ યાદગાર નહીં કહેવાય. તે 5 વર્ષની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં પ્રથમ વખત પોતાના હોમગ્રાઉન્ડ પર રમી રહ્યો હતો. તેના પ્રશંસકોને તેના પર આશા રહી હશે કે, તે વિકેટ લઈને આ મેચને યાદગાર બનાવશે. જોકે, બુમરાહ આ કરી શક્યો નહીં. આ મેચમાં તેણે એક પણ વિકેટ મળી નથી. જોકે, તેને એ વાતની ખુશી રહેશે કે, ભારતે આ મેચ ખૂબ જ સરળતાથી જીતી લીધી. બુમરાહની આ 136મી મેચ (67 વનડે, 50 ટી-20 અને 19 ટેસ્ટ) હતી.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર